Homeઉત્સવઅદાણી ગ્રૂપ: જોખમ છે, તકો પણ છે: રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈશે

અદાણી ગ્રૂપ: જોખમ છે, તકો પણ છે: રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈશે

જો જીતા વોહી સિકંદર અથવા જેની જીત તેનું સત્ય

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

ગયા વખતે આપણે અદાણી ગ્રૂપ વિશે ચર્ચા કરી હતી, જો કે વર્તમાન સંજોગોને અને ભાવિને ધ્યાનમાં રાખતા આ વિષય વધુ ચર્ચા માગી લે છે. ખાસ કરીને આ પ્રકરણની અસર હવે માત્ર આર્થિક રહી નથી, બલકે રાજકીય અને સામાજિક પણ બની ગઈ છે. મેઈન સ્ટ્રીમ મીડિયા તેમ જ સોશ્યલ મીડિયામાં સતત અદાણી પ્રકરણ ગાજી રહ્યું છે. સંસદમાં પણ આ વિશેના સવાલોથી શોર-બકોર છે. અદાણી ગ્રૂપે ભલે કહ્યું કે તેના પરનું આક્રમણ એ ભારત પર પણ આક્રમણ ગણાય, આવું કહીને અદાણીએ પોતાનો બચાવ કરવાની પણ કોશિશ ભલે કરી, કિંતુ જે મુજબ આ પ્રકરણ ચર્ચાના અને વિવાદના ચકડોળે ચઢયું છે તે જોતા ભારત દેશ માટે આ એક ગંભીર વિચારનો મુદો તો ખરો.
શું અદાણી ગ્રૂપે ખરેખર ગરબડો કરી છે? મેનિપ્યુલેશન કર્યુ છે? પોતાના શેરોના ભાવો ઉછાળવાની અને તેના આધારે વધુ બેંક કરજ લેવાનો ગેરલાભ ઊઠાવ્યો છે? પોતાના શેરધારકો અને સરકારને ગેરમાર્ગે દોર્યા છે? શું મોદી સરકાર તેને વિશેષ સપોર્ટ કરતી રહી છે? વગેરે જેવા અનેકવિધ સવાલો ફરી રહ્યા છે. આ ઉપરાંત બીજી બાજુ એવા પણ સવાલો ચર્ચામાં છે કે શું આ પ્રકરણ અદાણી નિમિતે મોદી સરકારને ઝપટમાં લેવાનું ષડયંત્ર છે? મોદીની છબિ બગાડવાનું કાવતરું છે? કેમ કે આ જ સમયે ગોધરા કાંડના સમયની મોદીને બદનામ કરતી ડોકયુમેન્ટરી પણ બીબીસીએ બહાર પાડી છે. જ્યારે કે આ કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે કયારનીય મોદીને કલિન ચીટ આપી દીધી છે. અર્થાત, શું સતત વિકાસમાં આગળ વધી રહેલા ભારતને ગ્લોબલ લેવલે પછાડવાની આ કોઈ બદઈરાદાપૂર્વકની વ્યૂહરચના છે? ઈસપની બોધકથાઓમાં આવે છે તેમ રાજાના મિત્ર બનવાનું મોંઘું પડતું હોય છે તેમ હાલ ભારતમાં મોદી અને અદાણી સાથે બની રહ્યું છે? કે પછી મોદીના દુશ્મનો અને અદાણીના હરીફો તરફથી થઈ રહેલો આ પરોક્ષ હુમલો છે? જેની અસર આગામી રાજ્યોની ચૂંટણીઓ તેમ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પર પણ પડી શકે છે.
