AAPએ દિલ્હીના ઉપરાજ્યપાલ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, સંજય સિંહે દિલ્હીના LGની લિગલ નોટિસ ફાડી નાખી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે સક્સેનાએ ખાદી અને ગ્રામોદ્યોગ સમિતિ(KVIC)ના અધ્યક્ષ રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. AAP નેતાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને બરતરફ કરવાની અને ધરપકડ કરવાની તથા CBI અને ED દ્વારા આ મામલાની તપાસ કરાવવાની માંગ કરી છે. આ પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાએ આરોપો લગાવવા બદલ AAPના પાંચ નેતાઓને લિગલ નોટિસ મોકલી છે. પ્રેસ કોન્ફરન્સમાં આ લીગલ નોટિસ ફાડી નાખતા સંજય સિંહે કહ્યું કે ભારતનું બંધારણ મને સત્ય બોલવાનો અધિકાર આપે છે.

“>

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે સોમવારે આરોપ લગાવ્યો હતો કે ખાદી ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ના અધ્યક્ષ રહેતા વિનય કુમાર સક્સેનાએ તેમની પુત્રી શિવાંગી સક્સેનાને મુંબઈમાં ખાદી લાઉન્જ ડિઝાઇન કરવા માટે 80 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સક્સેનાએ ચેરમેન રહીને નોટબંધી સમયે કરોડો રૂપિયાની ગેરરીતિ કરી હતી. આ આરોપો બાદ ઉપરાજ્યપાલના વકીલે AAPના 5 ટોચના નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઉપરાજ્યપાલ વિરુદ્ધ ખોટી અને ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. ખોટા અને અપમાનજનક નિવેદનો બંધ કરવા જોઈએ. તાત્કાલિક અસરથી 48 કલાકમાં નેતાઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
નોટીસ મળ્યા બાદ સંજય સિંહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર વધુ ગંભીર આરોપ લગાવ્યા હતા. આ આરોપો ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ સાથે પણ સંબંધિત છે. તેમણે કહ્યું કે ખાદી ગ્રામોદ્યોગમાં 4 લાખ 55 હજારથી વધુ કારીગરો સિલાઈ અને વણાટનું કામ કરે છે. તેમને રૂપિયા ચૂકવવામાં કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ કૌભાંડ કરોડો અને અબજો રૂપિયાનું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કારીગરોને ચેક અથવા બેંકો દ્વારા ચૂકવણી કરવામાં આવતી ન હતી. જેની સામે આ કર્મચારીઓએ પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 2016માં ખાદી ગ્રામોદ્યોગને કહ્યું હતું કે કારીગરોને કોઈ ચુકવણી રોકડમાં ન કરવી.
AAP નેતાએ કહ્યું કે કોર્ટના આદેશ પર 1 લાખ 93 હજાર 598 કારીગરોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે 2.5 લાખથી વધુ કારીગરોના ખાતા ખોલવામાં આવ્યા નથી. તેમણે આવા કર્મચારીઓને ઘોસ્ટ એમ્પ્લોઇઝ ગણાવ્યા. તેમણે કહ્યું કે વીકે સક્સેના આ ઘોસ્ટ એમ્પ્લોઇઝને આપેલા પૈસા ખાઈ ગયા.
તેમણે કહ્યું કે આ મામલાની તપાસ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા કરવામાં આવી હતી. સીવીસીને તપાસમાં જાણવા મળ્યું કે જે ખાતામાં માત્ર બે-ત્રણ લાખ રૂપિયા હતા, તે ખાતામાંથી બે-ત્રણ કરોડ રૂપિયાના ચેક કપાયા હતા. AAP નેતાએ આરોપ લગાવ્યો કે CVCએ જ્યારે ચેકબુક માંગી ત્યારે જણાવવામાં આવ્યું કે ચા ઢોળવાના કારણે ચેકબુક ખરાબ થઇ ગઈ છે. વિનય કુમાર સક્સેનાએ ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ તરીકે 6 માર્ચ 2018ના રોજ દિલ્હીના સ્પોર્ટ વિલેજમાં 23 કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ખરીદવાની યોજના બનાવી હતી. કમિશનના સભ્ય રાજેન્દ્ર કુમાર ગુપ્તાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ આરોપોના આધારે AAP નેતાએ વિનય કુમાર સક્સેનાને નંબર વન ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ અપાવો જોઈએ કે આવા ભ્રષ્ટ વ્યક્તિને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કેમ બનાવવામાં આવ્યા. તેમણે CBI અને EDને આ આરોપોની તપાસ કરવાની અને સક્સેનાની ધરપકડની માંગ કરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડી નાખી હતી. તેમણે કહ્યું કે હું કોઈ ભ્રષ્ટ વ્યક્તિની નોટિસથી અટકવાનો નથી. તેમણે કહ્યું કે ભારતનું બંધારણ મને સત્ય બોલવાની સ્વતંત્રતા આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.