Homeતરો તાજાનીંદ ન મુજકો આયે...!

નીંદ ન મુજકો આયે…!

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

કવિઓએ અને ખાસ તો બોલીવુડના ગીતકારોએ નિંદ્રા એટલે કે ઊંઘનો સીધો સંબંધ પ્રેમ સાથે જોડી દીધો છે !
તમે ફિફ્ટી’સથી લઈને આજ સુધીનાં ગીતો ફંફોળશો તો ઊંઘ ઉપર અસંખ્ય સુપરહિટ ગીતો મળી આવશે. એક નજર નાખીએ તો…
– નીંદ ન મુજકો આયે, દિલ મેરા ગભરાયે
– મેરી નિંદોમેં તુમ
– રામ કરે ઐસા હો જાયે, મેરી નિંદિયા તોહે મિલ જાયે
– મુજે નીંદ ના આયે, મુજે ચૈન ના આયે
– નીંદ ચુરાઈ મેરી તુને ઓ સનમ
– યાદ સતાયે તેરી, નીંદ ચુરાયે મેરી અબ દિલ ન લગે દિલબર…
બોલીવુડે આટલાં બધાં ગીતો બનાવીને ભલે ખોટાં પરિપ્રેક્ષ્યમાં આપ્યું પણ ઊંઘને મહત્ત્વ તો આપ્યું જ છે !
રમૂજમાંથી બહાર આવીને વાત કરીએ તો મનુષ્યજીવન માટે ઊંઘ એ ખૂબ કિંમતી ભેટ છે. આયુર્વેદમાં તો આખું જીવન જેનાં આધારે ઊભું છે, ટક્યું છે તે મુખ્ય ત્રણ સ્તંભોમાંથી એક સ્તંભ નિંદ્રાનો કહ્યો છે.
સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જેટલું આહાર-વિહાર ઉપર આધારિત છે એટલું જ ઊંઘ પર આધારિત છે. નિંદ્રાનો એક પર્યાય ‘ભૂતધાત્રી’ એટલે કે વ્યક્તિનાં જીવનને ધારણ કરનાર કહ્યો છે.
સાવ સરળ અને આજની ટેક્નોસેવી જનરેશનને ફટાકે સમજાય જાય તેવી ભાષામાં ઊંઘ/નિંદ્રાની વ્યાખ્યા આપીએ તો – “નિંદ્રા એટલે શરીર અને મગજનું ચોવીસ કલાકની વેલિડિટીવાળું અનલિમિટેડ નેટ સાથેનું રિચાર્જ!
સ્વાસ્થ્ય સારું ટકાવી રાખવા માટે રોજ છથી સાત કલાકની ઊંઘ ખૂબ જરૂરી કહેલી છે. ઊંઘ એ શરીરનાં તમામ અંગોને અને સિસ્ટમને આરામ આપે છે, આધુનિક ભાષામાં કહીએ તો ઊંઘ એક ઉત્તમ ડી-ટોક્સ છે.
જે શરીરમાંથી કચરાનો, વિષાક્ત દ્રવ્યોનો નિકાલ કરે છે. વિવિધ અંગ -અવયવની કાર્યપ્રણાલી સુધારે છે.
શરીર માટે ઉપયોગી અંત:સ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. શરીર માટે હાનિકારક દ્રવ્યોનો સ્ત્રાવ ઘટાડે છે. હૃદયની ગતિ, ધબકારાં વગેરે નિયંત્રિત કરે છે. યોગ્ય ઊંઘ વ્યક્તિને તમામ રીતે ઉપકારક છે.
પૂરતી ઊંઘ ન મળવાથી સૌથી વધુ અસર દિમાગનાં કામ પર પડે છે. બ્રેઈનની વિચારવાની, નિર્ણય લેવાની વગેરે શક્તિઓ ક્ષીણ થાય છે.
પ્રવર્તમાન સમયમાં સતત તણાવ, ટકી રહેવાની સ્પર્ધા, બ્રેડ-બટર માટેની બેટલ, નોકરી-ધંધાનું શિફ્ટ ડ્યૂટીવાળું શિડ્યુલ ને તેને પરિણામે જમવાનું અને સૂવાનું પણ અનિયમિત ને અનિયંત્રિત શેડ્યુલ, તીખા-તમતમતાં ખાદ્યપદાર્થો, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ઊંઘનાં સૌથી મોટાં દુશ્મનો છે.
આ સિવાય એક એવું છૂપું કારણ છે કે જે ઝટ દઈને નજરે નથી ચડતું પણ, અત્યારના સમયમાં ઊંઘ ન આવવા માટે સૌથી મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે તે કારણ છે બેઠાડુ જીવન. બીજા શબ્દોમાં કહીએ તો શારીરિક શ્રમનો અભાવ.
આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે કે યોગ્ય પ્રમાણમાં ફિઝિકલ વર્કઆઉટ કરવાથી શરીરમાં જે હેપ્પી હોર્મોન્સ તરીકે ઓળખાય છે તેવાં મનમાં આનંદ, શાંતિ, સંતોષની લાગણી જન્માવનાર, કુદરતી ભૂખ લગાડનાર, કુદરતી ઊંઘ લાવનાર, ચયાપચયની ક્રિયા સુધારનાર એવાં બધાં હેપ્પી હોર્મોન્સનું સંતુલન જળવાઈ રહે છે.
જ્યાં સુધી નિંદ્રાને લાગે વળગે છે ત્યાં સુધી આ વાત એક સાદા નિરીક્ષણ દ્વારા પણ સમજી શકાશે.
જે લોકો આખો દિવસ મહેનત – મજૂરીકામ કરતાં હોય છે તેવાં લોકોમાં અનિન્દ્રાનું પ્રમાણ નહીંવત જોવા મળે છે. એટલે કુદરતી
ઊંઘ લાવવા માટે જે સૌથી વધુ જરૂરી
મુદ્દા છે તે બેઠાડુ જીવનનો ત્યાગ અને યોગ્ય શારીરિક શ્રમ (કસરત) આ બે મુદ્દા મુખ્ય બની રહે છે.
આ સિવાય કુદરતી ઊંઘ લાવવા માટે ઉપયોગી હોય તેમ છતાં શરીરને નુકસાનકારક ન હોય તેવી બાબતો વિચારીએ તો..
સૂવાનો અને ઊઠવાનો કોઈ એક સમય નિશ્ર્ચિત જાળવી રાખવો.
રાત્રે સૂતાં પહેલાં લાસ્ટમાં કોઈ એક કામ એવું નક્કી રાખવું કે એ કામ કર્યાં પછી સીધું સૂઈ જવું. દા.ત. રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું, વોશરૂમ જવું, ઋતુ મુજબ ઠંડા કે નવસેકા પાણીથી હાથ -પગ -મોં ધોવાં, માથામાં તેલ નાખવું, મ્યુઝિક સાંભળવું વગેરે.. વગેરેમાંથી અનુકૂળ લાગે એવાં એક કે બે કામ નિયમિત કરવા.
આ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. કેમ કે શરીરની પોતાની એક રિધમ હોય છે. ઉપર બતાવેલ અથવા કોઈ બીજું કાર્ય રોજ સૂવા જતાં પહેલાં લાસ્ટમાં રેગ્યુલર કરવાથી એ શરીરની બાયોરિધમમાં એક નિર્દેશ કે એલાર્મ સેટ કરે છે કે હવે આનાં પછી સૂવાનું છે એટલે એ રિધમને ફોલો કરતાં શરીરની
તમામ સિસ્ટમ ક્રમશ: સ્લીપિંગ મોડ પર આવે છે. જે સાઉન્ડ સ્લીપ લાવવામાં મદદરૂપ
થાય છે.
શરીરની તાસીરને માફક આવતાં હોય તો વૈદ્ય/તબીબની સલાહ મુજબ રાત્રે જમવામાં દહીં ને કાંદાનો ઉપયોગ પણ ઘણાં કેસમાં ફાયદાકારક નીવડે છે.
પગનાં તળિયામાં ચોખ્ખાં ઘીનું અથવા કોઈપણ વાતશામક સ્નેહ (તેલ અથવા ઘી)નું માલિશ કરવું.
રાત્રે(ખાસ કરીને ઉનાળામાં) નહાવું.
રાત્રે સૂતી વખતે કોટનનાં અને ખુલતાં વસ્ત્રો પહેરવાં.
જે લોકોને રાત્રે એસીડીટી વધુ થતી હોય (નોક્ચર્નલ એસિડિટી) તેમણે ક્ષમતા કરતાં થોડું ઓછું જમવું, ઓઈલી -સ્પાઈસી કે પચવામાં ભારે ખોરાક ન લેવો તેમ જ જમવા અને સૂવાની વચ્ચે ઓછામાં ઓછો બે કલાકનો ગાળો રાખવો.
આવાં દર્દીઓએ તેમનો સૂવાનો પલંગ માથા બાજુથી થોડો ઊંચો રાખવો. જેથી ગ્રેવીટીને લીધે ખોરાક જઠરમાં નીચેની તરફ રહે અને ગેસ્ટ્રો -ઇસોફેઝીઅલ રિફ્લેક્સને લીધે થતાં ખાટા -તીખા ઓડકાર, ઘચરકા વગેરે ઊંઘમાં ખલેલ ન પહોંચાડે.
વૈદકમાં બપોરે લેવામાં આવતી ઊંઘમાં અમુક અપવાદોને બાદ કરતાં મોટાભાગે બપોરની ઊંઘને નુકસાનકારક ગણેલી છે.આ અપવાદમાં કેટલાકે વાયુના રોગો, કૃશ -દુર્બલ વ્યક્તિઓ, વૃદ્ધ, બાળક વગેરે લોકો આવશ્યકતા અનુસાર બપોરની ઊંઘ લે તો તેમનાં માટે હાનિકારક નથી હોતી. આ સિવાયના લોકો માટે બપોરની ઊંઘ હાનિકારક કહેલી છે.
જો કે સૌરાષ્ટ્ર / કાઠિયાવાડનાં અમુક વિસ્તારોમાં ત્યાંના રહેવાસીઓની વારસાગત આદત હોવાને લીધે એમનાં માટે બપોરની ઊંઘ ઓકસાત્મ્ય થઈ ગઈ છે એટલે કે રહેતાં રહેતાં માફક આવી ગઈ છે એમ કહી શકાય.પણ, મહદંશે તો બપોરની ઊંઘ રોગકારક જ કહી છે.
બપોરે જમ્યાં પછી થોડું ચાલીને પછી થોડીવાર ડાબા પડખે આરામ કરવાની ક્રિયા ‘વામકુક્ષી’ તરીકે ઓળખાય છે. આ વામકુક્ષી હોજરીની એનાટોમીકલ સ્થિતિને સપોર્ટ કરતી હોય અમુક અંશે ફાયદાકારક રહે છે. પણ, એમાં ડાબા પડખે સૂતાં સૂતાં જાગવાનું છે માત્ર આરામ કરવાનો છે, સૂઈ નથી જવાનું એ યાદ રાખવું.
અંતમાં, સારી ઊંઘ એ માનવજાતને ઈશ્ર્વર તરફથી મળેલાં ઉત્તમ વરદાનો પૈકી એક છે એટલે તેને ક્યારેય અવગણવી નહીં.
ઊંઘ આવતી હોય ત્યારે પરાણે જાગવાથી પણ ઘણું નુકસાન થાય છે. એટલે એ પણ ટાળવું. સાહિત્યમાં કે અધ્યાત્મમાં કહેવાયેલ
“જો સોવત હૈ વો ખોવત હૈ
જો જાગત હૈ વો પાવત હૈ.
આ ઉક્તિ સ્થૂળ ઊંઘ માટે નથી. એમાં અંદરથી જાગવાની એટલે કે એનલાઇટનની વાત છે. ઉ
સ્ટ્રેઈટ ડ્રાઈવ
દિવસ ઉથલાવતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતે વાંચતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે.
ઉપરથી લાગતું સહેલું, ખરેખર ખૂબ અઘરું છે;
ભીતરથી જાગતાં રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular