અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબોં મેં મિલે, જિસ તરહ સૂખે હુવે ફૂલ, કિતાબોં મેં મિલે

વીક એન્ડ

ઝાકળની પ્યાલી-ડૉ. એસ. એસ. રાહી

મૈં જખ્મ-જખ્મ હૂં
તમામ ઉમ્ર કહાં કોઈ સાથ દેતા હૈ,
મૈં જાનતા હૂં મગર થોડી દૂર સાથ ચલો.
મિલે કોઈ ભી તિરા ઝિક્ર છેડ દેતે હૈં,
કિ જૈસે સારા જહાં રાઝદાર અપના હૈ.
વો ખાર-ખાર હૈ શાખે-ગુલાબ કી માનિન્દ,
મૈં જખ્મ-જખ્મ હૂં ફિર ભી ગલે લગાઉં ઉસે.
ગમ-એ-દુનિયા ભી ગમે-યાર મેં શામિલ કર લો,
નશ્શા બઢતા હૈ શરાબેં જો શરાબોં મેં મિલે.
– એહમદ ફરાઝ
એહમદ ફરાઝની શાયર તરીકેની પ્રતિભાનો ઉદય થયો ત્યારે અખંડ ભારતના બે ભાગલા થઈ ચૂક્યા હતા. વળી પાકિસ્તાનની સરમુખત્યારશાહી આ સ્વમાની શાયરને માફક આવે તેમ ન્હોતી. આથી તેમણે ઈ.સ. ૧૯૮૨માં પાકિસ્તાનને અલવિદા કહી દીધી હતી. આ પછી તેઓ અમેરિકા, કેનેડા, યુરોપ અને બ્રિટનમાં આશરે ત્રણેક વર્ષ રહ્યા હતા. આ તેજસ્વી અને એખલાસમાં માનતા આ શાયર હંમેશાં ભારત-પાકિસ્તાનના પરસ્પર દોસ્તીભર્યા સંબંધોની તરફેણ કરતા રહ્યા હતા. આ નાજુક વિષય પર તેમણે કેટલીક ચોટદાર નઝમો લખી હતી. ઉર્દૂ સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન આપવા માટે તેમને ઈ.સ. ૨૦૦૪માં ‘હિલાલ-એ-ઈમ્તિયાઝ’નો ખિતાબ અપાયો હતો, પણ પછી પરવેઝ મુશર્રફની નીતિઓથી નારાજ થયેલા આ શાયરે તે બહુમાન પરત કરી દીધું હતું.
એહમદ ફરાઝનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ પેશાવરના પશ્ર્ચિમોત્તર પ્રાંતના શહેર નૌશેહરામાં મધ્યમવર્ગના શિક્ષિત પરિવારમાં થયો હતો. તેમના પિતા પેશાવર યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. ફરાઝે ઈ.સ. ૧૯૫૪માં બી.એ. કરીને ઉર્દૂ-ફારસીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે પેશાવરના રેડિયો સ્ટેશનમાં પુશ્તુ વિભાગમાં સંવાદદાતા અને કાર્યક્રમ નિર્માતા તરીકે કેટલોક સમય કામ કર્યંુ હતું. કેમ કે પશ્તો તેમની માતૃભાષા હતી. ત્યાર પછી તેમણે લાંબા સમય સુધી અધ્યાપન કાર્ય કર્યંુ હતું. પાકિસ્તાન નેશનલ સેન્ટર, ઈસ્લામાબાદમાં તેઓ ડાયરેક્ટર પદે તો નેશનલ બુક ફાઉન્ડેશન પાકિસ્તાનના અધ્યક્ષપદે ય રહ્યા હતા. ફૈઝ એહમદ ફૈઝની જેમ એહમદ ફરાઝે એકથી વધુ વખત ભારતયાત્રા કરી હતી. અહીં તેમને હિન્દુસ્તાનવાસીઓ તરફથી અનહદ પ્રેમ અને હૂંફાળું સન્માન મળ્યું હતું.
ઉર્દૂ શાયરીના વિધવિધ વહેણો, વળાંકો અને ગતિ પર ચાંપતી નજર રાખતા આ શાયરની શાયરીમાં પ્રતિકૂળ પરિસ્થિતિ અને વિપરીત સંજોગો વચ્ચે જીવી રહેલા લોકોની માનસિક દ્વિધાનું તીવ્ર આલેખન જોવા મળે છે. જો કે ફરાઝસાહેબ મૂળ તો તગઝઝુલ- પ્રણયરસના કવિ હોવાથી તેમની ગઝલોમાં એક તરફ વિરહની વેદના-પીડા તો બીજી તરફ મિલનની મસ્તીનું નશીલું- કેફી વર્ણન ખાસ ધ્યાન ખેંચે છે. ગઝલના સ્વરૂપ પ્રત્યેની શિસ્ત અને ચુસ્તી, પ્રતીકો, કલ્પનો અને ઉપમાઓની ચિત્રાંકન ક્ષમતા, મધુર-પ્રવાહી શબ્દોની પસંદગી, જીવનદર્શન અને જીવનસૌંદર્યનું અદ્ભુત આલેખન- આ બધા જ ગુણોનો મેળો તેમની ગઝલોમાં ઘૂંટાયેલો છે.
તેમની ગઝલો-નઝમોનું પ્રથમ પુસ્તક ‘તન્હા તન્હા’ ઈ.સ. ૧૯૫૮માં પ્રગટ થતાં જ ઉચ્ચ કક્ષાના કવિ તરીકે તેઓ સ્થાપિત થઈ ગયા હતા. ત્યાર પછીના તેમના કાવ્ય સંગ્રહોમાં ‘દર્દ-આશોબ’, ‘બેઆવાઝ ગલી કૂચોં મેં’, ‘ખ્વાબે-ગુલ પરીશાં હૈ’, ‘જાનાં-જાનાં’, ‘નાબીના શહર મેં આઈના’, ‘નાયાફત’, ‘પસ અંદાઝ મૌસમ’, ‘ગઝલ બહાના કરું’નો સમાવેશ થાય છે. ઈ.સ. ૨૦૦૫માં દિલ્હીથી પ્રકાશિત ગ્રંથ ‘ખાનાબદોશ’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ કરાયેલી છે. વળી સંયુક્ત આરબ અમીરાતની એક યુનિવર્સિટીેએ તેમની સમગ્ર કવિતા ઉર્દૂ લિપિમાં ૪ ભાગમાં પ્રકાશિત કરી છે. તેમણે સાતેક નાટકો અને કેટલાક લેખો લખ્યા હતા.
મશહૂર શાયર મજરૂહ સુલતાનપુરીએ લખ્યું છે: “ફરાઝ અપને વતન કે મઝલૂમોં કે શાયર હૈં, ઉન્હી કી તરહ તડપતે હૈં મગર રોતે નહીં, બલ્કિ ઉન જંજીરોં કો તોડતે નઝર આતે હૈં જો ઉનકે સમાજ કો જકડે હુવે હૈં.
શરાબ અને સિગારેટના શોખીન આ શાયરની તબિયત લથડી જતાં સારવાર માટે તેમને અમેરિકા લઈ જવાયા હતા, પરંતુ તબિયતમાં સુધારો ન થતા તેમને ઈસ્લામાબાદ પાછા લવાયા હતા. ૨૫ ઑગસ્ટ ૨૦૦૮ના દિવસે તેમનું અવસાન થયું હતું.
તેમના કેટલાક જાનદાર શે’રનું હવે રસદર્શન કરીશું.
* જબ કોઈ ઝખ્મ ભરા, દાગ બના,
જબ કોઈ ભૂલ ગયા, યાદ આયા.
જ્યારે કોઈ ઘાવ રૂઝાઈ ગયો તો તે ડાઘ બની ગયો. એવી જ રીતે જ્યારે કોઈ (અમને) ભૂલી ગયું ત્યારે જ અમે તેને યાદ આવ્યા. (આ કેવી કરામત છે નહીં?)
* પ્યાર સે પ્યારા જીવન પ્યારે,
ક્યા માઝી? ક્યા આઈન્દા?
પ્રેમથી પણ વિશેષ કંઈ હોય તો તેનું નામ જીવન છે, ભાઈ. તેમાં વળી ભૂતકાળ શું ને ભવિષ્ય શું?
* તુમ્હારે શહર કા મૌસમ બડા સુહાના લગે,
મૈં એક શામ ચુરા લૂં, અગર બુરા ન લગે.
તારા નગરની મૌસમ (તારી જેમ જ) ખૂબ સુંદર લાગે છે. જો તું ખોટું ન લગાડે તો (તારી) એક સાંજ મારા નામે કરી લઉં!
* કિસ કિસ કો બતાયેંગે જુદાઈ કા સબબ હમ,
તૂં મુઝસે ખફા હૈ તો ઝમાને કે લિયે આ.
આ વિયોગનાં કારણોની (આપણે) કોને કોને જાણ કરીશું? તું જો મારાથી (આ બાબતમાં) નારાજ-ગુસ્સે હોય તો જમાનાની લાજ ખાતર તું મારી પાસે આવી જા.
