Homeલાડકીતેજાબી સત્ય: ઍસિડ ફેંકનારા કાયદાની ઐસીતૈસી કરે છે

તેજાબી સત્ય: ઍસિડ ફેંકનારા કાયદાની ઐસીતૈસી કરે છે

સ્પેશિયલ -ખુશાલી દવે

બારમા ધોરણમાં ભણતી ૧૭ વર્ષની રીમા (નામ બદલ્યું છે) સ્કૂલે જઈ રહી હતી. દિલ્હીના દ્વારકા વિસ્તારમાંથી ચાલીને જઈ રહેલી રીમાની પાસે અચાનક એક મોટરસાઈકલ આવીને ઊભી રહી અને તે કંઈ સમજે એ પહેલાં જ મોટરસાઈકલ સવારે તેના ચહેરા પર ઍસિડ ફેંક્યું. રીમાનો ચહેરો, ગરદન આ જલદ ઍસિડને કારણે બળવા લાગ્યા અનેે તી ચીસો પાડતી રોડ પર જ ફસડાઈ પડી. રીનાનો ગુનો એટલો જ હતો કે તેના પડોશમાં રહેતા વીસ વર્ષના સચિન અરોરા નામના યુવાને રીમા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો પણ રીમાએ તેના પ્રસ્તાવને નકારીને માત્ર
મૈત્રીભર્યા સંબંધ રાખવાનું કહ્યું હતું. હિન્દી ફિલ્મના ડાયલોગની માફક તૂ મેરી નહીં તો કિસી કી ભી નહીં હો સકતીનો અભિગમ ધરાવતા સચિને તેના પર ઍસિડ ફેંકીને તેને કદરૂપી બનાવી
નાખી.
ગયા મહિને મહારાષ્ટ્રના બીડ શહેરની ૨૨ વર્ષની યુવતી કલ્પના (નામ બદલ્યું છે) તેના લીવ-ઈન-પાર્ટનર સાથે મોટરસાઈકલ પર પૂણે જઈ રહી હતી. તેના આ બોયફ્રેંડે એક અવાવરુ જગ્યાએ મોટરસાઈકલ ઊભી રાખી અને કલ્પના કશુંય સમજે એ પહેલાં ખિસ્સામાં મૂકેલી ઍસિડની બાટલી કલ્પના પર રેડી દીધી. આટલું જ નહીં પણ પીડા અને બળતરાથી તરફડતી કલ્પના પર તેણે પેટ્રોલ પણ રેડ્યું અને દિવાસળી પણ ચાંપી કલ્પના એ નિર્જન રસ્તા પર કલાકો સુધી તરફડતી પડી રહી અને પછી મૃત્યુ પામી.
ઍસિડ ફેંકવાના આવા કિસ્સાઓમાં મોટેભાગે કહેવાતા પ્રેમીઓ અથવા પ્રેમના પ્રસ્તાવને નકાર્યો હોય એવા પૌરુષી અહમ ઘવાયેલા યુવાનો જ હોય છે. ૨૦૧૩ની સાલ સુધી તો ઍસિડ ફેંકવાના કૃત્યને એક અલગ અપરાધ પણ ગણવામાં નહોતો આવતો અને એની કોઈ અલાયદી સજા પણ નહોતી. ૨૦૧૩ની સાલથી ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૨૬-એ હેઠળ એને એક ગુનો ગણવાનું શરૂ થયું છે. ૧૯૯૦માં એ વખતે પંદર વર્ષની લક્ષ્મી અગ્રવાલ પર નઈમ ખાન નામના ૩૨ વર્ષના પુરુષે ઍસિડથી હુમલો કર્યો હતો, કારણ કે તેણે નઈમના પ્રેમ અને લગ્ન કરવાના પ્રસ્તાવને નકાર્યો હતો.
ઍસિડના હુમલામાં દાઝી ગયેલી લક્ષ્મીએ આવા ઍસિડ હુમલાઓ સામે ચળવળ ચલાવી અને સુપ્રીમ કોર્ટમાં જનહિતની યાચિકા દાખલ કરી હતી જેમાં ઍસિડના વેચાણ પર જ પ્રતિબંંધ મૂકવાની માગણી કરી હતી.
