આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
મોટાભાગનાં લોકોએ નાનપણમાં દાદીમા કે નાનીમા પાસે ‘ટાઢા ટબૂકલા’ની વાર્તા સાંભળી હશે. એમાં એક ડોશીમા કોઈનાથી ન બીતાં પણ ટાઢા ટબૂકલાથી ખૂબ ડરતાં એવી વાત હતી. અત્યારે જ્યારે જ્યારે કોઈ માઈગ્રેઈનનાં માથાનાં દુ:ખાવાવાળાં પેશન્ટ સાથે વાત થાય ત્યારે એ ટાઢું ટબૂકલું અચૂક યાદ આવે ! કેમ કે માઈગ્રેનનાં લગભગ તમામ દર્દીઓ આ વાક્ય બોલે કે સાહેબ, માથાનાં દુ:ખાવાનો ખૂબ ડર લાગે છે. શું છે આ માઈગ્રેન ?
આજે આપણે સાવ સીધી અને સરળ રીતે આ માથાનાં દુ:ખાવાને સમજવાની કોશિશ કરીશું.
માઈગ્રેન એ વિશ્ર્વમાં સૌથી વધુ માનવકલાકોનો વ્યય કરતાં રોગોમાંથી એક છે. માઈગ્રેન એ બાળકોથી લઈને યુવાન, આધેડ તમામ વયજૂથમાં જોવાં મળતો રોગ છે. એક સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓમાં માઈગ્રેનનું પ્રમાણ વધુ જોવા મળે છે.
માઈગ્રેન થવાનાં કારણોની વાત કરીએ તો માઈગ્રેનને ઇડીઓપેથીક રોગોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. એટલે કે માઈગ્રેન થવાનું કોઈ એક કારણ હજુ સુધી નિશ્ર્ચિત નથી પકડાયું. જો કે માઈગ્રેનનો એટેક ચાલુ કરનારાં કારણો કે જેને ટ્રીગર ફેક્ટર્સ તરીકે ઓળખાય છે. તેમાંનાં ઘણાં કારણો સુસ્પષ્ટ છે.
સૌ પ્રથમ તો માઈગ્રેનની સાદી વ્યાખ્યા કરીએ તો માઈગ્રેન એટલે લમણાંમાં કે માથાંમાં કોઈપણ જગ્યાએ થતો એવો દુખાવો કે જે મોટાંભાગે ઉબકા, ઊલ્ટી સાથે હોય અને દર્દી પ્રકાશ કે અવાજ સહન ન કરી શકે.
માઈગ્રેન લક્ષણો દ્વારા જ નિદાન થઈ શકે એવો રોગ હોઈ તેમાં મોટાભાગે લેબોરેટરી તપાસની કે રેડીઓલોજિકલ તપાસની જરૂર નથી પડતી.
આગળ કહ્યું તેમ માઈગ્રેનની તાસીર હોય એવાં દર્દીઓમાં અમુક જે ખાસ કારણોનાં સંપર્કમાં આવતાં માઈગ્રેનનો એટેક ચાલુ થાય છે તેવાં ફેક્ટરને ટ્રીગર ફ્રેકટર તરીકે ઓળખવામાં આવે છે.
આવાં મુખ્ય ટ્રીગર ફેક્ટર્સ નીચે મુજબ છે.
ક જમવાના કે સૂવાનાં સમયમાં ફેરફાર થવો.
ક કાચા કાંદા, લસણ, કાકડી, મૂળાનું સેવન
ક ખૂબ ભૂખ્યું રહેવું.
ક ઉજાગરા કરવા
ક વધુ પડતું ચા -કોફીનું સેવન
ક પ્રખર સૂર્યતાપ (બ્રાઈટ સનલાઇટ)માં બહાર નીકળવું.
ક મોબાઈલ, કમ્પ્યુટર, ટીવીનો વધુ પડતો ઉપયોગ.
ક કોઈપણ તીવ્ર સુગંધના સંપર્કમાં આવવું.
ક વધુ પડતી ઈમોશનલ કે મેન્ટલ સ્ટ્રેસવાળી પરિસ્થિતિ.
આમાંથી કોઈપણ કારણ માઈગ્રેનનો દુખાવો ચાલુ કરવા માટે સક્ષમ છે.
માઈગ્રેનનો દુખાવો ડલ હેડઍકથી લઈને હથોડાં વાગતા હોય તેવાં થ્રોબિંગ પેઈન જેવો હોઈ શકે છે. માઈગ્રેનનાં લગભગ તમામ દર્દીઓમાં પ્રકાશ અને ઘોંઘાટ સહન ન થઈ શકવા એ લક્ષણ કોમન જોવા મળે છે. મોટાંભાગે હેડેક ફુલફલેજ ચાલુ થતાં આવાં દર્દીઓ કોઈપણ કામ કરી શકવા સક્ષમ ન રહી શકતાં હોવાથી પોતાનું કામ કરવાનું પડતું મૂકી અંધારા શાંત ઓરડામાં સૂઈ જવાનું પસંદ કરે છે. જે લોકો કામ મૂકી શકે એવી સ્થિતિમાં નથી હોતાં એવાં લોકોમાં એટેક વધુ એગ્રેસીવલી આગળ વધતાં ઊલ્ટી થવાની સંભાવનાઓ વધી જાય છે.
“દરદને અને દુશ્મનને ઊગતાં જ ડામવા સારાં !” – આ કહેવત માઈગ્રેનનાં દરદ માટે જ બની હોય તેવું લાગે છે. કેમ કે એક વાર હેડએઇક સંપૂર્ણ એસ્ટેબ્લિશ થઈ જાય પછી તેને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બને છે. અનટ્રીટેડ હેડએઇકમાં અંતે ઊલટીઓ થઈ દર્દી લોથપોથ થઈને સૂઈ જાય છે. એ ઊંઘ જ હીલિંગનું કામ કરે છે. મહદંશે સાઉન્ડ સ્લીપ થયાં પછી માથાનો દુ:ખાવો શમી જાય છે. દર્દી જ્યારે ઊઠે ત્યારે નબળાઈ અને સુસ્તી અનુભવે છે.
માઈગ્રેનની સારવાર મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય.
(૧) એટેક ચાલુ હોય ત્યારે દર્દશામક ચિકિત્સા અને
(૨) લાંબા ગાળાની એટલે કે પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટ. જે સારવારથી માઈગ્રેનનાં બે એટેક વચ્ચેનો ગાળો લંબાવી શકાય એટલે કે ફ્રિકવન્સી ઘટાડી શકાય અને જ્યારે એટેક આવે ત્યારે તેની તીવ્રતા પણ ક્રમશ: ઘટાડી શકાય તેવી ટ્રીટમેન્ટને પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટ કહે છે. દા. ત. કોઈ દર્દીને માઈગ્રેન છે અને તેને અઠવાડિયામાં ૩ થી ૪ વાર માથાનો સિવીયર દુ:ખાવો થાય છે થાય છે તો પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટથી શરૂઆતમાં આ દુ:ખાવો અઠવાડિયામાં બે-ત્રણ વાર થશે, પછી અઠવાડિયામાં એકાદ વાર, પછી દસ -પંદર દિવસે એકવાર, પછી મહિને દિવસે એકવાર આ રીતે ફ્રિકવન્સી ઓછી થતી જશે. આ મુખ્ય દવાઓ તબીબનાં માર્ગદર્શન હેઠળ લેવી હિતાવહ છે.
જ્યારે હેડેક ચાલુ હોય ત્યારે પેરાસીટામોલની ગોળી માફક આવતી ઊલ્ટી અને એસિડ પરની દવા સાથે જરૂર મુજબ લઈ શકાય. પણ, જરા અમસ્તું માથું દુખે ત્યાં જ સાવધ થઈને તબીબે આપેલ ડોઝ લઈ લેવામાં આવે તો કામને ડિસ્ટર્બ કરે તેવો માઈગ્રેનનો એટેક રોકી શકાય છે.
માઈગ્રેનનાં દર્દીઓ માટે ઉપયોગી ટિપ્સ
શક્ય હોય ત્યાં સુધી નિયમિત જીવન જીવવું. જમવાના અને સુવાના સમય જાળવી રાખવા.
ખોરાક અને તેમાં પણ સવારનો નાસ્તો ક્યારેય સ્કિપ ન કરવો.
કાચા કાંદા -લસણ -મૂળા – કાકડીનું સેવન ટાળવું.
જમવામાં તીખા -તળેલાં -ખાટાં -ગરમ પદાર્થો ન લેવાં.
પરાણે જાગીને કોઈ કામ ન કરવું.
માનસિક તણાવ ઘટાડવા માટે નિયમિત થોડી શારીરિક કસરત, યોગ, ધ્યાન (મેડિટેશન) કરવું.
બ્રાઈટ સનલાઇટમાં જવાનું ટાળવું અથવા કેપ, ગોગલ્સ, છત્રીનો ઉપયોગ કરવો.
દિવસમાં એક બે વારથી વધુ ચા કૉફી ન લેવાં અને ખાસ તો ભૂખ્યા પેટે કે ભોજનનાં બદલે ચા કૉફી ન લેવાં.
સ્ટ્રેઈટ ડ્રાઈવ
હજી તો સંભળાવી છે ફક્ત પ્રસ્તાવના તમને,
હજી પણ ક્યાં કહી છે મેં અહીં કોઈ કથા તમને !
મને છાતીમાં દુ:ખતું હોય ને માથું દુ:ખે તમને,
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને.
– ભરત વિંઝુડા