* આંખ સે દૂર ન હો દિલ સે ઉતર જાયેગા,
વક્ત કા ક્યા હૈ ગુઝરતા હૈ, ગુઝર જાયેગા.
હવે તું મારી આંખોથી દૂર થજે નહીં. એમ થશે તો તું મારા દિલમાંથી પણ દૂર થઈ જશે. સમયનું તો એવું છે કે તે તો સતત પસાર થતો જ રહેશે. (પણ તું તારી જાતને સંભાળી લેજે.)
* જો ઝહર પી ચૂકા હૂં તુમ્હીં તે મુઝે દિયા,
અબ તુમ તો ઝિંદગી કી દુઆએં મુઝે ન દો.
તમે મને ઝેર આપ્યું હતું તે તો હું પી ગયો છું. હવે આવી સ્થિતિમાં તમે મારા માટે (લાંબી) જિંદગીથી દુવા (પ્રાર્થના) શા માટે માગો છો?
* હુઈ હૈ શામ તો આંખોં મેં બસ ગયા ફિર તૂ,
કહાં ગયા હૈ મેરે શહર કા મુસાફિર તૂ.
સાંજ ઢળી ગઈ તો તું મારી આંખોમાં આવીને વસી ગયો છે. છતાં મને તો એવું લાગ્યા કરે છે કે તું ક્યાંક-હશે ચાલ્યો ગયો છે! (શું દોસ્તીમાં આવું બધું થતું હોય છે?)
* તરસ રહા હૂં મગર તૂ નઝર ન આ મુઝકો,
કિ ખુદ જુદા હૈ તો મુઝસે ન કર જુદા મુઝકો.
હું ભલે તને જોવા ઝંખી રહ્યો છું, પરંતુ તું હવે મારી નજર સમક્ષ ન આવ તો જ સારું. (કેમ કે) તું પોતે તારી જાતથી અલગ છે જ, તો હવે મારાથી મને તું જુદો ન જ કરજે. ફરાઝની આ પ્રકારની શૈલીને લીધે જ તે અન્ય શાયરોથી જુદા-નોખા પડતા જણાય છે.
* ન જાને ક્યૂં મેરી આંખેં બરસને લગતી હૈં,
જો સચ કહૂં તો કુછ ઐસા ઉદાસ હૂં ભી નહીં.
મારી આંખોમાંથી આંસુઓનો કેમ વરસાદ થઈ રહ્યો છે? કોણ જાણે! જો ખરું કહું તો હું હજી આટલો ઉદાસ પણ થયો નથી. તે પછી આમ કેમ થયું?
* અબ ઉસે લોગ સમઝતે હૈં ગિરફતાર મેરા,
સખ્ત નાદિમ હૈ મુઝે દામ મેં લાનેવાલા.
હવે આ લોકો એને મારો કેદી સમજે છે. મને (છળ કરીને) જાળમાં ફસાવવાળા ખૂબ છોભીલા પડી ગયા છે.
* મૈં તેરા નામ ન લૂં, ફિર ભી લોગ પહચાનેં,
કિ આપ અપના તઆરુફ, હવા બહાર કી હૈ
હું તારું નામ લેતો નથી છતાં લોકો તને ઓળખી જતા હોય છે. કારણ તું તો વસંતની હવા જેવી છે. તું પોતે જ તારી ઓળખ જેવી છે. (તને બીજા પરિચયની જરૂર નથી.)
* હમ ન હોતે તો કિસી ઔર કે ચર્ચે હોતે,
ખિલ્કતે-શહર તો કેહને કો ફસાને માગે.
જો હું ન હોત તો કોઈ અન્ય વિશે ચર્ચા થાત. શહેરવાસીઓને કંઈક ને કંઈક કરવા માટે કંઈક વાતો તો જોઈએ ને!
* ટૂટા તો હૂં મગર અભી બિખરા નહીં ‘ફરાઝ’,
મેરે બદન પે જૈસે શિકસ્તોં કા જાલ હો.
મારા દેહ પર ભલે પરાજયની જાળ (વીંટળાયેલી) હોય. હું ભલે ભાંગી-તૂટી ગયો છું. પણ હજુ વિખરાયો નથી.
* અબ કે ઋતુ બદલી તો ખુશબૂ કા સફર દેખેગા કૌન?
ઝખ્મ ફૂલોં કી તરહ મહકેંગે, પર દેખેગા કૌન?
હવે જો ઋતુ બદલાઈ જશે તો સુગંધની યાત્રા કોણ અનુભવશે? આ જખ્મો ફૂલોની જેમ મ્હેકશે પણ તેને કોઈ જોઈ-જાણી શકશે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.