બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા, અનેક લોકો ઘાયલ થયા છે. પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે 30થી વધુ લોકોને અડફેટે લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ હાજીપુર-મહાનાર હાઈવે પર નયાગાંવ ટોલા પાસે આ અકસ્માત સર્જાયો હતો. બ્રહ્મસ્થાન ખાતે ભુઈયા બાબાની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે જ સમયે પુરપાટ ગતિએ આવતી બેકાબૂ ટ્રક લોકોને કચડી ઝાડ સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવર નશામાં હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના વૈશાલીમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સગાંવહાલાં માટે રૂ. 2 લાખ અને ઘાયલોને PMNRF (પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ)માંથી રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ બિહારના વૈશાલીમાં માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
બિહાર મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ) એ માહિતી આપી હતી કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે વૈશાલીમાં માર્ગ અકસ્માતમાં તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
અકસ્માત બાદ હજારોની સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ હાજીપુર-મહાનાર હાઈવે બ્લોક કરી દીધો હતો. પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ એક ડઝન એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઘાયલ અને મૃત્યુ પામેલા લોકોને ઘટનાસ્થળેથી નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મૃત્યુઆંક વધવાની આશંકા છે.