મધ્ય રેલવેમાં હોનારત ટળી

આમચી મુંબઈ

સીએસએમટીમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ, જાનહાનિ નહીં! અઢી કલાક પછી લોકલ ટ્રેનવ્યવહાર પૂર્વવત્

રિસ્ટોરેશન:સીએસએમટીના પ્લૅટફૉર્મ નંબર એક ખાતે પનવેલ લોકલ ટ્રેનનો એક કોચ ટ્રેક પરથી ખડી પડ્યા પછી યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન (ટ્રેન ફરી ચાલુ કરવા)ની કામગીરી હાથ ધરતા કર્મચારીઓ. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં પનવેલ લોકલ ટ્રેનના એક કોચનું ડિરેલમેન્ટ થવાને કારણે મંગળવારે બપોર સુધી લોકલની ટ્રેનસેવા ખોટકાઈ હતી, પરિણામે દિવસભર ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે હાલાકીભર્યું રહ્યું હતું. લોકલ ટ્રેનના ડિરેલમેન્ટમાં કોઈને જાનહાનિ નહીં થવાને કારણે મધ્ય રેલવેમાં હોનારત ટળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટીના પ્લૅટફૉર્મ નંબર એક પરથી પનવેલ લોકલ ટ્રેનને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ ટ્રેનને સ્ટાર્ટ કર્યા પછી લોકલ ટ્રેન રિવર્સ થવાને કારણે ટ્રેન બફર સાથે ટકરાઈ હતી અને ટ્રેનનો ચોથો કોચ રેલવેના પાટા પરથી ખડી પડ્યો હતો, જેમાં કોઈ પ્રવાસીને ઈજા પહોંચી નહોતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટીના પ્લૅટફૉર્મ નંબર એક ખાતે મંગળવારે સવારના ૯.૪૦ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો, પરિણામે સીએસએમટીથી પનવેલ, નવી મુંબઈ અને ગોરેગાંવ-બાંદ્રા સ્ટેશનની ટ્રેનસેવા સ્થગિત કરવી પડી હતી. ટ્રેનના ડિરેલમેન્ટને કારણે બપોર સુધી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરાઈ હતી, પરિણામે સીએસએમટીથી નવી મુંબઈ અને પનવેલ જનારા હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા. એટલું જ નહીં, સીએસએમટી યાર્ડમાં ટ્રેનોનું બન્ચિંગ થવાને કારણે બંને દિશામાં અનેક પ્રવાસીઓ નજીકના સ્ટેશન પર પાટા પર ચાલીને પહોંચ્યા હતા.
એક નંબરના પ્લૅટફૉર્મ પર લોકલ ટ્રેનના કોચના રિસ્ટોરેશનનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કામચલાઉ ધોરણે બે નંબરના પ્લૅટફૉર્મ પરથી ટ્રેનોને ચાલુ રાખવામાં આવી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
હાર્બર લાઈનમાં સિંગલ કોરિડોર (સ્લો લાઈન) હોવાને કારણે દર વખતે ટ્રેનસેવા ખોટકાતા સમગ્ર સેક્શનને અસર થાય છે, તેથી હવે ફાસ્ટ કોરિડોર તાતી જરૂરિયાત છે. મંગળવારે સીએસએમટીમાં ટ્રેનનું ડિરેલમેન્ટ થવાને કારણે સવારથી લઈને બપોર સુધી ટ્રેનસેવા રાબેતા મુજબ નહીં ચાલતા પ્રવાસીઓને લોકલ ટ્રેન વિના ટ્રાવેલ કરવાનું મુશ્કેલીજનક રહ્યું હતું. અમુક પ્રવાસીઓએ ઓલા-ઉબર કાર મારફત ટ્રાવેલ કરવાની ફરજ પડતા પ્રવાસીઓ માટે મંગળવારનો દિવસ ખર્ચાળ પુરવાર થયો હતો, એમ કાલબાદેવી સ્થિત હેમંત રોયે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાપૂર્વેના સમયગાળાથી મધ્ય રેલવેમાં રોજના ૪૫ લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરતા હતા, જેમાં હાર્બર લાઈનમાં રોજના પંદર લાખ જેટલા પ્રવાસીનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.