આનન-ફાનન – પાર્થ દવે

આપણી પાસે કંઈક ઓછું છે એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? બીજા પાસે કેટલું વધારે છે તેના આધારે!
—-
ખુદ્દારી અને ખુમારી પર બહુ બધાં ગીતો લખાયાં, ગઝલો લખાઈ, કવિતાઓ લખાઈ. વાર્તાઓ પણ જુદી જુદી ભાષા અને દેશમાં લખાઈ. એવી ઘણી લોકવાયકાઓ છે જેમાં રાજા હોય કે રંક, તેમના બહાદુરીના કિસ્સાઓ બડા અભિમાનથી કહેવાતા હોય છે. ગર્વ સાથે તેમનું નામ લેવાતું હોય છે. એમને આપણે ઓળખતા નથી, મળ્યા નથી, છતાંય નામ સાંભળીને છાતી ગજ ગજ ફૂલી જાય છે. આવા વાસ્તવિક કિસ્સાઓ પણ આપણી આસપાસ અસ્તિત્વ ધરાવે છે. તેઓ પોતાની બહાદુરી અને પરાક્રમ રણસંગ્રામમાં નથી દેખાડી શકતા, પણ રોજબરોજની જિંદગીમાં તેઓ જંગ જીતે છે. તેઓ પળેપળ લડી રહ્યા છે, લડી લડીને જીવી રહ્યા છે, શ્ર્વસી રહ્યા છે. સૌથી મોટું યુદ્ધ તેમનું કુદરત સાથે હોય છે, પોતાની સાથે હોય છે.
નાનાથી મોટા થયા એ દરમ્યાન તમે ઘણા માણસો જોયા હશે જેમના શરીરમાં કંઈક ખોડ-ખાંપણ હોય. કોઈનો પગ ટૂંકો હોય તો કોઈ ઓછું સાંભળતું હોય. કોઈને આંખે નંબર નવ-દસ-અગિયાર હોય જેના કારણે જાડા કાચવાળાં ચશ્માં પહેરતા હોય. કોઈ છોકરા કે છોકરીના વાળ ઓછા હોય, ખરતા હોય, નાનપણથી સફેદ થઈ ગયા હોય. કોઈ બોલવામાં હકલાતું (સ્ટેમરિંગ) હોય, આંખો સતત પટપટાવતું હોય, કોઈની ખૂંધ બહાર નીકળી આવી હોય, શરીરે કોઢ હોય. આ બધી તકલીફો કુદરતની દેન છે, તેમણે પોતે માગી નથી. આનાથીય વિશેષ ને વિચિત્ર તકલીફો હોઈ શકે છે. હોય છે. નાનપણમાં મા-બાપને ચિંતા થાય, નિદાન કરાવે, માનતાઓ માને ને પછી જેણે આપી છે તે ભગવાનને ભરોસે મૂકી દે. બાળક મોટું થાય, ‘માણસ’ થાય અને એ પણ સ્વીકારતો થઈ જાય.
પણ માર્ક કરજો આવા લોકોમાં, રાધર, આમનામાંથી મોટા ભાગના લોકોમાં લઘુતાગ્રંથિનાં લક્ષણો દેખાશે. નાનપણમાં બોલવામાં અચકાતું છોકરું જાહેરમાં કે બેથી ત્રણ વ્યક્તિ વચ્ચે પણ મોકળાશથી નહીં બોલી શકે. પગે તકલીફ હોય એ વ્યક્તિ જાહેરમાં આવવાનું-બોલવાનું હંમેશ ટાળશે. શરીરમાં બાહ્ય ભાગમાં દેખીતી તકલીફ હોય એ દરેક છોકરાને કોલેજ-સ્કૂલ લાઈફ વિશે પૂછજો. તેઓ પળેપળે ગિલ્ટ ફીલ કરતા હોય છે. આ દુનિયા વચ્ચે તેમને એબ્નોર્મલ લાગતું હોય છે. ‘વિકલાંગ’ શબ્દ તેમના મગજમાં ઘૂસી ગયો હોય છે. જેને હવે ભારતમાં ‘દિવ્યાંગ’ કહેવામાં આવે છે!
મેં ઉપર વાત કરી તે ઍક્શન છે, કુદરતની ઍક્શન છે. તેણે જે કર્યું તે ખરું! મારે જે કહેવું છે તે મુદ્દો હવે આવે છે: આપણા હાથમાં રિઍક્શન છે! આ બધો પ્રતિક્રિયાનો ખેલ છે.