લક્ષ્મી અગ્રવાલ અને અન્ય ચળવળકારોના પ્રયાસો બાદ સુપ્રીમ કોર્ટે આ બધાની દખલને ધ્યાનમાં લઈને ઍસિડ વેચવા પર કેટલાક નિયમો લાગુ કર્યા છે. જેમ કે કોઈપણ વ્યક્તિ દુકાનમાં જઈને ઍસિડ ખરીદી ન શકે. ઍસિડ ખરીદનાર વ્યક્તિના ઓળખપત્રની વિગતો, સરનામું ઉપરાંત તેણે કેટલું ઍસિડ અને શાના માટે ખરીદ્યું એની વિગતો વેચાણ કરનારે નોંધવી ફરજિયાત છે. આ ઉપરાંત ઍસિડ વેચનારા વેપારીઓએ દર પખવાડિયે પોતાની પાસે ઍસિડનો કેટલો સ્ટોક છે અને કેટલું વેચાણ થયું છે એની વિગતો લાગતાવળગતા અધિકારીને આપવી પડે છે.
જોકે, આપણે ત્યાં કાયદાઓ અને નિયમો મોટેભાગે કાયદાનાં પુસ્તકોમાં જ ધરબાઈને રહી જાય છે અને વધુમાં આ કાયદાઓ ઘણા અધિકારીઓ માટે ભ્રષ્ટાચાર કરવા માટેની વધુ એક બારી ખોલી આપતું હોય છે.
ઍસિડ હુમલો કરનારાઓ મોટેભાગે પુરુષો જ હોય છે અને નેવું ટકાથી વધુ કિસ્સાઓમાં એ પત્ની, પ્રેમિકા અથવા પ્રેમ પ્રસ્તાવ નકારનારી છોકરીઓ પર જ ફેંકવામાં આવતું હોય છે. આ પુરુષોએ કાયદાની ઐસીતૈસી કરી નાખી છે.
દિલ્હીમાં દ્વારકા ખાતે થયેલા ઍસિડ હુમલામાં અપરાધીએ કબૂલ કર્યું હતું કે તેણે કોઈ દુકાનમાંથી નહીં પણ ઈન્ટરનેટ પરથી ઍસિડ ઓર્ડર કર્યું હતું!
કાયદાઓ અને નિયમો બનાવ્યા પછી ઍસિડ હુમલાઓના કિસ્સામાં ઘટાડો આવ્યો હશે એવું જો કોઈ માનતું હોય તો એ તદ્દન નાદાનીભર્યું છે, કારણ કે ૨૦૧૦માં એટલે કે ઍસિડ હુમલાને અલગ અપરાધ ગણવામાં આવ્યો અને ઍસિડ વેચાણ પર કેટલાક પ્રતિબંધો અને નિયમો લદાયા પહેલાં દેશમાં ૮૦ ઍસિડ હુમલા થયા હતા. આની સરખામણીમાં કાયદો અને નિયમ બન્યા બાદ ૨૦૧૪માં ઍસિડ હુમલાઓની સંખ્યા ૩૦૯ નોંધાઈ હતી. અહીં ચોખવટ કરી દઈએ કે આ આંકડાઓ નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો દ્વારા નોંધવામાં આવ્યા છે.
જેમના પર ઍસિડ હુમલો થયો હોય તેવી વ્યક્તિને કુલ ત્રણ લાખ અને તાત્કાલિક ધોરણે એક લાખ વળતર આપવાની જોગવાઈ છે, પરંતુ જેમના પર ઍસિડ હુમલો થયો હોય એવી મોટાભાગની વ્યક્તિઓએ અનેક ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે છે જેનો ખર્ચ લાખ્ખો રૂપિયા થાય છે.
ઍસિડ હુમલાના ભોગ બનનાર માટે ત્રણ લાખ રૂપિયાની રકમ તો ચણા-મમરા સમાન સાબિત થાય છે.
ઍસિડ હુમલો કરનારા અપરાધીઓને સજા કરવામાં પણ વરસો વીતી જાય છે. અપરાધીઓ છડેચોક ફરે છે પણ જેમના પર હુમલો થયો હોય તે વ્યક્તિઓ જે મોટાભાગે મહિલાઓ જ હોય છે તેમણે પીડાના દોઝખમાંથી પસાર થવું પડે છે અને મહિનાઓ જ નહીં વર્ષો સુધી હૉસ્પિટલમાં રહેવું પડે છે અને ધક્કા ખાવા પડે છે. તેમના આત્મવિશ્ર્વાસના ધજ્જિયાં ઊડી જાય છે.
આ પરિસ્થિતિ બદલવા માટે સૌથી પહેલાં તો આ પ્રકારના કેસનો ઝડપથી નિકાલ આવી અને ન્યાય મળવો જોઈએ. ઍસિડ હુમલો કરનારાઓને આકરી સજા અને દંડ ફટકારવો જોઈએ. આ બધાથી પણ મહત્ત્વની વાત ી વિશેનો સામાજિક અભિગમ બદલવો પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular