નવી દિલ્હી: સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી મંગળવાર માટે મુલતવી રાખવામાં આવી છે. કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ, નાણાકીય બાબતોની ખોટી રજૂઆત, નિયમનોની છેતરપિંડી અને, અથવા કથિત નાણાકીય ગોલમાલના આરોપ અને સંબંધિત સંભવિત ઉલ્લંઘનોની ખાતરી કરવા માટે તેને વધુ સમય માગ્યો છે.
સર્વોચ્ચ અદાલતે બીજી માર્ચે હિંડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથ દ્વારા સિક્યોરિટીઝ કાયદાના કોઈપણ ઉલ્લંઘનની તપાસ કરવા મૂડી બજાર નિયમનકાર સેબીને નિર્દેશ આપ્યો હતો. જોકે, સોમવારે સમયના અભાવ અને અન્ય મહત્ત્વની સૂનાવણીઓને કારણે સેબીની અરજી પરની સૂનાવણી મૂલતવી રાખવામાં આવી છે.
અદાણી-હિંડનબર્ગ વિવાદ અંગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે, ૧૫ મેએ સુનાવણી કરશે, જેમાં અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપોની તપાસ પૂર્ણ કરવા માટે માગવામાં આવેલા વધારાના સમય અંગે નિર્ણય લેવામાં આવશે.
અગાઉ ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ૧૨મી માર્ચે એવો નિર્દેશ જારી કર્યો હતો કે તે શેરોની ગોલમાલ અને નિયમનકારી ડિસ્કલોઝર્સની જાહેરાત સંદર્ભે આચરવામાં આવેલી ક્ષતિઓના આરોપોની તપાસ અર્થે વધુ ત્રણ મહિનાના સમયની માગણી કરતી સેબીની અરજી પર વિચારણા કરશે. ઉપરોક્ત બેન્ચમાં ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની પણ સમાવેશ થાય છે. હવે આ બેન્ચે ઉક્ત મામલાની સુનાવણી ૧૫ મે સુધી મુલતવી રાખી છે.