આનન-ફાનન – પાર્થ દવે
દુનિયા પર રાજ કરી શકતી વ્યક્તિ પોતાના વિચારો પર રાજ કરી શકે છે ખરી?
—
…તો બીજાને સુધારવાનું બંધ કરીએ! અને સૌથી પહેલા પોતે સુધરીએ. નવું વર્ષ વધુ સરળ અને શાંત થાય તે માટેના આઠ મહત્ત્વના મુદ્દા રજૂ કર્યા છે.
અમુક પ્રાણીઓ મનુષ્ય કરતાં શરીરે મોટા છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આ વિશાળ જગતમાં મનુષ્ય સર્વ પ્રાણીઓ કરતાં શક્તિશાળી છે. તે તેનાથી કદાવર, મોટા, તાકાતવાન પ્રાણીઓ પર રાજ કરે છે. ઝૂ બનાવે છે. સર્કસ ચલાવે છે. પણ મનુષ્ય પોતાના પર રાજ કરી શકે છે ખરો? ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ’ નામનો શબ્દ આપ્યો. દુનિયા પર રાજ કરી શકતી વ્યક્તિ પોતાના વિચારો પર રાજ કરી શકે છે ખરી?
નવા વર્ષે આ દિશામાં ડગલું આગળ વધવું છે. જીવનમાં ખુશ રહેવા માટે બહુ મોટી સફળતા કે અચિવમેન્ટ્સની બદલે નાની નાની બાબતો મહત્ત્વ રાખતી હોય છે. સિબીલ એફ. પાર્ટિજે લખેલી એક કવિતા છે. ‘જસ્ટ ફોર ટુ-ડે’ નામની તે કવિતામાં જિંદગી સરળતાથી જીવી શકીએ તે માટેની નાની, પણ મહત્ત્વની, જડીબુટ્ટીઓ આપેલી છે. તેનો ભાવાનુવાદ કરી, સાર કાઢી, મૂળ વાતો અહીં રજૂ કરું છું.
આજના દિવસ માટે હું પરિસ્થિતિને અનુરૂપ થવાનો પ્રયત્ન કરીશ. આજે હું તમામ બાબતો મારી ઈચ્છાઓ મુજબ નહીં કરું. મારુ કુટુંબ, વ્યવસાય અને મારું નસીબ જે રીતે મારી સામે આવશે તે રીતે હું મારી જાતને ગોઠવીશ.
આજના દિવસે હું મારા શરીરનું ધ્યાન રાખીશ. કસરત કરીશ. યોગ્ય ખોરાક લઈશ. બેદરકારી કે બેકાળજી નહીં રાખું.
આજના દિવસે હું કંઈક કામ લાગે તેવું શીખીશ. કંઈક સારું વાંચન કરીશ.
મને જે અઘરું લાગે છે તે હું આજે કરીશ. મારા આત્મા માટે હું અન્ય કોઈની મદદ કરીશ. બની શકે તો તેની વાત બીજા કોઈને નહીં કરું.
આજે હું, માત્ર ‘આજનો દિવસ’ જીવીશ. મારી આખી જિંદગીની સમસ્યાઓ આજે સોલ્વ નહીં કરું.
આજે હું અડધો કલાક એવો કાઢીશ જ્યારે ફક્ત અને ફક્ત હું મારી સાથે જ હોઉં. અને આ અડધા કલાકમાં હું પ્રભુના વિચારો કરીશ. કુદરતનો આભાર માનીશ. આજે હું સુખી થવાના ખ્યાલથી ડરીશ નહીં. અને જે સુંદર છે તેને માણીશ. માણવાનો પ્રયત્ન કરીશ.
અહીં જ્યોર્જ બર્નાડ શોનો એક ક્વોટ યાદ આવે છે. તેમણે કહ્યું છે કે, ‘ફુરસદના સમયમાં બેઠા બેઠા વિચાર કર્યા કરવો કે આપણે સુખી છીએ કે નહીં, તેમાં જ દુ:ખી થવાનું રહસ્ય છુપાયેલું છે.’ આજકાલ માણસોને યાદ અપાવવું પડે છે કે, તમને જે પ્રશ્ર્ન મૂંઝવી રહ્યા છે, સતાવી રહ્યા છે, છેલ્લા કેટલાય દિવસોથી તમે જે પ્રશ્ર્નોના ઉકેલ માટે મથી રહ્યા છો, તેનાથી હેરાન પરેશાન છો, તે બાકીના લોકો માટે રૂટિન લાઇફ છે! બહાર નીકળો એટલે જરા નજર નાખો. લોકોની સર્વાઈવલ માટે દોડતી જિંદગી
જુઓ.. આટલું કહ્યા બાદ છેલ્લો મુદ્દો કહેવો છે. જે આજની – સોશિયલ મીડિયા જનરેશન માટે અત્યંત કામનો છે.
આજના દિવસ માટે હું બધાને પસંદ પડું તેવો બનીશ. હું ધીમા અવાજે વાતો કરીશ. વિવેકપૂર્વક વર્તીશ. કોઈ વખાણ કરે તો સામે વિનમ્રતાપૂર્વક વર્તન કરીશ. કોઈની ટીકા નહીં કરું અને કોઈ ઉપર દોષ નહીં મૂકું. અને સૌથી અગત્યનું: કોઈને હુકમ નહીં કરું અને કોઈને સુધારવાનો પ્રયત્ન નહીં કરું.
બીજાને ‘સુધારવાનો’ રોગ આજકાલ બહુ ચલણમાં છે. પહેલા પણ હતો જ, પણ હમણા બહુ વકર્યો છે. સોશિયલ મીડિયાની દુનિયા હોય કે ફિઝીકલ દુનિયા દરેક વ્યક્તિ અન્યને સુધારવા મથી રહી છે. તમારે આ પોલિટીકલ પાર્ટી જ ગમવી જોઈએ કે તમારે આ જ વિચારવું જોઈએ કે તમારે ફલાણી ફિલ્મ કે સિરીઝ જ જોવી જોઈએ. આમાં બીજાને સુધારવા કરતાં પોતે સુધરવાની જરૂર છે!
ગયા વર્ષે ઑક્ટોબરમાં આવેલી ફિલ્મ ‘ડૉક્ટર જી’ના નાયકને લાગ્યા કરે છે કે, તેની મમ્મી બરાબર નથી. તે પોતાની સેલ્ફી પાડ્યા કરે છે અને ઓનલાઇન મૂકે છે. તે યુટ્યૂબ પર પોતાની રેસિપી મૂકે છે. તેના પિતા નથી. તે પોતાની મમ્મીને કહ્યા કરે છે કે, આ તમારા માટે સારું નથી. તમે આમ ન કરો. એક દિવસ ખ્યાલ આવે છે કે, પપ્પાના ગયા બાદ મમ્મીએ જ તેને કેવી કપરી પરિસ્થિતિમાં ઉછેર્યો છે. એબોર્શનની પરિસ્થિતિ વચ્ચે તેને ૯ મહિના રાખવાનું જોખમ લીધું હતું મમ્મીએ. અને હવે તેને પોતાની જિંદગી જીવવાની ઈચ્છા થઈ રહી છે તો તેમાં ખોટું શું છે?
અગાઉ મુદ્દામાં આવ્યું તેમ, આજના દિવસે કુટુંબ, ઑફિસ કે નસીબ મારી સામે જેમ રજૂ થશે તેમ હું તેમાં પોતાની જાતને ઢાળીશ – આમાં આપણો જ ફાયદો છે!