મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
કોઈપણ વસ્તુ વેચવી હોય તો જાહેરાત જરૂરી છે. અને તેમાં પણ મારી જેવાને કોકને મોજ આવી ગઈ હોય પછી બેસાડી દીધો હોય તો અળસિયા ને પણ અજગર કરી અને મૂકે. છાપાની જાહેરાતો આજકાલ મોંઘી પડે. ટીવી પર તો જાહેરાત કરવી એટલી મોંઘી પડે કે જે ધંધાની એડ કરવી હોય તે ધંધો વેંચીએ તો એડ થાય. એટલે આજકાલ સોશિયલ મીડિયા ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર જાહેરાતો લખતા લેખકો જોરમાં છે. લખવું હોય એટલું લખી અને આડેધડ ગમે તેને ચીપકાવી શકાય. દસ માણસે એક માણસ તો વાંચશે જ.અને જો લખાણ થોડું ચટપટું અને જમાવટ હશે તો ભંગાર વસ્તુ પણ ચાલી જશે.
લોકો આજકાલ ક્રિએટિવ બહુ થઈ ગયા છે.ગુડ મોર્નિંગની પણ અલગ અલગ સ્ટાઇલ અપનાવે છે. સોશિયલ મીડિયાએ બીજુ કંઈ આપ્યું હોય કે નહીં પણ દરેક શહેરની ગલીએ ગલીએ એક લેખક, કવિ, ગઝલકાર, ગીતકાર સર્જી દીધો છે અને પણ જો શાહબુદ્દીન સાહેબના શબ્દોમાં કહીએ તો ‘હું લખતો નથી, લખાય જાય છે’ જેવાં! તમે ફેસબૂક પર અનફોલોવ કરી શકો અથવા વોટ્સએપ પર બ્લોક કરી શકો પણ જાહેરાતો કેમ અટકાવવી? ગમે તેટલી ચેનલ સર્ફ કરો પણ બે-ચાર જાહેરાતો તો જોવી જ પડે
મારી સાથે તો વિચિત્રતા બને જ છે કે જ્યારે પણ હું જમવા બેઠો હોઉં ત્યારે જ મારે ટોઇલેટ ક્લીનરની એડ જોવી જ પડે છે. એમાં ને એમાં મારો ખોરાક અડધો થઈ ગયો અને પીઝાની એડ જોઈને ખાવાનું મન થાય અને પછી ખાય ખાયને શરીર વધી ગયું! અતિશયોક્તિની ચરમસીમા વટાવી તમારા મગજ પર હલ્લો કરે. ટોઇલેટ ક્લીનરમાં ક્લીનર લગાવીને ફ્લશ કરતા જ અરીસા જેવું સાઇનીંગ આવી જાય અને આપણને તો એમ થાય કે અહિંયા પાથરીને જમવા બેસી જાય! મારા ઘેર અરીસો કઢાવી નાખ્યો છે કેમ કે મારા પત્નીનો મોટાભાગનો સમય અરીસા સામે જ જતો. એટલે મને એમ થાય છે કે એ ટોઇલેટ ક્લીનર વસાવી જ લઉં એટલીસ્ટ મને વાળ ઓળવા પોખરો કામ તો આવે! હકીકતમાં તો હું ટોયલેટ સાફ કરુ છું એટલે ખબર પડે છે કે બાવડા દુખી જાય છે, રગો ફૂલી જાય છે અને સંપૂર્ણ પાણી ફરી જાય પછી જ છાપું વાંચવા લાયક બેઠક બને છે. જાહેરાતોની વાતોમાં આપણે થોડા તો સમજુ બન્યા છીએ કે ક્યારેક કોઈ ટૂથપેસ્ટ વાળા આપણને કહે છે કે ‘હજુ પણ કોલસાથી દાંત સાફ કરો છો?’ અને એ પછી થોડા વર્ષમાં જ બતાવે છે કે ‘કોલસાયૂક્ત ટૂથપેસ્ટ’ એટલે દ્રઢ નિશ્ર્ચય કરીએ તો બહાર નીકળી પણ શકીએ પણ ગુજરાતી છીએ એટલે ખાવાની જાહેરાતમાં આપણે આપણી જાતને કેવી રીતે રોકી શકીએ? ચૂનિયો મારી પાસે આવ્યો અને વોટ્સએપનો એક મેસેજ વંચાવ્યો. મેસેજ અક્ષરસ: રજૂ કરું છું. તમને ઇચ્છા થાય તો જોડાય જજો.
