આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાએ એસટી ડેપોની મુલાકાત લીધી હતી. ત્યાંના લોકોને પરિવહનમાં થતી સમસ્યાઓ વિશે તેમણે ચર્ચા કરી હતી અને ત્યાં હાજર અધિકારીઓને સત્વરે પગલાં લેવા જણાવ્યું હતું. તેમની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાની જાણકારી સામે આવી હતી.
ડેડીયાપાડાના ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓએ અપડાઉન કરવામાં પડતી મુશ્કેલીઓની રજુઆત વિધાનસભ્યને કરી હતી. જેને ધ્યાનમાં લઇ વિધાનસભ્ય ચૈતર વસાવા એસ.ટી. ડેપોની સરપ્રાઈઝ મુલાકતે પહોંચ્યા હતા.
AAP વિધાનસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના 20 હજાર કરોડના બજેટમાંથી બસો ફાળવેલ છે તે બસો ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ?”
તેમણે વધુમાં કહ્યું કે નવી બસો મંત્રીઓ ના કાર્યક્રમોમાં ફાળવી દેવામાં આવે છે. તૂટેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડે છે.
આવનાર સમયમાં ટ્રાઈબલ બજેટમાંથી ફાળવેલ બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપો એ જઈ ડેપો બંધ કરવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી.