સોમવારથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઇ છે, પરંતુ પહેલા જ દિવસે દૌસામાં એક ભયાનક અકસ્માત થયો હતો. દિલ્હી નંબરની કાર અને જુગાડ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં કાર પલટી મારીને ડિવાઈડરની જગ્યાએ લગાવેલા ઝાડમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઘાયલોને તાત્કાલિક દૌસા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ અકસ્માતગ્રસ્ત વાહનોને એક્સપ્રેસ વેથી દૂર હટાવીને ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં જુગાડ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં દૌસા સહિત અનેક જિલ્લાઓમાં આ ગેરકાયદેસર વાહન આડેધડ ચલાવવામાં આવી રહ્યું છે. સોમવારે આ ગેરકાયદે વાહન એક્સપ્રેસ વે પર પણ જવામાં સફળ રહ્યું હતું. જેના કારણે આ અકસ્માત થયો હતો. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર હજુ સુધી ટોલ બૂથ શરૂ થયા નથી, તેથી એક્સપ્રેસ વેના ટોલ બૂથ પર પણ જુગાડ વાહનને રોકી શકાયું નહોતું.