આરોગ્ય એક્સપ્રેસ – ડૉ. મનોજ જોશી ‘મન’
માતા પિતા તરફથી રંગસૂત્રો (ક્રોમોઝોમ્સ)મળે છે અને તેમાં રહેલાં જનીન (જિન્સ) વિવિધ વંશપરંપરાગત દેખાવ, શરીરનો બાંધો,આદતો, રોગો વગેરેનાં વાહક હોય છે
—
જેઠાલાલ : મારા પિતાજી મારા માટે બે બંગલા અને એક દુકાન મુકતા ગયા છે!
ચંપકલાલ: મારા ફાધર મને એક ફેક્ટરી, બે પ્લોટ અને મકાન દેતા ગયા છે.
વાંધાલાલ – મારા બાપા મને વારસામાં ડાયાબિટીસ અને બીપી દેતા ગયા છે…!!
મિત્રો, આ વાંચીને કદાચ હસવું આવશે પણ આ બિલકુલ હસવા જેવી વાત નથી ! મોટાભાગના ચીકણા અને ગંભીર રોગોમાં આનુવંશિકતા એટલે કે વારસાગતપણું મુખ્ય અને ખૂબ મહત્ત્વનું કારણ છે.
જેમ પૂર્વજો પાસેથી જમીન, મકાન, દુકાન, બૅન્ક
બેલેન્સ, જર -ઝવેરાત વગેરે વારસા રૂપે મળે છે તે જ રીતે માણસનાં સ્વભાવ, આરોગ્યથી લઈને આયુષ્ય સુધીની અનેકાનેક બાબતોમાં વારસો ખૂબ મોટો ભાગ ભજવી
શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે માતા પિતા તરફથી રંગસૂત્રો (ક્રોમોઝોમ્સ)મળે છે અને તેમાં રહેલાં જનીન (જિન્સ) વિવિધ વંશપરંપરાગત દેખાવ, શરીરનો બાંધો,આદતો, રોગો વગેરેનાં વાહક હોય છે.
આ વિષય સાથે સંકળાયેલા વિજ્ઞાનને જીનેટિક્સ કહે છે. જીનેટિક્સ એ ખૂબ ઊંડું અને સંકુલ (કોમ્પ્લેક્સ) વિજ્ઞાન છે.
જનીન એ બાહ્ય દેખાવથી લઈને શરીરનાં આંતરિક અવયવોનાં બંધારણ, કાર્યપદ્ધતિ, કાર્ય ક્ષમતા એ તમામ બાબતો સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે કોઈપણ વ્યસન વગરનાં, સરળ સાદું જીવન જીવતાં, નિયમિત કસરત કરતાં, નાની ઉંમરની વ્યક્તિની પણ હૃદયરોગનો હુમલો આવતો જોવાં મળે છે, બીપી વધતું હોય છે, ડાયાબિટીસ હોય છે કે થાયરોઇડ થાય છે આવાં કિસ્સાઓમાં સૌથી મોટો ભાગ આનુવંશિકતાનો હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. અરે! આનુવંશિકતા એ હદ સુધી કામ કરતી હોય છે કે જે સંતાનોને મા-બાપનાં કે અન્ય પૂર્વજોનાં હાઈટ, બોડી, આંખનો રંગ, ત્વચાનો રંગ, વાળ દેખાવ ઉપરાંત બોલવા ચાલવાની સ્ટાઈલ, આદતો, સ્વભાવ, પ્રતિક્રિયાઓ વગેરે પણ વારસામાં આપી શકે છે.
આ બધી વસ્તુઓ ઉપરાંત એવી અસંખ્ય બાબતો છે જેમાં આનુવંશિકતાનો ખૂબ મોટો રોલ છે. એવી જ એક ખૂબ મહત્ત્વની બાબત છે જે તે વ્યક્તિની રોગો સામે લડવાની શક્તિ (રોગ પ્રતિકારક શક્તિ) કે ઈમ્યુનિટી.
આ દ્રષ્ટિએ ઈમ્યુનિટીનાં બે પ્રકાર પાડી શકાય. એક
કુદરતી રોગપ્રતિકારક શક્તિ (Natural Immunity) અને બીજી ઉપાર્જિત રોગપ્રતિકારક શક્તિ (Acquired Immunity).
શરીરની કુદરતી ઈમ્યુનિટીનો સૌથી મોટો આધાર જનીનો પર હોય છે. જ્યારે એકવાયર્ડ ઈમ્યુનિટી એ જે તે વ્યક્તિ સારી આદતો, સારી બાબતો કે સારી જીવનશૈલી અપનાવીને મેળવી શકે છે.
આ દ્રષ્ટિએ જોઈએ તો ઉપાર્જિત ઈમ્યુનિટીનાં પ્રમાણમાં વધ -ઘટ કરી શકાય છે કે થઈ શકે છે. જ્યારે વારસામાં મળેલી ઈમ્યુનિટી સ્થિર હોય છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય.
આ બન્ને પ્રકારની ઈમ્યુનિટીને લીધે જ બધાં રોગોનાં અલગ અલગ દર્દીઓમાં લક્ષણોની વિવિધતા અને તીવ્રતા અલગ અલગ જોવાં મળી શકે છે.
અને આ નેચરલ ઇમ્યુનિટીને લીધે જ એવાં ઉદાહરણો પણ જોવાં મળે છે કે એક જ સરખાં રોગો ધરાવતાં બે દર્દીઓમાં એક દર્દીને ઉત્તમમાં ઉત્તમ સારવાર પણ કારગત નથી નીવડતી અને બીજા દર્દીમાં પ્રોપર સારવાર ન મળવાં છતાં દર્દી રોગમુક્ત થઈ જાય છે. આવાં ઉદાહરણોનાં સૌથી મોટાં કારણોમાંનું એક એટલે કુદરતી ઈમ્યુનિટી કે જે મોટાભાગે આનુવંશિક હોય છે.
શરીર એક એવું સુપર યંત્ર છે કે એની પાસે એની એક ઉત્કૃષ્ટ રક્ષાપ્રણાલી છે.
બહારથી થતાં કોઈપણ હુમલા સામે શરીર પોતાની રીતે લડે છે.હુમલો કરનાર ચાહે વાઇરસ હોય, બેક્ટેરિયા હોય, ફંગસ હોય ગમે તે હોય ! શરીર દુશ્મન સામે, દુશ્મને ઉત્પન્ન કરેલાં વિષદ્રવ્યો (Endotoxins) સામે લડનારાં સૈનિકો, દ્રવ્યો ખૂબ ઉત્તમ રીતે ઉત્પન્ન કરે છે. એટલે ઘણા રોગોમાં આપણે જોઈએ છીએ કે કોઈપણ સારવાર લીધાં વગર પણ માત્ર શરીરની લડાઈને સપોર્ટ આપીએ તો પણ રોગમુક્ત થઈ શકાય છે.
જેમ કે, વાઇરસથી થતાં શરદી -કફમાં શરીરને થોડો આરામ, સાદો – સુપાચ્ય, હળવો આહાર, સુખોષ્ણ જળનો પ્રયોગ, રોગ વધારે તેવાં આહાર -વિહારનો ત્યાગ આટલું કરીએ તો પણ શરીર પોતાની રીતે જ વાઇરસ સામે લડીને રોગ મટાડે જ છે. આજની તારીખે પણ સેંકડો પ્રકારનાં એટલાં વાઇરલ રોગો છે જેમાં આધુનિક વિજ્ઞાન પણ માત્ર લક્ષણાત્મક ચિકિત્સા (સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ) જ આપવાનું સજેસ્ટ કરે છે.
જેમ કે વાઇરસને લીધે ખૂબ તાવ ચડે તો માત્ર તાવ પર કામ કરતી પેરાસિટામોલ જેવી દવા દ્વારા શરીરને તાવ ઉતારવામાં મદદ કરવી. પણ, મોટાભાગના વાઇરલ રોગોમાં એન્ટી વાઇરલ દવાઓ નથી અપાતી. એ અમુક ખાસ રોગોમાં જ સીધા વાઇરસને મારતી દવાઓ અવેલેબલ છે અને વપરાય છે. બાકી મોટા ભાગના રોજિંદા વાઇરલ સંક્રમણો તો શરીર પોતાની ઇમ્યુન સિસ્ટમથી જ મારી હટાવે છે. એટલે ઉપાર્જિત ઈમ્યુનિટી પણ એટલી જ મહત્ત્વની છે.
જો શરીર પાસે આ ઇમ્યુન સિસ્ટમ અને આનુવંશિકતા ન હોત તો મેડિકલ સાયન્સનું કાર્ય અત્યારે છે તેનાં કરતાં અનેકગણું મુશ્કેલ બન્યું હોત.
માણસનાં શરીરનાં બાહ્ય અને આંતરિક બન્ને વિભાગો સાથે અભિન્નરૂપથી જોડાયેલી આનુવંશિકતા જો ઉત્તમ
જિન્સ હોય તો વરદાન છે અને નબળાં જનીન હોય તો શાપ પણ છે.
આનુવંશિકતાનાં આટલા મોટાં અને મહત્ત્વના રોલને
લીધે જ આગામી વર્ષોમાં જીનેટિક્સ એક એવી શાખા બની રહેશે જે માનવજાતિનાં અસ્તિત્વમાં ધરખમ ફેરફારો કરી શકશે. ઉ
સ્ટ્રેઈટ ડ્રાઈવ
બધું જ બદલી નાખો તો પણ મૂછમાં હસતું કશુંક એનું એ જ રહે છે,
સંસ્કારોની ઝળહળ નીચે તગ- તગ થાતું જનીન નામે તેજ રહે છે.