આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોષી ‘મન’
અત્યારે બ્યુટિ અને કોસ્મેટિક્સનું બજાર એવું ટોપગિયરમાં છે કે તમે કોઈપણ મેગેઝિન ઉઠાવો, મોબાઈલ ચાલુ કરો, ટીવી જુઓ, મૂવી જોવાં જાવ, ગામમાં ચક્કર મારવા નીકળો ત્યારે નજરે ચડતાં ઍડવર્ટાઈઝમેન્ટ હોર્ડિંગ્સ, જોવાં કે સાંભળવા મળતી દર બીજી-ત્રીજી જાહેરાત સૌંદર્યપ્રસાધનની હોય છે.
માત્ર એક ઊડતી નજર ફેંકીએ તો પાવડર, ક્રિમ,લોશન, હેરઓઈલ, શેમ્પુ,હેર કલર્સ, હેર સીરમ, ફેરનેસ ક્રિમ લોશન, મોઇશ્ચરાઈઝિંગ ક્રિમ લોશન, નેઇલ પોલિશ, વેક્સ ક્રિમ…. વગેરે વગેરેથી માર્કેટ છલકાય છે.
આ એવું માર્કેટ છે જેમાં ‘કીડીને કણ અને હાથીને મણ’ મળી રહે છે એટલે આ કારોબાર ’દિન દોગુની – રાત ચૌગુની’ ઉક્તિ મુજબ વધતો રહે છે. સૌંદર્યપ્રસાધનોના બજારમાં ચીલાચાલુ, સસ્તી લોકલ પ્રોડક્ટથી માંડીને મલ્ટિનેશનલ બ્રાન્ડેડ સુધીની બધી વસ્તુઓ ચાલે છે. અત્યારનો યુગ માર્કેટિંગનો યુગ છે. જો દિખતા હૈ વહી બિકતા હૈ – સૂત્ર મુજબ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં આવાં ઉત્પાદનોનું જોરશોરથી માર્કેટિંગ કરવામાં આવે છે.આ માર્કેટિંગનો મારો લગભગ હેમરિંગની કક્ષાએ અને મોટાભાગે બાળકો, ટીનેજર ગર્લ્સ-બોયઝ અને મહિલાઓને ટારગેટ કરીને કરવામાં આવે છે.
કોઈપણ પ્રોડક્ટ લોન્ચ કે અવેઈલેબલ થાય તેનાં બે ચાર મહિના પહેલાંથી જ તેની જાહેરાતોનો મારો ચાલુ કરી દઈને જે તે પ્રોડક્ટની ડિમાન્ડ ઊભી કરવામાં આવે છે.
જાહેરાતોમાં પાછું પ્રોડક્ટને એવી જાદુઈ અસરવાળી દર્શાવવામાં આવે છે કે બાળકો, તરુણ-તરુણીઓ કે ઉપભોકતાઓ એકવાર તો લલચાઈ જ જાય છે. અરે ત્યાં સુધી કે ઘણીવાર તો વૈજ્ઞાનિક તથ્ય વગરની જાહેરાતો પણ વિના કોઈ રોકટોક કે વિના વિરોધે બેફામ બતાવવામાં આવે છે. વિષયાંતર ન થાય એ માટે માત્ર એક જ ઉદાહરણ લઈએ તો મીડિયામાં બાળકોની હાઈટ વધારવા માટેના પાવડર વગેરેની ઍડ. આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે કે કોઈપણ પોષણક્ષમ પ્રોડક્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ, ઓવરઑલ સ્વાસ્થ્ય વગેરે સુધારી શકે પણ માત્ર હાઈટ વધારવા માટેના દાવાઓ પોકળ જ હોય છે.
લગભગ તમામ પ્રોડક્ટ્સ પોતે ઉત્તમ છે તેવું ઠસાવવા પ્રયત્ન કરે છે. ફેરનેસ ક્રિમવાળાં તો એવી જાહેરાતો બનાવે કે આફ્રિકન સ્કિનને પણ યુરોપિયનમાં ફેરવી નાંખે ! ચામડીનો રંગ મુખ્ય તો જે તે દેશનાં ભૌગોલિક સ્થાન, આબોહવા, આનુવંશિકતા ઉપર આધારિત હોય છે. જ્યાં સીધા સૂર્યકિરણોનું પ્રમાણ વધુ હોય તેવાં દેશોમાં વધુ મેલેનીનયુક્ત ડાર્ક ત્વચા અને ઠંડા પ્રદેશોમાં પ્રાય: સફેદ ત્વચા જોવાં મળે છે. એટલે કુદરત તરફથી મળેલી ત્વચાનો રંગ બદલવાની માથાકૂટમાં પડવું વધુ હિતાવહ નથી. કેમ કે એ અમુક હદથી આગળના આવા પ્રયત્નો એ પ્રકૃતિની વિરુદ્ધ અને ડેન્જરસ કેમિકલ ધરાવતા હોવાથી તબીબી માર્ગદર્શન વગર કરવા નુકસાનકારક છે.
પણ, આપણે આજે જે વાત કરવાની છે એ છે ત્વચાની ગુણવત્તાની ! ત્વચાની ગુણવત્તામાં વાઇટાલિટી, નિરોગીપણું અને ચમક (ગ્લો) બધાંનો સમાવેશ થાય છે.
આ બધું વધતું હોવાનો દાવો કરતાં કોસ્મેટિક્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. પણ, સત્ય હકીકત એ છે કે ચામડીની ગુણવત્તા બાહ્ય પરિબળો કરતાં આંતરિક પરિબળો પર વધુ આધાર રાખે છે.
આ આંતરિક પરિબળોનું જો ધ્યાન રાખવામાં આવે તો ચામડીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકાય છે અને તેનાં પર થતી ઠંડી, ગરમી, શુષ્કતાની અસર, તૈલી ત્વચા વગેરે પણ ઘટાડી શકાય છે.
ચામડીને સ્વસ્થ રાખતાં આવાં આંતરિક પરિબળો નીચે મુજબ છે.
(૧) પાણી પીવાનું પ્રમાણ :- બહારથી ગમે તેવાં અને ગમે તેટલાં મોઇશ્ર્ચરાઇઝર વાપરીએ પણ ચામડીની આર્દ્રતા /ભીનાશ ખરેખર તો પીધેલાં પાણી ઉપર આધાર રાખે છે. તંદુરસ્ત વ્યક્તિએ રોજનું સરેરાશ ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ. તાજા શાકભાજી, ફળો, દૂધ વગેરે યોગ્ય પ્રમાણમાં લઈએ તો સોનામાં સુગંધ ! તેનાં અભાવમાં પણ પાણી તો અનિવાર્યપણે લેવું. ખાસ કરીને જ્યારે બહારનું વાતાવરણ ઠંડું અને રૂક્ષ હોય ત્યારે એટલે કે શિયાળામાં, બહારનું વાતાવરણ અત્યન્ત ગરમ હોય ત્યારે પણ વધુ પરસેવો થઈ પાણી અને ઇલેક્ટ્રોલાઈટ્સ બન્ને ઓછાં થાય છે, ઝાડા -ઉલ્ટી થયાં હોય ત્યારે પણ ત્વચાનાં કોષોમાંથી પાણી નીકળી જવાથી ત્વચાની સુકાઈ જાય છે અને તેની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે. એટલે આ પરિસ્થિતિઓમાં તો ખાસ પાણી વધુ પીવું જોઈએ.
(૨) રોજ ૬ થી ૭ કલાકની સઘન ઊંઘ.
ઊંઘ વિશે આ જ જગ્યાએ બીજા વિષયના અનુંસધાનમાં વાત થઈ જ ગઈ છે. ઊંઘ તો આખા શરીરનાં તમામ અંગ -અવયવ -સિસ્ટમનું ડીટોક્સિફિકેશન છે. નિયમિત યોગ્ય ઊંઘ ચહેરાને જે ચમક પ્રદાન કરે છે તે કોઈપણ દવા કે કોસ્મેટિક્સ ક્યારેય નથી કરી શકતાં.
(૩) પેટ સાફ રાખવું.
ચામડીમાં જો ખાસ કરીને ખીલ, ફોડલી -ફોડલા, ગુમડા એવી સમસ્યાઓ વધુ થતી હોય તો તેની ચિકિત્સામાં પેટ સાફ રાખવાનો ખૂબ મોટો રોલ છે.
(૪) સૂર્યનો પ્રખર તાપ ઍવોઇડ કરવો.
(૫) સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો.
આ મુદ્દાઓનું જો ધ્યાન રાખવામાં આવે તો ચામડીની ચમક ઉત્તમ રીતે જાળવી શકાય છે.
આ સિવાયની અમુક ખાસ પરિસ્થિતિઓ એવી છે જેમાં ત્વચાની વિશેષ સંભાળ જરૂરી બને છે.
જેમ કે, ટીનેજર ગર્લ્સમાં કે યુવતીઓમાં પિરિયડ્સનાં સમય પહેલાં મોં પર ખીલનું પ્રમાણ વધવું. આ ઙખજ તરીકે ઓળખાતા એક લક્ષણસમૂહનું અંગ હોઈ શકે છે. એ જ રીતે મોં પર નાકની આજુબાજુ પતંગિયાનાં આકારમાં ફોલ્લીઓ કે ત્વચાનાં રંગમાં પરિવર્તન થવું (બટરફલાઈ સિન્ડ્રોમ) એ પણ એક ખાસ લક્ષણ હોઈ શકે છે. એટલે આવી સ્થિતિઓમાં તબીબી સલાહ અનિવાર્ય બની રહે છે.
અંતમાં, મન આનંદમાં રહેવું એ વાતનો પણ ચહેરાની આભા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. ખૂબ સુંદર ત્વચા ધરાવતાં યુવાન -યુવતીઓ પણ જ્યારે ભય(ફોબીયા), સ્ટ્રેસ, ડિપ્રેશન, કંટાળો વગેરે સ્થિતિમાં મુકાય છે ત્યારે તેમનાં ચહેરા પરની ચમક /આભા કે ઓરા નાશ પામે છે. એટલે ખુશ રહેવું એ પણ ત્વચાની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે.
સ્ટ્રેઈટ ડ્રાઈવ
દોડે,દોડે,દોડે લોકો ;
લીધી વાત ન છોડે લોકો.
ચહેરો સરખો રાખે નહિ, ને-
દર્પણ ખૂબ વખોડે લોકો.
ડૉ.મનોજ જોશી ‘મન’