મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિન આરોપી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નવી દિલ્હી: સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામેના મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને આરોપી ગણવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખર સામે ૨૦૦ કરોડ રૂપિયા ખંડણી તરીકે ઉઘરાવવાનો કેસ નોંધાયો છે.
કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે કથિત છેતરપિંડી કરીને ચંદ્રશેખરે મોટી રકમ મેળવી હતી. ખંડણી કેસમાં મની ટ્રેઈલની (નાણાંનું પગેરું મેળવવું) તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ બુધવારે દિલ્હીની એક કોર્ટમાં પૂરક ચાર્જશિટ રજૂ કરી છે જેમાં જેકલિનના નામનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૩૭ વર્ષીય અભિનેત્રીની ઈડીએ ઘણીવાર પૂછપરછ કરી છે. પીએમઅલએ (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ) હેઠળ એપ્રિલ મહિનામાં ઈડીએ અભિનેત્રીના રૂ. ૭.૨૭ કરોડ રૂપિયાના ભંડોળ પર અને ૧૫ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પર હંગામી ધોરણે ટાંચ મૂકી હતી. તે વખતે ઈડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ખંડણી ઉઘરાવવા સહિતની ગુનાકીય પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલા નાણાંમાંથી ચંદ્રશેખરે ૫.૭૧ કરોડ રૂપિયા મૂલ્યની ભેટસામગ્રી જેકલિનને આપી હતી. ચંદ્રશેખરે જેકલિનના પરિવારના સભ્યોને ૧,૭૨,૯૧૩ યુએસ ડૉલર અને ૨૬,૭૪૦ જેટલા એયુડી (ઑસ્ટ્રેલિયન ડૉલર) આપ્યા હતા.ઑગસ્ટ અને ઑકટોબર ૨૦૨૧માં જેકલિને ઈડી સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ચંદ્રશેખર પાસેથી તેણીએ ત્રણ ડિઝાઈનર બેગ, ડાયમન્ડની બે બુટ્ટી, બ્રેસલેટ સહિતની મોંઘી ભેટો મેળવી હતી. ઈડીએ આ કેસમાં કુલ આઠ વ્યક્તિની ધરપકડ કરી છે. જેકલિન ફર્નાન્ડિસ શ્રીલંકાની નાગરિક છે અને વર્ષ ૨૦૦૯માં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પર્દાપણ કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.