જીવન આપ્યું છે તે જીવવાની તાકાત આપે જ, ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય. લેખ સાથે જે ફોટો છપાયો છે તે પિકેટ કાર્સનનો છે, જેણે અકસ્માતમાં એક હાથ ગુમાવી દીધો છે. તે અમેરિકાની ફૂટબોલ ક્લબ ઓર્લેન્ડો પ્રાઈડ ટીમ વતી રમે છે અને ડિફેન્ડરની પોઝિશનમાં રમે છે! મેદાનમાં સખત ચપળ રહે છે.
આપણી પાસે કંઈક ઓછું છે એ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? બીજા પાસે કેટલું છે તેના આધારે! કાર્સન પિકેટ કહે છે કે ‘ડિસેબિલિટી મને અત્યંત નિષ્ઠુર શબ્દ લાગે છે. એ શબ્દ તમને પાછળ ધકેલી દે છે. હતોત્સાહ કરી નાખે છે. હું તેને બદલે ‘યુનિક’ શબ્દ વાપરીશ. દરેક વ્યક્તિ યુનિક છે, હું પણ છું! હું અલગ છું, વિકલાંગ નહીં! મારા હાથ બીજા કરતાં અલગ છે.’ કાર્સન આગળ કહે છે, ‘અલગ હોવું તેને ડિસેબલ ન કહેવું જોઈએ.’ કાર્સન પિકેટની ટીમ ઓર્લેન્ડો પ્રાઈડમાં રમનારા અન્ય ખેલાડીઓનું પણ કહેવું છે કે એવી એકપણ બાબત નથી જે અમે કરી શકતા હોઈએ અને કાર્સન ન કરી શકતી હોય! તે ટીમની ડિફેન્ડર છે, એથી વધારે બીજું શું કહેવું?!
આ છે આત્મબળની તાકાત. પહેલું રિઍક્શન છે કે જે નથી એ વિશે જ વિચાર્યા કરો અને બીજું છે જે કાર્સન પિકેટે અપનાવ્યું છે તે. તેને એક વખત પૂછવામાં આવ્યું હતું કે તું એક હાથે આ બધું કેમ કરી શકે છે? તેણે તરત સામે જવાબ આપ્યો હતો કે તમે બે હાથે બધું કઈ રીતે કરી શકો છો? એ જ રીતે!
પૂછનારને ખબર નહીં હોય કે કાર્સનને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે નેવર સે નો. આ મારાથી નહીં થાય એવો શબ્દ કાર્સનની ડિક્શનેરીમાં જ નથી.
કાર્સન પિકેટ, કહ્યું એમ, અમેરિકામાં નિયમિત સોકર રમે છે. તેને મોટિવેશનલ પર્સન કે પ્રેરણા આપવાવાળું નહોતું બનવું, પરંતુ મદદરૂપ થઈ શકે તે હેતુથી યુનિક બાળકો માટે કામ કરતી એક નોન પ્રોફિટ એનજીઓ સાથે જોડાઈ, જેઓ ૩ડી લિમ્બ (પ્રોસ્થેટિક હાથ-પગ) બનાવતી હતી. કાર્સન કહે છે કે ‘હું નાની હતી ત્યારે લોકો મને ટીકી ટીકીને જોયા કરતા. હું પરેશાન થઈ જતી! પણ હું મોટી થતી ગઈ એમ ખ્યાલ આવતો ગયો કે એ લોકો માટે હું અલગ છું માટે કુતૂહલવશ જુએ છે! સમય જતાં હું યુઝ્ડ ટુ થઈ ગઈ. હવે મને કોઈ ચિંતા નથી!’
તે કહે છે કે હું રમતની દુનિયાની બહાર મારી જિંદગીમાં પણ એટલી જ સફળ છું.
***
પહેલી મૂળ વાત રિઍક્શનની છે. તમે કેવા પ્રતિભાવ આપો છો એના પર તમારાં સુખ-દુ:ખનો આધાર રહેલો છે અને બીજી વાત, જેમને શારીરિક કે માનસિક પ્રશ્ર્નો-તકલીફો હોય તેમના પરત્વે આપણા
વર્તનની છે. તમે તેમને કઈ રીતે જુઓ છો? રસ્તે બાજુમાંથી પસાર થાય ત્યારે બીજા ગ્રહના પ્રાણીની જેમ જુઓ છો કે નોર્મલ વર્તન કરો છો કે દયા ખાઓ છો? આ બહુ મહત્ત્વનું અને જરૂરી છે, કારણ કે આપણા વર્તનથી તે વ્યક્તિની મન:સ્થિતિને અસર થતી હોય છે. ઉ

 

Google search engine