દેવી ભાગવત મુજબ બ્રહ્માજી અને સરસ્વતી એ બંને બ્રહ્મના ભાગ હતાં

ઇન્ટરવલ

તર્કથી અર્ક સુધી -જિજ્ઞેશ અધ્યારુ

(ગયા અંકથી ચાલુ)
દેવી ભાગવતના ત્રીજા સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં મહાદેવી બ્રહ્માજીને કહે છે,
गृहाणेमां विधे शक्तिं सुरूपां चारुहासिनीम् ।
महासरस्वतीं नाम्ना रजोगुणयुतां वराम् ॥32॥
श्वेताम्बरधरां दिव्यां दिव्यभूषणभूषिताम् ।
वरासनसमारुढां क्रीडार्थ सहचारिणीम् ॥ 33॥
સુંદર રૂપવાળી, દિવ્ય સ્મિતવાળી, રજોગુણથી યુક્ત, શ્રેષ્ઠ શ્વેતવસ્ત્રધારી, અલૌકિક અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત, શ્રેષ્ઠ આસનપર બિરાજમાન આ મહાસરસ્વતી નામની શક્તિને ક્રીડાવિહાર માટે તમારી સહચરી રૂપે સ્વીકાર કરો. તેઓ બ્રહ્માજીને કહે છે કે આ સુંદરી કાયમ તમારી સહચરી તરીકે સાથે રહેશે. એ પૂજ્યતમ પ્રેયસીને મારી વિભૂતિ સમજવી, ક્યારેય તેનો તિરસ્કાર ન કરશો. તેને સાથે લઈ સત્યલોકમાં પ્રસ્થાન કરો અને તત્વબીજથી ચાર પ્રકારની સૃષ્ટિના સર્જનમાં તત્પર થાવ.
અર્થાત્ અહીં સ્પષ્ટ છે કે મહાપ્રકૃતિ બ્રહ્માજીને સહચરી તરીકે દેવી મહાસરસ્વતીજીને અર્પણ કરે છે. એમને સાંસારિક સંબંધ તરીકે પત્ની ગણીએ પણ અહીં સહચરી એટલે કે સાથે કર્મ કરનારી છે. અર્થાત એ બ્રહ્માજીની પુત્રી નથી. વળી અહીં વિશેષ ઉલ્લેખ રૂપે કહેવાયું છે કે તેમનો અનાદર ન કરવો એટલે બ્રહ્માજી ઉપરની કથા મુજબ એવું કરે એ માનવું ભૂલભરેલું છે.
આપણાં વેદોની અને મહાગ્રંથોની કથાઓ ભારોભાર સાંકેતિક છે, એ રૂપકોથી ભરપૂર છે અને વેદો પર રિસર્ચ કરનાર લોકો પણ વર્ષો સુધી એનો અભ્યાસ કરે તે છતાં પૂર્ણપણે એ રહસ્યને ઉકેલી શક્તા નથી અથવા એ રહસ્ય દરેકને પોતાના સ્તરે પરિપક્વતા મુજબ અલગ અલગ સમજણ આપે છે. બ્રહ્માજી એટલે સર્જક અને સર્જન માટે સૌપ્રથમ જોઈએ પ્રેરણા, જ્ઞાન, ધ્યેયપ્રાપ્તિની કામના. આ જ્ઞાન અથવા પ્રેરણા એટલે દેવી સરસ્વતી. એ વિદ્યાને લીધે, એ પ્રેરણાથી જ સર્જન શક્ય થવાનું એટલે સાંસારિક સંબંધોની દ્રષ્ટિએ સરસ્વતી સર્જકની પત્ની ગણાય, સર્જક અને વિદ્યા એ બંનેના સમન્વયથી જ કૃતિ અસ્તિત્વમાં આવે. પરંતુ એ સર્જનને લીધે, એ પ્રક્રિયા દરમ્યાન પણ વધુ જ્ઞાન પ્રાપ્ત થવાનું અને એ જ્ઞાન સર્જકની પુત્રી પણ ગણાય. આમ પત્ની અને પુત્રી એ સાંસારિક સંબંધોની દ્રષ્ટિએ નહીં, રૂપકોના અર્થમાં સમજવાનું છે.
‘યા કુન્દેન્દુતુષારહારધવલા’ પ્રાર્થના આપણે ખૂબ ગાઈ છે. દેવી સરસ્વતી કુંદપુષ્પ, ચંદ્રમા, હિમ અને મોતી જેવા ધવલશ્ર્વેત છે, શ્ર્વેત વસ્ત્રધારી છે, વીણાનો દંડ તેમના હાથમાં શોભે છે અને શ્ર્વેત કમળના આસન પર બેઠાં છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમને વંદન કરે છે (ત્રણેય દેવોને પોતાનું નિર્ધારિત કર્મ કરવા પ્રેરણાની જરૂર તો પડવાની જ!) એવા દેવી સરસ્વતિ અજ્ઞાન દૂર કરી જ્ઞાનના પ્રકાશ દ્વારા આપણું રક્ષણ કરે છે.
