મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ રવિવારે મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કારશેડ બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેમણે કહ્યું હતું કે ત્યાંનો ૮૦૮ એકર વિસ્તાર વન્યજીવન અને જૈવવિવિધતાને બચાવવા માટે જંગલ તરીકે આરક્ષિત છે. ઠાકરેએ કહ્યું હતું કે હું નવી રાજ્ય સરકારને (મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની) અપીલ કરું છું કે તેઓ અમારી સામેનો ગુસ્સો મુંબઈ પર ન કાઢે.
અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર જેમાં પ્રવાસન અને પર્યાવરણ પ્રધાન તરીકે સેવા આપનારા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈતરફી, મહારાષ્ટ્રતરફી અને ટકાઉ સરકાર હતી. ગોરેગાંવ પશ્ર્ચિમી ઉપનગરમાં સ્થિત આરેનું જંગલ ગ્રીન પટ્ટા તરીકે ઓળખાય છે. અહીં અંદાજે ૩૦૦ વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં દીપડાનો પણ સમાવેશ થાય છે. આરેમાં કારશેડ બનાવવા માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢવું પડે એમ હોવાથી પર્યાવરણવાદીઓ દ્વારા તેનો વિરોધ થઇ રહ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણીવસે તાજેતરમાં રાજ્યના એડવોકેટ જનરલ અને વહીવટીતંત્રને પૂર્વ ઉપનગર કાંજુરમાર્ગને બદલે આરે કોલોનીમાં કારશેડ બાંધવા અંગે પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે અગાઉની ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી એમવીએ સરકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે રવિવારે આદિત્ય ઠાકરેએ આરેમાં મેટ્રો કારશેડ સામે પર્યાવરણવાદીઓના વિરોધમાં ભાગ લીધો
હતો. (પીટીઆઈ)
———–
વિરોધનો નવો વળાંક
આરેમાં પ્રસ્તાવિત મેટ્રો કારશેડને કારણે ચાલી રહેલા વિવાદમાં રવિવારે થયેલા આંદોલનને કારણે નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. આંદોલનમાં સગીરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા પ્રકરણે રાજ્યના ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન અને યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ સહ્યાદ્રિ રાઈટ્સ ફોરમ નામની સંસ્થાએ રાષ્ટ્રીય બાલહક પંચ સમક્ષ ફરિયાદ કરી છે. રાજ્યના ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સામે તત્કાળ કાર્યવાહી થવી જોઇએ એવી માગણી ફોરમે કરી હતી. આંદોલનમાં આદિત્ય ઠાકરે નાના છોકરાને પણ સામેલ કર્યો હોવાની ફરિયાદ ફોરમે કરી હતી.