રાજકોટ શહેરથી જમવાના મનસૂબા સાથે હાઇ-વે પર ચડો તો થોડેક જ દૂર કાઠિયાવાડી ફૂડની ખરેખરી લહેજત માણવા એક વાર તો મુલાકાત લેવી જ પડે. એક નવું અને એક માત્ર સ્થળ એટલે હોટેલ દેશીનામા. થોડું દૂર થાય પણ ધક્કો વસુલ થાય તેની ગેરેંટી. અમારા રોજેરોજના મેન્યૂમાં ચાર જાતની અફલાતુન સબ્જી. કોબીચ, ટમેટા, ડુંગળી અને કાચી કેરીના સેલાડ. ગુંદા, કેરી, મેથીના અથાણાં. દેશી ગોળ, માખણ, પ્યોર ગાયનું ઘી. ગાડાનાં પૈડા જેવડા દેશી બાજરાના પડઘી પાડેલા રોટલા, ઘાટી છાશ અને ઘોળવુ. તમતમાટ દહીં તીખારી, રસપ્રચુર ઢોકળી, ભઠ્ઠામાં બનાવેલ દેશી રીંગણાનો ઓળો. સ્વાદસભર સેવ ટમેટા, વઘારેલ લસણીયો રોટલો, વઘારેલ ખીચડી, શેકેલા અને તળેલા મરચા, ફ્રાયમ્સ, આખા મરીના પાપડ અને આ બધુ જ દેશી ચૂલા પર રાંધેલું. ટૂંકમાં કંઈ ન ઘટે. જો ખાતાખાતા હોઠ, આંગળા કે હાથ ચાટતા રહી જાવ તો જ હા પાડજો. આ બધુ જ અનલિમિટેડ અને ઉપરથી માલિકની કાઠિયાવાડી તાયણ. આડા હાથ દીધા પછી સમ દઈને બે બટકા વધારે ખવડાવે. આ અનલિમિટેડ ફૂલ દેશી ભોજનની કિંમત માત્ર ૧૬૦ રૂપિયા અને એ પણ આપવા હોય તો કારણ કે અમારે ત્યાં કેશ
કાઉન્ટર નથી. તમારે જ માણસ દીઠ ઉઘરાવી બંધ મુઠ્ઠીમાં માલિકને આપી દેવાના. એયને ખાટલા પર પાટિયા નાખી દેશી ઢબે બેસી અને દેશી ભોજનનો મનભરીને આસ્વાદ લેવા આવવું તો પડે જ હો. ગામઠી ભોજન અને ગામઠી સ્ટાઇલ.
આટલું વાંચ્યા પછી હું મારી જાતને રોકી ન શક્યો. સાંજના ૬ વાગ્યે વાંચેલુ પણ રાતના ૯ તો માંડ વાગ્યા. ગાડીની સ્પીડ પર પણ કાબૂ ન રહ્યો અને સીધો જ દેશીનામા ઢાબા પર પહોંચી ગયો. જતા સાથે જ પહેલા ખાટલા શોધવાનું શરૂ કર્યું. ખૂણામાં બે ખાટલા મળ્યા પણ ખરા પણ તેના પર દેશી કૂતરાં પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હતા એટલે મેં ટેબલ પર જ બેસવાનું પસંદ કર્યું. માલિકને શોધવા માટે આમતેમ નજર કરતા રસોડા સુધી પહોંચી ગયો તો બે જણા કાણાવાળું ગંજી પહેરી લસણ ફોલતા હતા. માલિક વિશે તપાસ કરતા એક વ્યક્તિ ઊભો થયો અને પોતાની માલિક તરીકેની ઓળખાણ આપી. ભૂખ એવી લાગી હતી કે સીધો પોઇન્ટ પર આવ્યો અને કાઠિયાવાડી રંગત માણવાની અદમ્ય ઇચ્છા દર્શાવી. ચૂનિયો તો ક્યારનો પોતાની જાતે થાળી વાટકા લઈને બેસી ગયો હતો. શાક વિસે પૂછતા કુલ ત્રણ શાક છે એવું જાણવા મળ્યું જેમાં સેવ ટમેટા, ચણા બટેટા અને દાલફ્રાય હતી.
મને પહેલીવાર ખબર પડી કે દાલફ્રાય કાઠિયાવાડી છે અને શાકમાં આવે! રોટલા રોટલીની ચોઇસ પૂછવામાં આવી એટલે મીક્સનો ઓર્ડર આપ્યો. થાળીમાં શાક લીધુ ત્યારે ખબર પડી કે ટાઢું છે તો વાતાવરણના ટાઢોડાનું બહાનું આવ્યું. છાશ લીધા સાથે જ પાણીનો જગ આવી ગયો અને સૂચના મળી કે ખાટી લાગે તો પાણી નાખી લેવું. મને એ ખબર જ ન પડી કે એ આ છાશ છે કે આછ? રોટલા કોરા આવ્યા એટલે માખણ માગ્યું તો ખબર પડી કે નથી અને ઘી માગ્યું તો વેજીટેબલ ઘી હતું એટલે કોરા રોટલા શાકમાં બોળી બોળીને ખાધા! થોડા પોચા કરવા પડે તેમ હતા કેમ કે ચણા દાંત દુખાવી ગયા હતા! એમ થયું કે ખીચડી કઢીમાં સોથ બોલાવવી જ છે. ખીચડી કઢી માગતા જણાયું કે ભાત છે અને એ પણ બપોરના હતા અને નાની વાટકીમાં લાવીને કહ્યું કે ‘તમારા નસીબના આટલા વધ્યા છે’. જેમ તેમ કરીને પેટનો ખાડો બુરવાનો પ્રયત્ન કર્યો. મુખવાસ તરીકે આંબલીયા અને બટાઈ ગયેલી વરિયાળી ની વાટકી આગળ ધરી એ પણ બીલ ચુકવ્યા પછી. જતા જતા ચૂનિયાને આ પોસ્ટ કોણે ફોરવર્ડ કરી એને ત્યાં સીધી જ કાર લઈને મારવાનું નક્કી કર્યું પણ ચૂનિયાએ ખુલાસો કર્યો કે એ એકવાર તો આવી ગયો છે પણ ભૂલથી ફરી વંચાય ગયું એટલે મને લઈને આવ્યો હતો!!!
ગમે તેમા છેતરાવવું ગુજરાતીઓને પોષાય પણ જમવાની બાબતે મૂર્ખ બનવું ન જ ગમે. જેમ કાળા વ્યક્તિઓ કામે રાખવાથી મદ્રાસી સારું નથી બનતું, જેમ ચીબા મોઢા વાળાને જોઈને ચાઇનીઝ સારુ મળશે એવું ધારી ન લેવું કે પછી પાઘડીવાળા જોઈને પંજાબી સારું મળશે એવું ધારી ન લેવું! આ રીતે જ વોટ્સએપ કે ફેસબૂક પર લખતા આવા નરબંકાઓને વાંચીને ક્યારેય જમવા પહોંચી ન જવું. બાય ધ વે તમારા ધ્યાનમાં કોઈ આ પ્રકારની હોટેલ હોય તો વોટ્સએપ પર મોકલજો…
વિચારવાયુ:
‘બુચ મારવું’ એટલે કોઈકનું ‘કરી’ નાખવું. સોશિયલ મીડિયામાં સરસ રીતે તમે બુચ મારી શકો છો. કોઈને બુચ મરાવવું હોય તો મળો. આ અંગે સરસ રીતે લખાયેલી જાહેરાત મૂકો તો સાંજ પડે એકાદ માણસ તો મળવા આવે જ કે ચાલો જોઈ લઈએ કેવી રીતે બુચ મારે છે?