મલાડની આગમાં એકનો ભોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરના ઓશિવરામાં આવેલી ફર્નિચર માર્કેટમાં સોમવારે બપોરના આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડા દૂર દૂર સુધી નજરે ચઢી રહ્યા હતા. આગમાં માર્કેટમાં રહેલી ૧૫૦થી ૨૦૦ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તો જોકે મોડી સાંડે મલાડની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં એકનું મોત થયું હતું.
જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં રિલિફ રોડ પર પેટ્રોલ પંપ નજીક ઘાસ કમ્પાઉન્ડમાં સોમવારે સવારના લગભગ ૧૧ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. કમ્પાઉન્ડમાં દુકાનોમાં મોટા પ્રમાણમાં લાકડાનું ફર્નિચર હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી. તેને પગલે ફાયરબ્રિગેડે ૧૧.૪૦ વાગે તેને ત્રણ નંબરની જાહેર કરી હતી.
આગ બુઝાવવા માટે ૧૦ ફાયર ઍન્જિન, બે ફાયર ટૅંક, છ જેટી વગેરેની મદદ લેવામાં આવી હતી. એ સિવાય ફાયરબ્રિગેડે ૧૨ મોટર પંપની ૧૫ લાઈનથી પણ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં બે મોટી, આઠ નાની અને ચાર હાઈ પ્રેશર લાઈન હતી.
આગ એટલી ભીષણ હતી કે રસ્તા પર રહેલા ટ્રાફિકને પણ તેની અસર થઈ હતી. બેસ્ટ દ્વારા બસ નંબર ૪ , ૨૦૨, ૨૦૩, ૨૯૦ અને ૩૫૯ને અન્ય રસ્તા પરથી ડાઈવર્ટ કરવામાં આવી હતી. આગ પર સાંજે ૬.૩૫ વાગ્યાની આસપાસ નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોકક્સ કારણ જાણી શકાયું નહોતું. ફાયરબ્રિગેડના કહેવા મુજબ તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. આ દરમિયાન મલાડ (પૂર્વ)માં કુરારમાં અપ્પા પાડામાં આનંદ નગરમાં આવેલા ઝૂંપડપટ્ટીમાં સાંજના ૪.૧૬ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ગીચ ઝૂંપડપટ્ટીને કારણે ફાયરબ્રિગેડને ઘટના સ્થળે પહોંચવામાં પણ ભારે અડચણ આવી હતી. ૧,૦૦૦ સ્કેવર મીટર વિસ્તારમાં આવેલા ૮૦૦થી ૧,૦૦૦ ઝૂંપડાઓમાં આ વિસ્તારમાં હતા. આગમાં અનેક ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા, જેમાં અનેક સિલિન્ડરનો પણ સ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આ દરમિયાન ફાયરબિગ્રેડને એક મૃતદેહ હાથ લાગ્યો હતો.
ઓશિવરામાં ફર્નિચર માર્કેટમાં ૨૦૦ જેટલી દુકાન બળીને ખાખ
RELATED ARTICLES