બાળકોને શીખવવું એ કોઈ પગાર લઈને કરવામાં આવતું કામ ન હોઈ શકે!

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

આ એ વ્યક્તિઓ છે જેમણે આપણને જીવતા શીખવાડ્યું છે, શીખતા શીખવાડ્યું છે. ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગુજરાતી એ બધા વિષયો તો ખરા જ, પણ જાણે-અજાણે જિંદગી જીવતા આપણે સ્કૂલમાં શીખતા હોઈએ છીએ.
——————
વર્ષો સુધી કચ્છના અબડાસામાં માધ્યમિક શાળાના શિક્ષક તરીકે નોકરી કરી. પછી બઢતી અને બદલીઓ થઈ. વર્ષો પછી, આથમતી નોકરીએ અમદાવાદના એક મોલમાં ફરતા એ ભૂતપૂર્વ શિક્ષકને એક વિદ્યાર્થી મળી ગયો! ‘સાહેબ સાહેબ’ કરતો જાય અને પોતાના વિદ્યાર્થીકાળને વાગોળતો જાય. ‘તમે આવતા, અમને વઢતા, મારતા, ભણાવતા, વગેરાહ વગેરાહ! સાહેબ તો મોટા થયા. ઑલમોસ્ટ ભૂલી ચૂક્યા હોય. નામ-ઠામ કંઈ જ યાદ ન હોય, પણ વિદ્યાર્થીની આંખોમાં સચ્ચાઈ દેખાય. તે હૃદયના ઊંડાણમાંથી બોલે છે તે કળાય.
આ સત્યઘટના છે અને દુનિયાના કોઈપણ ખૂણામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માણસ માટે પણ એટલી જ સાચી છે. એકચ્યુલી કોઈપણ વ્યક્તિ, કહો કે કર્મચારી શિક્ષક તરીકે ફરજ ન બજાવી શકે, એ તો ‘શિક્ષક હોય’. મારા મતે બાળકોને શીખવવું એ કોઈ પગાર લઈને કરવામાં આવતું કામ ન હોઈ શકે!
વિદ્યાર્થી સ્કૂલ દરમિયાન ગમે તેટલો તોફાની, નઠારો, નાલાયક હોય, પણ ભણ્યા પછી, ધંધા-નોકરીમાં આગળ વધ્યા પછી જ્યારે તેના શિક્ષકને મળે ત્યારે એટલો જ વિનમ્ર થઈ જાય! સ્કૂલમાં શિક્ષકોને ફટકારવાના પ્લાન બનાવનાર વિદ્યાર્થીઓ સાહેબને જોતાંવેંત પગે પડી જતા હોય છે, એ પણ દિલથી!
***
વર્ષો પછી કોઈ રિસેપ્શન, પ્રોગ્રામ કે ફંક્શનમાં અનાયાસે મળી જતા શિક્ષકોને જોઈને, તેમના આશીર્વાદ લઈને આનંદ આવી જાય. આ એ વ્યક્તિઓ છે જેમણે આપણને જીવતા શીખવાડ્યું છે, શીખતા શીખવાડ્યું છે. ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ગુજરાતી એ બધા વિષયો તો ખરા જ, પણ જાણે-અજાણે જિંદગી જીવતા આપણે સ્કૂલમાં શીખતા હોઈએ છીએ. શાહબુદ્દીન રાઠોડ કહે છે તેમ, શીખતા શીખવે તે સાચો શિક્ષક.
પરમ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હતો. તેમણે કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈની પ્રેસિડેન્સી કૉલેજમાં મલયાલમ ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. તેમના અને તમામ શિક્ષકોના માનમાં ભારતમાં ‘શિક્ષક દિન’ ઉજવાય છે. ‘શિક્ષક દિન’ ઉપર નિબંધ કે એ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષક બની છોકરાઓને ભણાવે તથા વિધવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. એટલું સારું છે કે શિક્ષક દિને સરકારી રજા જાહેર નથી કરાઈ!
સ્કૂલ કે કૉલેજની લાઈફ જ વિદ્યાર્થીઓ માટે અદ્ભૂત અને સોનેરી હોય છે. વિચિત્ર વાત એ છે કે તે આખી જિંદગીનું સંભારણું બની રહેવાની છે તેવી તેમાંથી પસાર થતી વખતે તો કલ્પના પણ નથી હોતી! સ્કૂલના શિક્ષકો અને કૉલેજના પ્રોફેસરો પછી કારકિર્દીની આપાધાપીમાં ક્યાંક કોઈ પ્રસંગે કે વળાંકે અચાનક યાદ આવી જાય છે. ‘અમારા સાહેબ સાચું કહેતા હતા, એ જ સાચા હતા, ભલે મારતા પણ સારા હતા’ પ્રકારના અગણિત વાક્યો મોટા થઈ ગયેલા વિદ્યાર્થીઓ બોલ્યા હશે. ચંદ્રકાંત બક્ષીએ દસ વર્ષ એક કૉલેજમાં ભણાવ્યું. બે વર્ષ અન્ય એક કૉલેજમાં પ્રિન્સિપાલ રહ્યા, ત્યાં પણ લગભગ દરરોજ ક્લાસ તેઓ લેતા. બક્ષી સાહેબ જેવું લખતા તેવા જ દમદાર વક્તા હતા. આત્મકથા ‘બક્ષીનામા’ના ૨૨૪મા પાને તેઓ લખે છે: “ભણાવવાનું મને ગમતું હતું. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આવીને લેક્ચર આપવું એ એક એવી પ્રવૃત્તિ હતી જેમાંથી મને એકસો ટકા સંતોષ મળ્યો છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીથી આત્મીયતા થઈ છે. યુવા-માનસને કંઈક સમજવા જેટલી યોગ્યતા મેં પ્રાપ્ત કરી છે. શીખવવું એ એક એવી પ્રક્રિયા છે જે શીખવનારને શીખવે છે. અધ્યાપનમાં અધ્યયન પણ આવી જાય છે.
