શેર બજારના દિગ્ગજ ઇન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ વેપાર વાણિજ્ય શેરબજાર

ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે. તબિયત લથડતા તેમને આજે સવારે લગભગ 6.45 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે રાકેશ ઝુનઝુનવાલા લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડિત હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. 2-3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમની તબિયત સારી રહેતી ન હતી. આજે સવારે હૃદયરોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાના કારણે તેમનું નિધન થયું છે. તેઓ છેલ્લે અકાસા એરલાઇન્સના લોન્ચ સમયે જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે રાકેશ ઝુનઝુનવાલાએ થોડા દિવસો પહેલા પોતાની એરલાઇન શરૂ કરી હતી, જેનું નામ AKASA AIR છે. આ એરલાઈન દ્વારા તે દેશની સૌથી મોટી એવિએશન સેક્ટરની કંપની ટાટાને ટક્કર આપવા જઈ રહ્યા હતા. અકાસા એરે 7 ઓગસ્ટે ઉડાન ભરી હતી. એરલાઈને આ મહિને આર્થિક રાજધાની મુંબઈથી અમદાવાદ શહેરની પ્રથમ ફ્લાઈટ સાથે વ્યાપારી કામગીરી શરૂ કરી હતી. ઝુનઝુનવાલાએ જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ દુબે અને ઈન્ડિગોના ભૂતપૂર્વ વડા આદિત્ય ઘોષ સાથે મળીને અકાસાની સ્થાપના કરી હતી. તેઓ સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સના પ્રમોટર્સ પણ હતા.

સ્ટોક માર્કેટમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. ફોર્બ્સ અનુસાર ઝુનઝુનવાલા $5.8 બિલિયનની નેટવર્થ સાથે ભારતના 36મા સૌથી ધનિક અબજોપતિ હતા. રાકેશ ઝુનઝુનવાલા હંગામા મીડિયા અને એપ્ટેકના અધ્યક્ષ હોવાની સાથે વાઇસરોય હોટલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજિત ફાઇનેંશિયલ સર્વિસિઝના નિર્દેશક પણ હતા. રાકેશ ઝુનઝુનવાલાએ 40 ટકા ભાગીદારી માટે અકાસા એરમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. ભારતના આવકવેરા અધિકારી અધિકારીના પુત્ર, ઝુનઝુનવાલાએ માત્ર ₹ 5,000ની મૂડી સાથે કૉલેજમાં જ હતા ત્યારે શેરબજારોમાં તેમની સફર શરૂ કરી હતી. એ સમયે બીએસઇ સેન્સેક્સ 150 પોઇન્ટની આસપાસ હતો. આજના સમયમાં તેની પ્રોફાઇલમાં ટીવી18, ડીબી રિયલ્ટી, ઇન્ડિયન હોટેલ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, એસ્કોર્ટ્સ લિમિટેડ, ટાઇટન વગેરે જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે, તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ‘રાકેશ ઝુનઝુનવાલા અજેય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તે નાણાકીય વિશ્વમાં અવિસ્મરણીય યોગદાન આપીને જાય છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’

દુઃખની આ ઘડીમાં મુંબઇ સમાચાર તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.