વાપીમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપીનું ભેદી સંજોગોમાં મોત

આપણું ગુજરાત

વાપીમાં પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. બુધવારે રાત્રે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોરીના આરોપીને પકડીને લાવવામાં આવ્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યા બાદ સવારે આરોપીનું મોત નિપજ્યું હતું. હાલ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના કહ્યા પ્રમાણે મૃતક આરોપીને ખેંચ આવતા ટેબલ સાથે અથડાઈને નીચે પટકાતા ઈજાને કારણે તેનું મોત થયું છે. છતાં આ બનાવને પગલે પોલીસ અધિકારીઓ શંકા ઘેરામાં આવી ગયા છે.
મળતી માહિતી મુજબ વાપીના ચલા ખાતે આવેલા યોગી એપાર્ટમેન્ટમાં રહેતા એક નિવાસીએ બુધવારે રાત્રે વાપી ટાઉન પોલીસને ફોન ઉપર જાણ કરી હતી કે, તેમના એપાર્ટમેન્ટમાં એક અજાણ્યો ઇસમ ચોરીના ઇરાદે ઘૂસી આવ્યો છે. પોલીસે તુરંત સ્થળ પર પહોંચી આરોપીને પકડી લીધો હતો. એપાર્ટમેન્ટથી આરોપીને પકડી ટાઉન પોલીસ સ્ટેશને લવાયો હતો. જેને પોલીસની નજર હેઠળ કેબિનમાં રખાયો હતો.
આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યા બાદ ગુરૂવારે આરોપી બેભાન હાલતમાં મળ્યો હતો. જેની 108ની ટીમને જાણ કરાતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેને મૃત જાહેર કરાતા પોલીસ તેને ચલા સીએચસી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે પણ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે વાપી તાલુકાના મામલતદાર એફએસએલની ટીમ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક આરોપીનું નામ અખિલેશ ચંદ્રજીત રાય (ઉ.વ.26)હતું, જે હાલ દમણમાં રહેતો હતો અને મુળ બિહારનો રહેવાસી હતો. વલસાડના ડીવાયએસપીના જણાવ્યા પ્રમણે આરોપીને ટાઉન પોલીસ મથકે લઇ આવી પૂછપરછ બાદ નજરકેદ હેઠળ રખાયો હતો. તેને ખેંચની બિમારી હોવાથી તપાસ દરમિયાન પડી ગયો હતો ત્યારે માથાનો ભાગ ટેબલ સાથે અથડાતા ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું. વધુ માહિતી ફોરેન્સિક રિપોર્ટ બાદ જ બહાર આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.