25 મેના રોજ એટલે કે આજે અભિનેતા કુણાલ ખેમુ તેનો 40મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. કુણાલનો જન્મ શ્રીનગરમાં થયો હતો. નાનપણથી જ કુણાલને એક્ટિંગમાં ઘણો રસ હતો.
એમ કહેવાય છે ને કે કોઈપણ ચીજને તમે દિલથી ચાહો તો એ વસ્તુ તમારી સાથે બનીને જ રહે છે. સમગ્ર બ્રહ્માંડ એ વસ્તુ મેળવવામાં તમારો સાથ આપે છે. કુણાલ ખેમુ સાથે પણ કંઈક આવું જ થયું. એમણે બાળ કલાકાર તરીકે દુરદર્શનની ધારાવાહિક ‘ગુલ ગુલશન ગુલ્ફામ’માં કામ કરીને અભિનયની દુનિયામાં પગ મુક્યા અને એક બાળ કલાકાર તરીકે જ તેમની બોલીવુડની અભિનયની કારકિર્દી શરૂ થઈ.
છેલ્લા 36 વર્ષથી કુણાલ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ ટોચનો કલાકાર બનવાની કોશિશ કરી રહ્યો છે. દર્શકોએ પણ તેમને અઢળક પ્રેમ આપ્યો છે. અભિનય ઉપરાંત કુણાલને ટેટુનો પણ ઘણો શોખ છે. અવારનવાર તેઓ પોતાના શરીર પર ટેટુ ચિતરાવતા રહે છે. ઘણા સમય પહેલા તેમણે તેમના શરીર પર એક ટેટૂ ચિત્તરાવેલુ, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. તેમણે ભગવાન શિવનું ટેટુ તેમના પગ પર બનાવડાવ્યું હતું. સોશિયલ મીડિયા પર જ્યારે તેમનું આ ટેટુ વાયરલ થયું ત્યારે ખૂબ જ હોબાળો મચ્યો હતો. તેમના પર લોકોને ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ પણ લાગ્યો હતો. જ્યારે વિવાદ ઘણો વધ્યો ત્યારે કુણાલે તેમના આ ટેટુને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ક્યારેય એ ભગવાનનું અપમાન નહીં કરે જેને તેઓ આટલું બધું માને છે અને પૂજા કરે છે. તેમણે જણાવ્યું હતું કે તે પોતાના શરીર સાથે જેટલા સન્માનથી વ્યવહાર કરે છે એટલા જ સન્માનથી તે સમગ્ર દેવી દેવતાઓને પૂજે છે અને તેમની સાથે પણ સન્માનજનક વ્યવહાર કરે છે. ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી રીતે વ્યક્ત કરવી જોઈએ એ માટે તેમને લોકોની મંજૂરીની જરૂર નથી. તેમની આ સ્પષ્ટતા બાદ ટેટુ અંગેનો વિવાદ શમી ગયો હતો. કુણાલ આજે પણ દર્દ સહન કરીને શરીર પર અવનવા ટેટુ બનાવડાવ્યા કરે છે. સમય બદલાયો દુનિયા બદલાઈ, પરંતુ ટેટુ પ્રત્યેનો તેમનો શોખ હજી પણ એવો ને એવો જ છે.
હાલમાં જ કુણાલની ફિલ્મ ‘કંજૂસ મખ્ખીચુસ’ રિલીઝ થઈ હતી અને દર્શકોને તે ઘણી પસંદ આવી હતી.
આપણે આ ટેટુ લવર અને શાંત સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા કુણાલને જન્મદિવસની શુભકામના આપીએ.