આરોગ્યના એંધાણ-જ્યોતિષી આશિષ રાવલ
રવિવારથી શરૂ થયેલ ૨૦૨૩ વર્ષ માટે સર્વે વાચકોના આરોગ્ય સુખમય નીવડે તેવી પરમ કૃપાળુ સત્યનારાયણ ભગવાન પાસે પ્રાર્થના. આરોગ્યના દાતા સૂર્યનારાયણ ભગવાન પાસે અર્ચના. આગામી સપ્તાહમાં તમામ ગ્રહો પોતાની રાશિમાં રાબેતા મુજબ પરિભ્રમણ કરશે.
સૂર્ય ધન રાશિમાં ભ્રમણ કરતો હોવાથી ‘ધનારક’ તરીકે ગણાય છે. આ સમય દરમિયાન ગરીબ ગુરબાને યથા શક્તિ દાન-દક્ષિણા આપવાથી કથળેલું આરોગ્ય સુધરે. માનસિક રોગોથી પીડિત દર્દીઓ માટે પોતાના હસ્તે દાન આપવાનું ઉત્તમ માનવામાં આવે છે.
૨૦૨૩ના વર્ષમાં વર્ષ-આંક (૨+૦+૨+૩)=૭=નેપ્ચૂન, હોવાથી આ વર્ષમાં માનસિક રોગો,ગંભીર રોગો, ફરતો વા, ચર્મ રોગો, હિસ્ટોરિયા, પેટના દર્દોથી પીડિત જાતકોએ વધારે સંભાળવું. આ વર્ષમા આરોગ્યની વધારે સુખાકારી પ્રાપ્ત કરવા માટે રવિવારના દિવસે આદિત્ય નારાયણ સ્તોત્રનો પાઠ કરવો. લાંબા સમયથી પીડિત દર્દીઓએ નિત્ય ગણેશજી, હનુમાનજી તથા નૃસિંહ ભગવાનની ઉપાસના આરાધના કરવાથી શારીરિક કષ્ટ ઓછું થશે તેમજ મેડિકલ ખર્ચા ઘટશે.
શરદી, ખાંસી સાથે વધુ ઊંઘ આવવાથી વારંવાર બીમારીઓ બદલાતી જણાય. તાજા નવજાત શિશુ માટે વધુ આરોગ્યની કાળજી રાખવી રહી. ગૃહિણી મહિલા જાતકોને ગળામાં બળતરા સાથે એસીડીટી થવાની સંભાવના રહેલી છે. સિટીઝન વર્ગને પડવા-આખડવાની સમસ્યા વર્તાય. યુવાવર્ગને રાત્રિના સમયે નશીલા પદાર્થોના સેવન કરવાની ઇચ્છા થાય. ધન રાશિ અગ્નિતત્ત્વ હોય હોવાથી ઠંડીનું પ્રમાણ વધશે તેમ જ સુસવાટાવાળા પવનો ફૂંકાશે. સવાર-સાંજ શુદ્ધ ઘીનો દીપક સાથે કપૂર કરવાથી જીવ સૃષ્ટિમાં માંદગીના કણો નાશ પામશે અને હકારાત્મક વિચારોનું વલણ વધશે.
સવારે સ્નાનાદીથી પરવારીને ગાયત્રી મંત્ર સાથે સૂર્ય ગ્રહના જપ કરવા તેનાથી આરોગ્ય માટે વધુ સુખાકારી બક્ષશે.
મેષ રાશિના જાતકોને સૂર્ય નવમે ભ્રમણને કારણે વડીલો સાથે વાદ-વિવાદ થવાથી તબિયત બગડી શકે. જમવાનો તથા રાત્રિના નિશ્ર્ચિત સમયે સૂવાની ટેવ પાડવી. સોશિયલ મીડિયામા લાંબા સમય સુધી રહેવાથી મનોસ્થિતિ બગડે. નિત્ય ઈષ્ટદેવ સમક્ષ દીવો નિયમિત સમયે કરવો.
વૃષભ રાશિના જાતકોને વધુ પડતો આહાર લેવાને કારણે અપચો થાય. ડોક્ટરની સલાહ વગર દવાઓ બદલાવવી નહીં. નાના બાળકોને ભેટ સોગાત આપવાથી આરોગ્ય માટે સુખમય બની રહેશે.
મિથુન રાશિના જાતકોને અગાઉના સપ્તાહમાં બગડેલ આરોગ્ય સુધરશે. નિત્ય જીવદયા કરવી તેમ જ તુલસી ક્યારે સંધ્યા સમયે દીપ પ્રગટાવો. અકારણ મુસાફરી ના કરશો.
કર્ક રાશિના જાતકો ને ચશ્માના નંબર ચેક કરાવવા વધી શકે છે. નોકરી ધંધાના બોદરેશનને કારણે
આરોગ્ય કથળી શકે. રાત્રિએ સૂવાના સમય પહેલા ચંદ્ર ગ્રહની એક માળા અવશ્ય ગણવી જેનાથી મીઠી ઊંઘ આવશે.
સિંહ રાશિના જાતકોને ઓચિંતા છાતીમાં તકલીફ વધી શકે. મેડિકલ રિપોર્ટ કરાવતા નોર્મલ આવશે, પરંતુ તબિયત સુધારવા માટે નિયમિત પ્રાણાયામ અવશ્ય કરવા. યોગ્ય માવજત રાખવી. નહીંતર ઊંઘ હરામ થઈ શકે !!
ક્ધયા રાશિના જાતકો ને કબજિયાતની તકલીફ વધે. મોટી ઉંમરના જાતકોને ગઠિયો વા થવાની સંભાવના.બુધ ગ્રહના યંત્રની પૂજા કરવી. ઘર કે ઓફિસની નજીક આસપાસ વૃક્ષની સેવા હજુ પણ ચાલુ રાખવાથી બગડેલ તબિયત તાત્કાલિક રીતે સુધરશે.
તુલા રાશિના જાતકો ને આ સપ્તાહ આરોગ્ય બાબતે સામાન્ય તકલીફ જણાય. કૂતરાને સંધ્યા સમયે દૂધ પીવડાવશો. અગાઉની બીમારી હશે તો આકસ્મિક ઊથલો મારશે. નિત્ય કુળદેવી ની ઉપાસના કરવાથી શારીરિક કષ્ટ ઓછુ થશે.
વૃશ્ર્ચિક રાશિના જાતકોને અકારણ માનસિક ભય, ચિંતા સમસ્યાઓ વધતી જણાય. આંતરડાની તકલીફ વધશે. દૈવી ઉપાસનાની એકી સંખ્યામાં માળા અવશ્ય કરશો.
ધન રાશિના જાતકોને ડાયાબિટીસ હશે તો નિયંત્રિત થશે. જમવામા મસુરની દાળ ખાવાથી ચોક્કસ રાહત જણાશે. નિત્ય ગાયને ચારો ખવડાવવો.
મકર રાશિના જાતકોને ગેસ, એસિડીટીની સમસ્યા હજુ પણ વધારે સતાવે. આયુર્વેદિક દવા સાથે મેડિકલની દવાઓ લેવી. શનિવારે હનુમાનજીના દર્શન કરવા તેમ જ હનુમાન ચાલીસાના પાઠ કરવા. જીવદયા નિયમિત કરશો. કુંભ રાશિના જાતકોને નવી બીમારીઓનો મુકાબલો કરવો પડે. દરરોજ વહેલી સવારે શુદ્ધ ઘીનો દીવો કરીને મનોમન પ્રાર્થના કરશો.બુધ તથા રાહુ ગ્રહના જાપ કરવાથી ઓચિંતા બીમારીમાં છુટકારો અપાવશે.
મીન રાશિના જાતકોને વારંવાર પીઠને લગતી સમસ્યાઓ જણાય, પરંતુ ચિંતાનું કોઈ કારણ બનશે નહીં. આકસ્મિક ડાયાબિટીસ આવી શકે. મહાદેવજીના દર્શન કરવાથી સમસ્યાઓમાં રાહત જણાશે. નિત્ય ગુરુશ્રીના મંત્ર કરશો તેમ જ ગુરુશ્રીનો દીપ કરશો. દરેક રાશિના જાતકોએ હૂંફાળા ગરમ પાણીમાં સિંધવ મીઠું નાખીને પાણીના કોગળા કરવા જેનાથી આરોગ્ય બાબતે શુભમય બની રહે. ધનારક માસ હોવાથી ગરીબોને ખાવા પીવાની ચીજ વસ્તુ આપી તેમજ શક્ય હોય તો વસ્ત્રદાન કરવું. લાંબા ગાળાની માંદગીમાં રાહત જણાશે. તમામ જાતકો માટે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન ઉત્તમ બની રહે. તુલસીકયારે શુધ્ધ ઘીનો દીપ સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં. બગડતા આરોગ્યમાં સુધારો જોવા મળશે.