ભાજપને AAPનો પડકાર: ગુજરાતની જનતાને કેજરીવાલની ગેરંટી ‘AAPની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું’

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજરાતમાં 20 વર્ષથી અડીખમ ભાજપના ગઢને સર કરવા આમ આદમી પાર્ટી પૂરો દમખમ લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સતત ગુજરતની જનતા સાથે સંવાદ કરી તેમને ગેરંટીઓ(વચનો) આપી રહ્યા છે. આજે અમદાવાદમાં તેમણે વધુ એક ગેરંટી આપતા કહ્યું હતું એ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત સાશન આપીશું. પેપર લીક કરનાર સામે કડક પગલા ભરીશું, જો કોઈ કામ કરાવવું હોય તો સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી કર્મચારી કે અધિકારી તમારા ઘરે આવી કામ કરશે. ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે. ગુજરાતમાં 6 કરોડ જનતા કહે એમ કરીશું.
અરવિંદ કેજરીવાલે ટાઉનહોલ સંવાદમાં લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે હું કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ફરી રહ્યો છું અને લોકોને મળી રહ્યો છું, ખેડૂતો, વકીલો,વેપારીઓ, રિક્ષાચાલકોને મળ્યો છું. ગુજરાતમાં એટલો ભ્રષ્ટાચાર છે કે કોઈપણ સરકારી કામ માટે પૈસા આપવા પડે છે. જો તેની સામે બોલો તો ધમકાવે છે. દરોડા પાડે છે અને ધંધા બંધ કરાવી દેવાની ધમકીઓ આપે છે. આજે અમે ગેરંટી આપીએ છીએ કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યપ્રધાન, પ્રધાન, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ પ્રધાનને જેલ મોકલ્યો નથી.

“>

વધુમાં કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતની જનતાના રૂપિયા સ્વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્યવસ્થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમારું કામ થશે. ગુજરાતના પ્રધાનો, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તમામના માસ્ટર માઇન્ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.
ગઈકાલે સુરક્ષાના કારણોસર પોલીસે કેજરીવાલને રીક્ષામાં જતા અટકાવ્યા હતા. આ મુદ્દે કેજરીવાલે જણાવ્યું કે, આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપ જઇ રહી છે અને આમ આદમી આવી રહી છે. પોલીસનો ઇરાદો મને સુરક્ષા આપવાનો ન હતો. પરંતું મને પ્રજા વચ્ચે જતા અટકાવવાનો હતો. શુ કોઇ મુખ્યપ્રધાન રીક્ષામાં ન જઇ શકે? પોલીસ મને રીક્ષામાં સુરક્ષા ન આપી શકે?
તેમણે ગુજરાત પોલીસના ગ્રેડ પે અંગે કહ્યું કે ગુજરાત પોલીસને અન્યાય થયો છે. હું ગુજરાત પોલીસ સાથે છું. અમે ગેરંટી આપીએ છીએ. ગુજરાત પોલીસને કહું છું ખોટા ઓર્ડર સાંભળવાના બંધ કરો અને વિરોધ કરો. અમે નહીં કરીએ એમ કહી દો.
સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.