ગરબાના પર GST મામલે AAP કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, નિર્ણય પાછો ખેંચવા માંગ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

નવરાત્રી શરુ થવામાં બે મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહનો માહોલ છે. પરંતુ આ વર્ષે સરકારે ગરબાના પાસ પર નાંખેલ 18% GSTને કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાતના લોક નૃત્ય ગરબાનાં પાસમાં પણ હવે GST વસુલવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટી(AAP)એ વિરોધ દાખવ્યો છે. ગરબાના પાસ પર GST પાછો ખેંચવાની માંગ સાથે AAPના કાર્યકર્તાઓ અને નેતાઓ અમદવાદ, સુરત, રાજકોટ,વડોદરા, જુનાગઢ, વલસાડ અને જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અમદાવાદમાં ગરબાના પાસ પર GST લગાવવાને લઇ AAPનાં કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નરોડા વિધાનસભા વિસ્તારમાં નોબલનગર ત્રણ રસ્તા પાસે આમ આદમી પાર્ટીના જાહેર કરાયેલા ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીની આગેવાનીમાં કાર્યકરોએ ગરબા રમી અને બેનરોની સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. લૂંટારું બની ભ્રષ્ટ સરકાર, ગરબા રમવા પર GSTનો માર, ગુજરાતની પરંપરાનું અપમાન સાંખી નહિ લેવાય, ગરબા પર ટેક્સ લગાવી ગુજરાતની અસ્મિતા દુભાવી કહી વિવિધ બેનરો સાથે ગરબાના પાસમાં જીએસટી લાગુ કરવા મામલે વિરોધ દર્શાવ્યો હતો.

સુરતમાં પણ AAP કાર્યકર્તાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબા રમી વિરોધ કર્યો હતો. વેડરોડ વિસ્તારમાં આવેલા બહુચરાજી માતાના મંદિરના પ્રાંગણમાં AAPમાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. કાર્યકર્તાઓએ ગરબા રમી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે કોર્પોરેટર સહિત 40થી 50 જેટલા AAP કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી પોલીસ બસમાં બેસાડી અટકાયત કરી હતી.

“>

રાજકોટના કિસાનપરા ચોકમાં આમ AAPના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આપ આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને ગરબામાં લગાવેલો GST પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીનાં 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

આપ આગેવાનોએ જણાવ્યું હતું કે, હિન્દુત્વનાં મોટા બણગા ફૂંકતી ભાજપ સરકારે હિન્દુઓનાં મહત્ત્વના તહેવાર એવા નવરાત્રિનાં ગરબામાં પણ GST લગાવી લોકોને લૂંટવાનો નવો કારસો ઘડ્યો છે. નવરાત્રિમાં મા અંબેની આરાધના કરવાનો પર્વ છે અને તેમાં ગુજરાતીઓ ગરબા રમીને માની પૂજા અર્ચના કરતા હોય છે. સરકારને કમાણી કરવાની એટલી લહાય છે કે ગરબાના પાસ પર પણ 18% લાગુ કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.