સવાલો બંને પક્ષે ઘણા
આ પ્રકરણમાં સવાલો બંને બાજુ ઘણા છે. મુંઝવી શકે એવા છે અને વિચારતા કરે એવા પણ છે. આ બધાં વચ્ચે શેરબજારના રોકાણકારો માટે સૌથી મોટો સવાલ અને શંકા એ ઊભા થઈ રહ્યા છે કે તેમણે કોના પર ભરોસો કરવો અને કોના પર ન કરવો? કારણ કે આમાં બંને પક્ષે કેટલું સત્ય અને કેટલું અસત્ય છે, તે કોણ દાવા સાથે કહી શકે? મોદી અને અદાણીના વિરોધીઓ હિન્ડનબર્ગના અહેવાલને સમર્થન આપે છે, મોદી અને અદાણી સમર્થકો હિન્ડનબર્ગ રિસર્ચ કંપનીના અહેવાલને પ્લાન્ટેડ સ્ટોરી કે કાવતરું કહે છે. આ બધું અચાનક થવું એ પણ સંદેહ ઊભા કરે છે. કેટલાંક નિષ્ણાંતોએ એવા પણ સવાલ ઊઠાવ્યા છે કે હિન્ડનબર્ગની વિશ્ર્વસનીયતા કેટલી? શા માટે તેના અહેવાલને પૂર્ણપણે માની લેવો? તેણે પોતે પણ અદાણીના બોન્ડસમાં યુએસમાં શોર્ટ સેલ્સ કરી મંદીના દાવ ખેલ્યા છે. હિન્ડનબર્ગનો ટ્રેકરેકોર્ડ શું છે? કેવો છે એ કોને ખબર છે? શું તેને કોઈનો બહારથી મજબૂત ટેકો મળ્યો હોય એવું ન બની શકે? ગ્લોબલ સ્તરે ભારતનો એકધારો વિકાસ અને અન્ય દેશો કરતા આગળ નીકળી જવાની સફળતામાં અન્ય દેશોને, ખાસ કરીને વિકસિત દેશોને પચી શકતી ન હોય એવું પણ બની શકે.
જેની જીત એનું સત્ય
આપણા દેશની ટોળાશાહી અને માનસિકતા એવી રહી છે કે સત્તા સામે કંઈક થાય ત્યારે તેમને એ તરત સાચું લાગવા માંડે અથવા મીડિયા પણ તેને એવી રીતે ચીતરવા માંડે કે સત્યની શોધ બાજુએ રહી જાય અને વિવાદ ચાલ્યા કરે, જેમાં ચાલાક લોકો બાજી મારી જાય. અહી તો ‘જો જીતા વોહી સિકંદર’ની નીતિ છે અથવા જેને પક્ષે જીત આવે તે પક્ષ સત્ય બની જાય. આરોપોના ઢગલાં લાગી ગયા બાદ આરોપીની સ્પષ્ટતાનો અવાજ દબાઈ જતો હોય છે. ક્યારેક તો રદિયાનો ફદિયો પણ ઉપજતો નથી. આપણે પણ આ વિષયમાં આ મામલે કોઈ જજમેન્ટ પર આવવાને બદલે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ, માત્ર અહેવાલો કે એનાલિસિસથી દોરવાઈ જવાને બદલે સત્ય જાણવાનો પ્રયાસ અને તેની પ્રતિક્ષા પણ કરવી જોઈએ. આ માટે આપણી પાસે પોતાની વિવેકબુધ્ધિ હોવી અનિવાર્ય છે. જેઓ અદાણીના શેરો ધરાવે છે તેમણે પેનિકમાં આવી જવાને બદલે તેને સમય આપવો જોઈએ, કારણ કે બની શકે છે કે કોઈ સ્થાપિત હિતો આ પેનિક ફેલાવીને તમારા શેરો સસ્તામાં પડાવી લેવા માગતુ હોય, જેનો તેમને પછીથી લાભ થવાનો હોય. અલબત્ત, આ સમયે એવરેજ કરવા જવું પણ જોખમી બની શકે, કિંતુ કંપનીના ફંડામેન્ટલ્સ સારા-મજબુત જણાતા હોય તો આનું ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકાય. જેમણે આ સ્ટોકસ અત્યારસુધી લીધા જ નથી કે ધરાવતા જ નથી તો તેમણે અહીં જોખમ લેવાની ક્ષમતાને આધારે વિચાર કરવા જેવો છે. જોકે અત્યારસુધીમાં તો આ સ્ટોકસમાં ભરપુર વેચાણ થઈ ચુકયું હોવાથી ભાવો તૂટતા ગયા હતા.
