તસવીરની આરપાર -ભાટી એન.
ગુજરાતમાં ઘણાં બધાં તીર્થધામો આવેલાં છે. તેમાં ઉત્તર ગુજરાતની ભૂપૃષ્ઠ પર મા ભોળાં બહુચરાજી અધિષ્ઠાત્રી બની આધિપત્ય બરકરાર છે. બધા તીર્થાટનની વિશેષતા અલગ હોય છે. તેમાંય અમુક તીર્થનું નામ જીભે રમતું હોય અસંખ્ય માનવ દર્શન માટે જતાં હોય એવા મહેસાણાથી ૪૦ કિ.મી. દૂર આવેલા કૂકડા પર સવારી ધરાવતા માં બહુચરાજી નામ આજે નવ ખંડમાં લેવાય છે. ભક્તિથી દર્શન કરે તો ભવસાગર તારનાર છે. માનવી ઉપર દરેક માતાજીએ અમીવર્ષા રાખી છે. દાનવોને મારવા માટે માતાજીએ અલગ રૂપ ધારણ કરી રાક્ષસો-દાનવોને મારી માનવીને શાંતિ અર્પી છે. આવી શાંતિમાં બહુચરાજીના દર્શન કરતાં તન-મન પ્રફુલ્લિત બને છે.
આ યાત્રાધામ ખૂબ જ પ્રાચીનતમ જૂનું છે…! આ મુખ્ય મંદિર વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે સંવત ૧૮૩૯ (સને-૧૭૮૩)ની સાલમાં બંધાવ્યું. પાંચ ફૂટ ઊંચા સિંહાસને મા ભગવતી બહુચરાજી માતાજી બિરાજમાન છે. પુન: નવનિર્મિત બનેલ ભવ્યતાતિભવ્ય મંદિરની આગળના ભાગે બે ઘુમ્મટ અને મોટા શિખરોથી ભવ્યને દિવ્ય દીશે છે. કલાકોતરણી ખૂબ જ આબેહૂબ લાગે છે. મંદિર પર લાલરંગની વિશાળ ધજા શોભે છે. મંદિરનાં પગથિયાં ચડતાં પ્રથમ સભામંડપ આવે છે. માતાજીના મુખ્ય ગોખમાં શ્રી બાલાયંત્રની પૂજા થાય છે. આ યંત્રનિરાકાર હોય મૂર્તિ પૂજકો અને મૂર્તિરૂપને નહીં માનનાર બંને માટે પૂજ્ય ગણાય છે…! બે બાજુ અખંડ દીવાની જ્યોતિ જલિત જોવા મળે છે. અહીં માતાજીને સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે વાઘ, ગુરુવારે હંસ, શુક્રવારે મયૂર, શનિવારે હાથી અને દર રવિવારે અને પૂર્ણિમાએ કૂકડાની સવારી રાખવામાં આવે છે. શ્ર્વેત સંગમરમરના પથ્થરમાંથી નવનિર્મિત મંદિરના પશ્ર્ચિમ તરફ જતા દરવાજાની આગળ પ્રાચીન બાંધણીનો કુંડ જોવા મળે છે. જ્યારે શ્રીજીના ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર મધ્યસ્થાને ગણપતિ, નારસિંગજી, હનુમાનજી, મહાદેવજી, વલ્લભ ભટ્ટના ધામમાં શ્રીજીની પાદુકા બિરાજે છે. દેવાલયની પૂર્વ દિશામાં પવિત્ર અગ્નિકુંડ આવેલ છે. ચુંવાળ પંથકમાં પવિત્ર અગ્નિકુંડ આવેલો છે. આ પંથકના હૃદય સમાન બેટચરાજી ખાતે આદ્યશક્તિ બહુચરાજી શક્તિપીઠ ઉત્તર ગુજરાતના ત્રણ શક્તિપીઠ પૈકીનું એક છે. તેમ જ ભારત વર્ષના ત્રેપન શક્તિપીઠમાં તેમની ગણતરી થાય છે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન રાજ્યકોષમાંથી બહુચરાજી મંદિર તે સમયે તૈયાર કરાયેલું હાલે નવનિર્મિત શ્ર્વેત મંદિર છે. મંત્રોક્ત મહિમાથી બાલાત્રિપુરા સુંદરી તરીકે અને તંત્રોક્ત મહિમાથી ‘બહુચરામ્બા’ નામે વિશ્ર્વ વિખ્યાત છે. આ શક્તિપીઠ ભગવાન શંકરના તાંડવ નૃત્ય સમયે જગદંબાના દેહનો ડાબો હાથ (બહુલા) બોરુવનમાં પડ્યો ત્યારથી બાલાત્રિપુરા સુંદરીના મહાશક્તિપીઠ તરીકે બહુચરાજીના સુપ્રસિદ્ધ નામથી ઓળખાતું આવે છે. બહુચરાજી માતાએ ચુંવાળ પંથકમાં ચાર પ્રાગટ્ય કર્યા છે. પ્રથમ પ્રાગટ્ય દંઢાસુર રાક્ષસના હનન માટે, બીજું પ્રાગટ્ય કપિલ મુનિના હસ્તે વરખડી મંદિર, ત્રીજી પ્રાગટ્ય કુલડીમાં કટક જમાડી. ચોથું પ્રાગટ્ય કાલરી ગામમાં સોલંકી રાજા તેજપાલને આપ્યું હતું.
વ્યંઢળોની ગાદી અહીં આવેલ છે. બહુચરાજીના સ્થાનમાં પાવૈયા કે વ્યંઢળ નામે ઓળખાતા માતાજીના ભક્ત ગણાય છે. એવું કહેવામાં આવે છે કે મહાભારતકાળમાં વિરાટનગર ગુપ્ત વેશે જતાં પાંડવો અહીં રોકાયેલા તેમ જ અહીં અર્જુને વ્યંઢળનો વેશ ધારણ કરેલ…! આ ગાદીનો પ્રાચીન ઈતિહાસ એવો છે કે શિખંડીના પ્રસંગથી કૃતઘ્ન બનેલા ગુરુએ યક્ષ મંગળને તું વ્યંઢળ થશે એવો શાપ આપેલો. મંગળે માફીની યાચના કરતાં ગુરુએ કીધું મારું વચન મિથ્યા નહીં થાય પણ તારા એ રૂપનો અહીં ગાદી સ્થપાશે. ત્યારથી અહીં આ ગાદીની સ્થાપના થઈ છે. બીજા જન્મમાં પુરુષાતન પામવા વ્યંઢળો અહીં માની ભક્તિ આરાધના તપ કરે છે અને આશીર્વાદ મેળવે છે. ચૈત્રી પૂનમ તેમ જ આસો માસની પૂનમનું માહાત્મ્ય ખૂબ જ છે. તે રાત્રે બહુચરબાળાની ભવ્ય જાજરમાન શોભાયાત્રા નીકળે છે ત્યારે ગાયકવાડના વખતથી અહીં ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ચૈત્રી પૂનમ, આસો માસની પૂનમે વિરાટ મેળો ભરાય છે.