***
ગામડામાં શિક્ષકને ‘માસ્તર’ કહે. તેનું અત્યંત માન. ગામની કોઈ મોભાદાર વ્યક્તિ પણ શિક્ષકની સલાહ લે. વિદ્યાર્થીઓથી કરીને ગામના કરિયાણાવાળા સહિતના તમામ દુકાનદારો પણ તેમને રિસ્પેક્ટ આપે. આ માન ‘આપણા છોકરાને ભણાવે છે’ માટેનું માન હોય. વિનોદ ભટ્ટનું સોટી વાગે ‘ચમચમ’ નામનું પુસ્તક છે. તેમાં તેમણે ભાવનગરના શિક્ષક નાનાભાઈ ભટ્ટનો એક કિસ્સો લખ્યો છે. નાનાભાઈ ભટ્ટે એક કૂતરી પાળી હતી. ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તે જોઈ અને ગમી ગઈ. ૪૦થી ૫૦નું ટોળું તે લેવા પહોંચ્યું તો રસ્તામાં નાનાભાઈની પાસે ભણતા વિદ્યાર્થીઓ મળ્યા. તેમણે વાત જાણી અને નાનાભાઈને આગોતરી જાણ કરી. નાનાભાઈએ શિકારીને કહ્યું કે, આ કૂતરી છોકરાઓને જીવ જેટલી વહાલી છે એટલે નહીં આપી શકું. તમે રાજાને વાત કરી દો. પણ પેલો ન માન્યો.
નાનાભાઈ પહોંચ્યા ફોજદાર પાસે અને ત્યાં વાત કરી. અંતે રાજાને ખબર પડી કે આ કૂતરી તો માસ્તરના વિદ્યાર્થીઓની પાળેલી છે ને પ્રાણથી અધિક પ્યારી છે! પોતાના વિદ્યાર્થીઓને રડાવી માસ્તર કૂતરી થોડી આપે? તેમણે માંડી વાળ્યું. વિનોદ ભટ્ટ લખે છે: બાકી સૌરાષ્ટ્રમાં તો કૂતરાની જાન જોડવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખનાર રાજા જીદે ચડ્યો હોય તો એક માસ્તરના જીવની શી વિસાત! પણ સમાજમાં માસ્તરનું વિશિષ્ટ સ્થાન, નાના-મોટા માણસો પર તે પ્રભાવ પાથરી શકે. રાજા હોય કે લૂંટારા, બંને શિક્ષકોનું માન જાળવતા. અને શિક્ષકો રાજાનો કુંવર હોય કે અતિ સામાન્ય કુટુંબનો પુત્ર હોય તો પણ બંનેને સમાન ભાવથી ભણાવતા.’
***
શિક્ષકોનું કામ પગારથી પર છે. ટ્યુશન, પ્રાઈવેટ ક્લાસિસ, પ્રાઈવેટ સ્કૂલ એ બધું ધંધા જેવી અભ્યાસમાં પણ માર્ક્સ લાવવાની ગળાકાપ સ્પર્ધાના કારણે પછી આવ્યું, પહેલા તો નાનાં બાળકોને સાચવતા શિક્ષકો. તેમને છોકરામાંથી સમજુ માણસ બનાવતા શિક્ષકો. પોતાના વિષયમાં માહેર હતા શિક્ષકો.
હવે વ્યાખ્યાઓ બદલાઈ ચૂકી છે. કોઈપણ સંજોગોમાં સિલેબસ પૂરું કરવા માટે આવતા શિક્ષકો, સંપૂર્ણ નિષ્ઠાથી પક્ષપાત કરતા, નબળા એટલે કે જવાબ ન આપી શક્તા વિદ્યાર્થીઓને કુટતા, ભણાવવા સિવાયની તમામ વાતો કરતા, દાખલાની ગણતરી ભૂલી જાય તો સ્ટાફ રૂમમાં ગાઈડ ખોલીને બેસતા, મગજનો કાબૂ ગુમાવીને મારી બેસતા, ચાલુ ક્લાસે મોબાઈલમાં વાતો કરતા અને વિદ્યાર્થીઓને મોબાઈલ લઈ આવવા માટે પ્રેરણા આપતા અને તેમના મોબાઈલ સાચવતા, બીજું કંઈ ન મળ્યું તો પ્રાઈવેટ સ્કૂલમાં જઈ બેઠેલા, વગેરે તમામ શિક્ષકોને પણ શુભેચ્છાઓ.
પણ… સોનું નકલી હોય તો સાચું પણ હોય જ. સાચા શિક્ષકો પણ છે જ. મેં જોયા છે. તમે પણ. તેમને મનોમન વંદન કરજો!ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.