સરસ્વતી વાકદેવી છે, શબ્દની – દિવ્ય પ્રેરણાની અધિષ્ઠાત્રી. વેદો ભૌતિક અને પ્રાકૃતિક નામાભિધાનની પાછળ છુપાયેલી અધ્યાત્મિક અને નૈતિક વિચારો સફળતાપૂર્વક મૂકી આપે છે. સરસ્વતી ફક્ત વિદ્યાની દેવી નથી, પરંતુ સાથે એ સાત પ્રાચીન નદીઓમાં મુખ્ય છે. નદી અને સર્જનની શક્તિ વચ્ચે, પ્રેરણા વચ્ચે અદ્ભુત સામ્ય છે અને વેદો આ પ્રકારના સામ્યથી ભરેલા છે. એ અશ્ર્વો હોય, અગ્નિ, ગાયો, વરુણ, મિત્ર કે સરમા હોય દરેકને એકથી વધુ અર્થ છે.. આપણે કેટલા અર્થ કરી શકીએ એ આપણી પરિપક્વતા પર નિર્ભર કરે છે. સરસ્વતી આપણી ચેતનાને, આપણી સમજણને અથવા ઊર્જાને યોગ્ય માર્ગે પ્રેરિત કરે છે. આ જ ભાવ ગાયત્રી મંત્રનો છે, અને આવા કોઈ મંત્રનું સર્જન વિદ્યાના પ્રકાશ વગર સંભવી શકે? ઋગ્વેદ સરસ્વતીમંત્રોથી છલોછલ ગ્રંથ છે..
શાસ્ત્રો મુજબ સરસ્વતિ બ્રહ્માજીની પ્રેરણા છે. પરમબ્રહ્મમાંથી અવતર્યા પછી બ્રહ્માજીએ શું કર્યું એ વિશે બૃહદારણ્યક ઉપનિષદના પ્રથમ અધ્યાયના ચોથા બ્રાહ્મણમાં કહેવાયું છે,
स हैतावानास यथा स्त्रीपुमासौ सम्परिष्यक्तौ । स इममेयात्मानं द्वैधाडपातयतत ः पतिश्व पत्नी चाभवतां तस्मादिदमर्धबृगलमिय स्व इति ह स्माह या जवल्यस्तस्मादयमाकाश स्विया पूर्यत एव समभवततो मनुष्या अजायन्त ॥
તેમને એક સાથીની જરૂર હતી, પુરુષ અને સ્ત્રીનું ઐકત્વ હોય એવી રીતે તેમણે પોતાનું કદ વિસ્તાર્યું અને શરીરને બે ભાગમાં વિભાજીત કર્યું. એ બે ભાગમાંથી પુરુષ અને સ્ત્રી – પતિ અને પત્ની થયાં. એથી યાજ્ઞવલ્ક્ય કહે છે, લગ્ન પૂર્વે શરીર અડધું જ હોય છે, જેમ અડધું બીજ, પત્નીનો સ્વીકાર કર્યા પછી જ એ રિક્તતા પૂર્ણ થાય છે અને એ સંયોજનથી જ સંતતિ ઉત્પન્ન થાય છે.
તકલીફ આના અર્થઘટનમાં છે. બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થઈ હોવાને લીધે પશ્ર્ચિમના વિદ્વાનો તેમને બ્રહ્માજીની પુત્રી કહે છે, પણ શું એ સમજણ યોગ્ય છે? કારણ કે એ બ્રહ્માજીના કોઈ સ્ત્રી સાથેના સાયુજ્યથી ઉત્પન્ન થયેલી નથી. દેવી ભાગવત સ્પષ્ટ કહે છે કે બ્રહ્માજી અને સરસ્વતી એ બંને બ્રહ્મના ભાગ હતાં. આમ અહીં પણ સાબિત થાય છે કે સરસ્વતી બ્રહ્માજીના પત્ની જ છે. મનુ તેમના પુત્ર છે અને શતરૂપા મનુના પત્ની. બૃહદારણ્યકના એ પછીના શ્લોકને લીધે અનર્થ વધુ વિસ્તાર પામે છે જેમાં મનુ અને શતરૂપાની વાત છે, પણ અને બ્રહ્મા અને સરસ્વતી તરીકે પ્રસ્તુત કરાય છે. શ્ર્લોકમાં ક્યાં બ્રહ્માજીનો ઉલ્લેખ નથી કે સરસ્વતીનો પણ ઉલ્લેખ નથી. એમાં શતરૂપાની વાત છે. અનેક રૂપ લીધા હોવાને લીધે પ્રથમ નારી શતરૂપા કહેવાયા અને મનુ એ દરેક સ્વરૂપને સુસંગત નર સ્વરૂપે તેમની સાથે સંતતિ ઉત્પન્ન કરે છે. આમ કીડીથી લઈને સમસ્ત સજીવો નર અને નારી એ રીતે અસ્તિત્વમાં આવ્યા એમ કહેવાયું છે. ઉપરાંત વેદોમાં સરસ્વતી એ શબ્દ ફક્ત નામ નહીં પણ અનેક ગુણો વર્ણવવા પણ ઉપયોગમાં લેવાય છે. ઋગ્વેદના પ્રથમ મંડળના ત્રીજા સૂક્તમાં મધુચ્છંદ વિશ્ર્વામિત્રની ઋચા છે જેમાં સરસ્વતીનું આહ્વાન છે. એક શ્ર્લોક જોઈએ,