રોકાણકારો માટે જોખમ સાથે તક પણ
મુડીઝ સહિતની ગ્લોબલ રેટિંગ એજન્સીઓએ
અદાણી ગ્રૂપ સામે બેંકોને કોઈ મોટા જોખમ નહીં હોવાનો મત વ્યકત કર્યો છે. રિઝર્વ બેંકે પણ બેંકોના વધુ પડતા એકસપોઝરનો ઈન્કાર કર્યો છે. સેબી તેના સ્ટોકસ પર સતત નિરીક્ષણ સાથે ચકાસણી કરી રહ્યું છે. નાણાં પ્રધાને પણ બેંકોના એકસપોઝર બાબતે સ્પષ્ટતા કરીને પોઝિટિવ નિવેદન આપ્યું છે. છેલ્લા અમુક દિવસથી અદાણી શેરોમાં ખરાબી અટકી છે, કયાંક રિકવરી પણ શરૂ થઈ છે. આ બાબતનો સંકેત સમજવો જોઈએ. જરાય જોખમ ન લેવા માગતા રોકાણકારોએ આ સમગ્ર પ્રકરણથી દૂર રહેવું જોઈએ. એક વાત નોંધવી રહી કે અદાણી શેરોના ડાઉનફોલની અસર બેંકોના સ્ટોકસ પર પણ ભારે થઈ છે, જેથી આ સ્ટોકસના રોકાણકારોએ સાવચેત અને સક્રિય રહેવું જોઈશે. અહી ટ્રેડર્સ વર્ગ માટે મોટા જોખમ છે, જયારે રોકાણકારો માટે જોખમ છે અને તક પણ છે.
કોને શું મોંઘું પડી રહ્યું છે?
એલઆઈસીએ કરેલી સ્પષ્ટતા મુજબ તેણે અદાણી ગ્રૂપમાં તમામ રોકાણ નિયમોને આધિન રહીને કર્યું છે, જો એ આમ ન કરે તો તેના માથે ઈરડા (ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ ) બેઠી જ હોય છે. ખાનગી બેંકો પણ રિસ્ક મેનેજમેન્ટનું ધ્યાન રાખ્યું હોવાનું જાણવા મળે છે. જાહેર ક્ષેત્રની બેંકોની જવાબદારી રિઝર્વ બેંક અને સરકારની ગણાય. તેમાં કંઈક વધુ પડતું થયું હોઈ શકે, જો કે અદાણીનો મામલો નિરવ મોદી, માલ્યા કે મેહુલ ચોકસી જેવો જણાતો-ગણાતો નથી. તેમ છતાં કંઈક કયાંક બફાઈ ગયું હોઈ શકે, કંઈક ચૂકી જવાયું હોઈ શકે છે. આનો જ લાભ લઈ આંતરરાષ્ટ્રીય લોબીઓ પોતાના હિતમાં કામ કરતી હોય છે. હાલ તો અદાણી ગ્રૂપને અને મોદી સરકારને એકબીજા સાથેની અતિ નિકટતા મોંઘી પડી રહી છે. વેપારી અને રાજા વચ્ચે બહુ નિકટતા સારીં નહી. અદાણી ગ્રૂપને તેના વિકાસ કરતા એ વિકાસની ઝડપ અને બધે છવાઈ જવાની તલપ ભારે પડી હોઈ શકે છે.
દરમ્યાન અદાણી જૂથે હિન્ડનબર્ગ રિસર્ચના આક્ષેપોને તેમ જ તેના શોર્ટ સેલ્સને પડકારવા યુએસ સ્થિત જાણીતા લીગલ હાઉસ વોચટેલની નિમણૂક કરી છે. જેની સામે હિન્ડનબર્ગનું કહેવું છે કે તે આ કાનૂની લડાઈ માટે તૈયાર છે.
