કોઈપણ રાજ્યની પ્રગતિની પારાશીશી શું હોય શકે…ત્યાંની ઊંચી ઈમારતો…મોલ્સ, રાજ્યમાં સરકારી ખર્ચે થતાં તાયફા, રાજનેતાઓના ભાષણ કે પછી બાંધવામાં આવેલા એક બે બ્રીજ કે ગાર્ડન્સ. રાજ્યની પ્રગતિના માપદંડ બે વિભાગ હોઈ શકે. એક તો અહીંની શૈક્ષણિક સંસ્થાઓ અને બીજી અહીંની આરોગ્ય વ્યવસ્થાઓ. હા, માળખાકીય સુવિધાઓ, પાણી, વીજળી, સ્વચ્છતા, વેપાર-ધંધા બધુ જ મહત્વનું, પણ શિક્ષણ અને આરોગ્યની પાયાની સુવિધાઓ જો રાજ્યમાં ઉત્તમ નહીં તો સામાન્ય કક્ષાની પણ ન હોય ત્યારે તે રાજ્યને પ્રગતિશીલ કહેવું અવિચારી જ કહી શકાય. અને વળી પાછું એ રાજ્ય દેશનું મોડેલ રાજ્ય હોય ત્યારે તો ખૂબ જ જરૂરી છે કે અહીં પાયાની સુવિધાઓમાં કોઈ સમાધાન ન હોય. પણ હકીકત કંઈક અલગ છે. ગુજરાતમાં સરકારી શિક્ષણ વ્યવ્સથાની માળખાકીય સુવિધા અને ગુણવત્તા બન્ને કથળેલા છે અને તેના પુરાવા વારંવાર બહાર આવતા હોય છે. આવો જ એક પુરવો છે ખેડા જિલ્લાના અલીન્દ્રા ગામની આ ચાર જર્જરીત આંગણવાડીઓ. ચરેડી, સિકોતર મંદિર પાસેની, સેનવા વાસની ગુજરાતી શાળાની આંગણવાડી ચારેય આંગણવાડીઓમાં કુલ 100 જેટલા નાના ભૂલકાઓ આવે છે અને શિક્ષણનો પહેલો પાઠ ભણે છે. આ ભૂલકાઓ જે ઈમારતોમાં બેસે છે તે જર્જરીત છે, પોપડા ઉખડે છે, વરસાદમાં પાણી ભરાઈ છે. સ્વચ્છતાની વાત કરવા જેવી જ નથી. પીવાના પાણીની સુવિધા નથી. ટોયલેટ નથી, બાળકો ખુલ્લામાં જવા મજબૂર બને છે.
અહીંના સામાજિક કાર્યકર રાજ પટેલે આ અંગેની માહિતી શેર કરી છે. મુંબઈ સમાચાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ અંગેની રજૂઆત વારંવાર કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. અહીંના બાળકો સહિત આંગણવાડીમાં કામ કરતી આશાવર્કરની પણ દયનીય હાલત હોય છે. નીચેના અધિકારીઓ ઉપરી અધિકારીઓ પર બધું ઢોળી હાથ ઊંચા કરી દે છે. આ અંગે એક અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં નાણાં પંચ દ્વારા જે ગ્રાન્ટ મળતી હોય તેનું બચત ફંડ અમારી પાસે હોય છે. આ બચત ફંડમાંથી અમે આ આંગણવાડીઓનું સમારકામ કરવાનો પ્રસ્તાવ ટૂંક સમયમાં મૂકીશું.
મુંબઈ સમાચારને મળેલી માહિતી અનુસાર રાજ્ય કે કેન્દ્ર સરકાર આંગણવાડીઓની જાળવણી કે સમારકામ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવતી નથી. આથી મનરેગા કે અન્ય સ્કીમના ફંડની કન્વર્ઝ્ડ ગ્રાન્ટ વપરાતી હોય છે.
કારણ ગમે તે હોય બાળકો હાલમાં અસુવિધા અને અસુરક્ષા વચ્ચે ભણી રહ્યા છે. નાના ભૂલકાના માતા-પિતાના સાહસને સલામ કરવી પડે કે આવી જર્જરિત ઈમારતોમાં તેઓ ભૂલકાઓને મોકલે છે. દરેક વખતે દેશના ભવિષ્ય માટે શિક્ષણ લેવાની વાત થાય છે. બાળકોને ભણાવવાની વાતો થાય છે, પરંતુ આમ જીવના જોખમે ભણવાનું….અસુવિધાઓમાં ભણવાનું…અસ્વચ્છતા વચ્ચે ભણવાનું…