નિલેશ વાઘેલા
મુંબઇ: હિન્ડનબર્ગ અને અમેરિકાની સિલિકોન વેલી બેન્કના આઘાતમાંથી શેરબજાર હજુ બહાર જ આવી રહ્યું છે ત્યાં ફરી એક વખત અદાણી જૂથના શેરોમાં વેચવાલીનું દબાણ અને ધોવાણ જોવા મળ્યું હતું. અદાણી ગ્રુપના તમામ ૧૦ શેરો મંગળવારે નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા, જેમાંના ચાર, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસમાં તો પાંચ ટકાની નીચી સર્કિટ લાગી હતી.
ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સ સૌથી ખરાબ પ્રદર્શન સાથે ૭.૬ ટકાના કડાકો નોંધવતા રૂ. ૧,૬૦૧.૫૫ની સપાટીએ પહોંચ્યા હતા. બજારના સાધનો અનુસાર ધ કેન દ્વારા અદાણી જૂથ દ્વારા કુલ ૨.૧૫ અબજ ડોલરના ઋણની પુન:ચૂકવણી સંદર્ભે સવાલો ઉઠાવનારો અહેવાલ પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થવાથી જૂથના શેરોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું.
સાધનો અનુસાર રિપોર્ટમાં એવું જણાવાયું છે કે અદાણી જૂથે શેર સામે મેળવેલા ૨.૧૫ અબજ ડોલરની ‘સંપૂર્ણ’ પુન: ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ રેગ્યુલેટરી ફાઇલિંગ દર્શાવે છે કે બેન્કોએ ગીરવે મૂકેલા શેરોનો મોટો હિસ્સો છૂટો કર્યો નથી. આનો અર્થ એ થયો કે દેવાની પૂર્ણ ચૂકવણી થઇ નથી, એવું અર્થઘટન રિપોર્ટમાં વ્યક્ત કરાવ્યું છે.
બજારની ચર્ચા મુજબ અહેવાલમાં લખાયું છે કે, અદાણીની પ્રિપેમેન્ટની જાહેરાત પછી બેન્કે માત્ર અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડના ગીરવે કરેલા શેરો જ છૂટા કર્યા છે, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનના ગીરવે મૂકેલા શેર લોનની ચુકવણીના એક મહિના પછી પણ બેંકો દ્વારા છૂટા કરવામાં આવ્યા નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ અત્યંત અસામાન્ય બાબત છે કારણ કે ગીરવે મૂકેલા શેર સામાન્ય રીતે દેવાની પતાવટ પછી તરત જ છૂટા કરવામાં આવે છે.
આ દરમિયાન, અન્ય એક અન્ય અહેવાલ મુજબ સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત હોલસીમ ગ્રુપ પાસેથી એસીસી અને અંબુજા સિમેન્ટના હસ્તાંતરણ માટે ગયા વર્ષે ઓગસ્ટમાં લીધેલી ચાર અબજ ડોલરની બાકી લોનની શરતો પર ફરીથી વાટાઘાટો કરવા માગે છે.