पाबका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यजं वष्टु धियावसु ः ॥પોતાના સંપર્કમાં આવનારને પાવન કરનારી સંસ્કારવતી દેવી જ્ઞાન, બળ, ધન, અન્ન વગેરે સમૃદ્ધિકારક પદાર્થોને ધારણ કરનાર તથા આપવાને લીધે સમૃદ્ધિશાલિની અને બુદ્ધિયુક્ત કર્મો દ્વારા બધાને જ્ઞાન આપનારી બનીને અમારા દેવ પૂજા સંગતિકરણ અને દાનમય કર્મોને કાન્તિયુક્ત કરે તથા સફળતાના આશીષ આપે. અહીં સરસ્વતીના અર્થ સંસ્કારો પ્રદાન કરનાર, માતૃત્વની કામના કરનાર, અવ્યક્ત જ્ઞાનને વ્યક્ત સ્વરૂપે પ્રગટ કરનાર, નદી જેમ જળને પ્રવાહિત કરે તેમ જ જ્ઞાનને વહેવડાવનારી વેદવાણી, નદીની જેમ અવિરત પ્રવાહી સરસ્વતિના અહીં અનેક અર્થો છે.
શાસ્ત્રો મુજબ અસત્ય અથવા પાપ એટલે આપણી ખોટી લાગણીઓ જે દુ:ખ અથવા શોક આપે, ખોટા કર્મ જે અસત્ય બોલવા કે આચરવા તરફ લઈ જાય અને એ બધામાંથી બચાવતો પવિત્ર વિચાર – જાણે એક ચોખ્ખી નદી જે અસત્યરૂપી ગંદકી એટલે કે સમગ્ર લાંછન ધોઈ આપે અને સત્યનો પ્રકાશ આપે એ સરસ્વતી.
સત્ય કયા સ્વરૂપે આવે? પ્રકાશ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે જે સરસ્વતીનું પ્રતીક છે. મનને ન ગમતું કર્મ બળજબરીથી કરવું પડે ત્યારે કેવી અનુભૂતિ થાય? એમાંથી નીકળવા જોઈએ હિંમતભર્યો દ્રઢ નિર્ણય. મુશ્કેલીમાંથી માર્ગ દેખાય, આશાનું કિરણ મળે ત્યારે કેવી ભાવના થાય? એક નવી વિચારદ્રષ્ટિ મળે, હકારાત્મક લાગણીનું બળ અને ક્રિયા માટેના નિશ્ચયનું પ્રેરણાધામ એટલે સરસ્વતી, જ્ઞાનનો પ્રકાશ એટલે સરસ્વતી. ઋગ્વેદના બીજા મંડળના ત્રીસમા સૂક્તની ઋચા છે,
सरस्वतीत त्वमस्माँ अविड्ढि मरुत्यती धृषती जेषि शत्रून ।
સદા પ્રવાહિત દેવી, અમને રક્ષા, વૃદ્ધિ, પ્રગતિ અને તૃપ્તિ આપો, સુંદર રૂપ અને સ્વસ્થતા પ્રદાન કરનાર દેવી, શત્રુતા રાખનાર પદાર્થો, ભાવ અને વ્યક્તિઓનો પરાભવ કરતાં તેમના પર વિજય મેળવે છે. ઋગ્વેદની નોંધવાયોગ્ય બાબત એ પણ છે કે ઘણાં સરસ્વતી પ્રાર્થનાના મંત્રોનો છંદ ગાયત્રી છે. તેમના વસ્ત્રો શ્વેત છે એટલે કે કોઈ પણ પાપ અથવા ડાઘથી સર્વથા મુક્ત છે, એ પવિત્રતાનું – પરમ સત્યનું પ્રતીક છે અને એ શબ્દબ્રહ્મ સિવાય સંભવી જ ન શકે. ભૌતિક સ્વરૂપે એ નદી અને માનસિક સ્વરૂપે દેવી – બંનેનું નામાભિધાન એક છે – સરસ્વતી.
या देवी सर्वभूतेषु विद्यारुपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
સંદર્ભ –
શ્રીમદ્દેવીભાગવતમહાપુરાણ – પ્રથમ ખંડ, ગીતાપ્રેસ, ગોરખપુર
ઋગ્વેદભાષ્યમ – શ્રદ્ધાનંદ અનુસંધાન પ્રકાશન કેન્દ્ર, ગુરુકુળ કાંગડી વિશ્ર્વવિદ્યાલય, હરિદ્વાર
બૃહદારણ્યકોપનિષદ સાનુવાદ શાંકરભાષ્ય – ગીતાપ્રેસ, ગોરખપુર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.