બીજીબાજુ હિન્ડનબર્ગે અદાણીના બોન્ડસમાં અમેરિકામાં શોર્ટ સેલ કર્યુ હતું, જેને સેબી ગેરકાનૂની માનતું હોવાના અહેવાલ છે. આ સાધન ભારતીય માર્કેટમાં ટ્રેડ થતું નહીં હોવાથી સેબી તેને માન્ય ગણતું નથી. અદાણી ગ્રૂપના ૧૦૦ અબજ ડોલરના મુડીધોવાણમાં હિન્ડનબર્ગનો મોટો હાથ છે. જેની સામે હવે સક્રિય તપાસ શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારની સુનાવણીમાં સેબીને તેનો અહેવાલ ૧૩ ફેબ્રુઆરીએ સુપ્રત કરવાની સૂચના આપી છે. અહીં વધુ એક જાહેરહિતની અરજી પણ થઈ છે, જેમાં હિન્ડનબર્ગ સામે આક્ષેપો છે કે તેને કારણે અનેક રોકાણકારોના નાણાં ડૂબ્યા છે.
—————-
અદાણી ગ્રૂપે હવે શું કરવું જોઈએ?
અદાણી ગ્રૂપની દસ કંપનીઓના સ્ટોકસના ભાવ પર નજર કરીએ તો છેલ્લા અમુક જ દિવસોમાં તેમાં જે ધોવાણ થયું છે તે સ્પષ્ટ દેખાય છે. જાન્યુઆરીના આંકડા મુજબ અદાણી એન્ટરપ્રાઈસીસના સ્ટોકસમાં ૪૭ ટકા, અદાણી વિલ્મારમાં ૩૦ ટકા, અદાણી પોર્ટસમાં (હાલના કવાર્ટરમાં ૧૩ ટકા નફો ઘટયો છે) ૨૭ ટકા, એસીસીમાં ૧૪ ટકા, અંબુજા સિમેન્ટમાં (૧૩ ટકા નફો વધ્યો છે) ૨૩ ટકા, એનડીટીવીમાં ૨૩ ટકા, અદાણી ટ્રાન્સમીશનમાં ૫૪ ટકા, અદાણી પાવરમાં ૩૬ ટકા, અદાણી ટોટલ ગેસમાં ૬૨ ટકા અને અદાણી ગ્રીન એનર્જીમાં ૫૫ ટકા કડાકો આવ્યો, જેમાં હવેના દિવસોમાં કયાંક સુધારો શરૂ થઈ રહયો છે. પણ શું આ સ્ટોકસ બેસ્ટ બાયને લાયક થયા છે? એ હાલના તબકકે કહેવું કઠિન છે. અદાણી ગ્રૂપે પણ પોતાનું એસેસમેન્ટ શરૂ કર્યું છે. અદાણી ગ્રૂપે સૌપ્રથમ લોકોનો વિશ્ર્વાસ જીતવાને પ્રાયોરિટી આપવી જોઈશે. નિયમનતંત્રોની પરીક્ષામાંથી પણ પસાર થવું પડશે અને મીડિયા સામે સંયમિત વલણ અને અભિગમ પણ રાખવો જોઈશે. સચોટ ડેટા-ઈન્ફર્મેશન સાથે પોતાના નિવેદન બહાર પાડતા જવું જોઈશે. પોતાની દોડને ઝડપી કરતા નકકર બનાવવી જોઈશે. હાલ તો અદાણીના સ્ટોકસમાં બહુ મોટું ધોવાણ થઈ ચુકયું છે, હવે આ સમગ્ર પ્રકરણ કયાં અને કેવો વળાંક લેશે એ તો નજીકનો સમય કહી દેશે. જો કે રોકાણકારો, બજારો, કોર્પોરેટસ અને રેગ્યુલેટર્સ માટે આ એક યાદગાર સબક બની રહેશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular