આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
શિયાળાની ઠંડીને લીધે ચામડી નીચે છુપાઈ ગયેલા પ્રસ્વેદબિંદુઓ સૂર્યનારાયણની આંખો લાલ થતાં દોડાદોડી કરવા માંડ્યા છે. પ્રસ્વેદ એટલે કે પરસેવો એ માનવ જાતને મળેલું એક મોટું વરદાન છે. શરીરમાંથી કચરો બહાર ફેંકવાથી લઈને શરીરનું તાપમાન નિશ્ર્ચિત રેન્જમાં જાળવવા જેવાં અનેક કાર્યોમાં તેનો ખૂબ મોટો ફાળો છે.
ડોશીશાસ્ત્રમાં તો એક કહેવત પણ છે કે ‘બફા સો નફા’ એટલે કે જેટલાં ગરમીમાં રહો, પરિશ્રમ કરો કે પરસેવો પાડો એટલાં લાભમાં રહો. પણ, આધુનિક જીવનશૈલીમાં આ બધી બાબતો ક્રમશ: નષ્ટ થઈ રહી છે. સવારથી સાંજ સુધી ને રાત્રે પણ એ.સી.કે કુલરની હવા, ભૌતિક સાધનોને લીધે પરિશ્રમનો અભાવ, બેઠાડુ જીવન વગેરેનાં કારણે સ્વેદવહ સ્રોતનો અવરોધ વધવાથી ચામડીનાં અનેક રોગો પહેલાં કરતાં વધુ સંખ્યામાં અને વધુ બળવાન થઈને ત્રાટકતાં જોવાં મળે છે.
આયુર્વેદે રોગ થવાનાં અનેક કારણોમાં ઋતુઓને પણ પ્રાધાન્ય આપ્યું છે. શિયાળાની સૂકી અને ઠંડી હવાની શરીર અને ખાસ કરીને ચામડી પર વિશિષ્ટ અસરો થાય છે. સ્વેદછિદ્રો સંકુચિત થતા શરીરમાંથી નીકળતો સ્નિગ્ધ પદાર્થ ચામડીને મુલાયમ રાખી
શકતો નથી. જેથી ચામડીની નૈસર્ગિક સુંવાળપ અને કોમળતા નષ્ટ થાય છે શરીરની વધારાની ગરમી ચામડીના છિદ્રો દ્વારા બહાર નીકળી શકતી નથી. જે રક્તને દૂષિત કરે છે અને ચામડી સૂકી અને ખરબચડી થઈ જાય છે.
રક્તને દૂષિત કરતી શરીરની અંદર ધરબાઈ ગયેલી ગરમી, શીત ઋતુનાં વાયુનાં આક્રમણથી લુખી પડી ગયેલી ત્વચા અને કફ દોષની વિષમતા ને લીધે ત્વચાગત સૂક્ષ્મ વાહિનીઓમાં પેદા થતાં અવરોધથી ચામડીનો એક વિશિષ્ટ પ્રકારનો રોગ પેદા થાય છે જેનું બીજ રોપાય છે શિયાળામાં અને ફૂલે ફાલે છે વસંતમાં.
આમ તો ચામડીના અનેક નાના-મોટા રોગો જુદાં જુદાં કારણોથી થાય છે. પણ, આપણે જેની વાત કરવાની છે તે રોગને આધુનિક વિજ્ઞાન સોરિયાસીસ નામથી ઓળખે છે. ચામડીનો આ રોગ ઘણો કષ્ટદાયી હોય છે. ચામડી પર ખરબચડાં ચકામાઓ થાય છે. તેનાં પર પાતળું ભીંગડું (લેયર/ સ્કેલિંગ) થાય છે.
ખંજવાળથી ચકામાં પરનું પાતળું પડ ઊખડી જાય છે અને નીચે લાલાશવાળું ચકામું દેખાય છે. સોરિયાસીસની વિશિષ્ટતા એ છે કે બીજા ચામડીના દર્દો કરતા આમાં ખંજવાળનું પ્રમાણ સાપેક્ષે ઓછું હોય છે. છતાં પણ સોરિયાસીસ ના બધાં જ દર્દીઓમાં આવું બનતું નથી. કોઈને વધારે ખંજવાળ પણ આવી શકે છે.
આ રોગમાં ચાંદલા જેવાં નાનાં ચકામાથી માંડી વાટકા જેવડાં ગોળ કે અનિયમિત આકારનાં ચકામાઓ ચામડી પર વિસ્તરે છે. માથાનાં વાળ નીચેની ચામડીથી માંડી કોણી ઘૂંટણ, કપાળ, ગરદન, પીઠ હાથના પહોંચા, અરે છેક આંખની પાપણનાં મૂળ સુધી તે વિસ્તરી શકે છે. ક્યારેક સારવારની ઉપેક્ષા કરવાથી તો ક્યારેક સતત દવાઓ કરવા છતાં આ હઠીલો રોગ કાબૂમાં લાવી શકાતો
નથી અને શરીરની સમગ્ર ત્વચાને બિહામણી, કાબરચીતરી કુરૂપતાથી ચિતરી મૂકે છે.
એના સામાન્ય ઉપચારમાં અપતર્પણ અર્થાત ઉપવાસ, આતપ સેવન અર્થાત વિધિપૂર્વક તડકાનું સેવન, ચરી પાળવી (પરહેજ)વગેરેથી વધી ગયેલાં શારીરિક દોષોને ઘટાડવા કહ્યું છે. ઢીલાપોચાં મનવાળાં અને ખોરાક પ્રત્યે લોલુપ વ્યક્તિઓના શરીરમાં આ રોગ વધુ આક્રમક બને છે.
આયુર્વેદ પદ્ધતિના ઉપચારો શરીરને તો દોષ રહિત કરે છે, પરંતુ સાથે સાથે મનને પણ સક્ષમ બનાવે છે.
પરહેજ પાળવાનાં કે ઉપવાસ કરવાના સંકલ્પમાત્રથી જ મનની દ્રઢતામાં વૃદ્ધિ થવા માંડે છે અને મજબૂત થયેલું મન અનેક રોગો સામે ઝઝૂમવા/લડવા માટે સ્વયં શક્તિમાન બને છે.
આયુર્વેદ પાસે આ રોગ માટે ખૂબ વિશદ ચિકિત્સાક્રમ છે. તેમાં શમન( વિકૃત થયેલાં કે વધેલાં દોષોને ઔષધો દ્વારા શરીરની અંદર જ સમપ્રમાણમાં લઈ આવવાં)થી માંડી શોધન (પ્રકૂપિત થયેલાં કે માત્રાથી ખૂબ વધેલાં દોષોને પંચકર્મ અંતર્ગત લાગુ પડતી ક્રિયાઓ દ્વારા શરીરમાંથી બહાર કાઢી નાખવાં) સુધીની અત્યંત અસરકારક ચિકિત્સા વર્ણવેલી છે. પંચકર્મ ચિકિત્સાનાં આ વ્યાધિમાં ખૂબ જ ઉત્સાહજનક પરિણામો સાંપડ્યાં છે.
આધુનિક વિજ્ઞાનમાં સોરિયાસીસને શરીરની ઇમ્યુન સિસ્ટમ સાથે સંકળાયેલ રોગ માનવામાં આવે છે. એટલે તેનાં થવાં પાછળનાં નિશ્ર્ચિત કારણો સ્પષ્ટ નથી, પરંતુ રોગને ઉશ્કેરનાર, રોગમાં વધારો કરનારાં કારણોમાં સંક્ર્મણ (ઇન્ફેકશન), ઠંડી ઋતુ / ઠંડા આહારવિહાર અને તણાવ (સ્ટ્રેસ) મુખ્ય ગણ્યાં છે.
એટલે આધુનિક વિજ્ઞાન પણ આ રોગમાં મનોબળનું મહત્ત્વ સ્વીકારે છે તેવું કહી શકાય.
આ રોગની ચિકિત્સામાં આધુનિક વિજ્ઞાનનાં ભાથામાં એન્ટી એલર્જિક, સ્ટીરોઈડ્સ, ઇમ્યુનોમોડ્યુલેટર્સ, જ્યાં બેક્ટેરિઅલ ઇન્ફેક્શન હોય ત્યાં એન્ટીબાયોટિક્સ, એન્ટી ડિપ્રેસન્ટ, એન્કઝિયોલાઈટિક, અમુક વિટામિન્સ વગેરે શસ્ત્રો છે.
આધુનિક વિજ્ઞાન પાસે રામબાણ કોઈ ઈલાજ ન હોવાં છતાં એટલું તો થઈ જ શકે છે કે દર્દીની રોજબરોજની લાઈફ સ્મુધ રહી શકે છે. અને સમયસરની નિયમિત સારવારથી સોરિયાસીસ આગળ વધતાં થતાં ઉપદ્રવો (કોમ્પ્લીકેશન્સ) જેમ કે સોરિયાટિક આર્થરાઈટીસ, હૃદયનાં રોગ, ઓબેસીટી (મેદાસ્વિતા), ડાયાબિટીસ અને ડિપ્રેશનને આવતાં રોકી શકાય છે અથવા તેની તીવ્રતા હળવી કરી શકાય છે.
કોઈપણ પથીની ચિકિત્સા પદ્ધતિમાં દરેક દર્દીની ઉંમર, જાતિ, સત્ત્વ, પ્રકૃતિ(તાસીર) તેમ જ રોગની તીવ્રતા, અવધિ, લક્ષણો વગેરે અનુસાર વ્યક્તિએ વ્યક્તિએ સારવાર અલગ પડતી હોય છે. માટે કોઈપણ પથીનાં નિષ્ણાંતની સલાહ મુજબ જ સારવાર કરવી જોઈએ. ઉ
સ્ટ્રેઈટ ડ્રાઈવ
તમે ત્વચાને પોષણ માટે પરસેવે ક્યાં સિંચી છે !
એટલે તો એ સુક્કી છે ભૈ એટલે તો એ શભિંવુ છે !