ક્ષણેક્ષણ ઉત્સવ છે

ઇન્ટરવલ

આનન-ફાનન-પાર્થ દવે

ઉત્સવમાં સ્વયં ભાગીદાર થવાનું હોય છે, મનોરંજનમાં માત્ર બીજાને જોવાના હોય છે. મનોરંજન પેસિવ છે, ઉત્સવ એક્ટિવ છે!
——————–
આ વખતની જન્માષ્ટમી તેલુગુ ભાષી ‘કાર્તિકેય-૨’ નામની ફિલ્મ જોઈને ઊજવી. કૃષ્ણ ભગવાન આપણા જીવનમાં એટલા વણાયેલા છે, ઓતપ્રોત છે કે તેઓ નથી કે છે કે ક્યારે હતા કે ક્યારે થઈ ગયા તેવા પ્રશ્ર્નો જ નથી થતા. ‘જય શ્રીકૃષ્ણ’ બોલવું એ આપણા માટે સહજ છે. દ્વારકા અને કચ્છ સહિતના ગુજરાતમાં શૂટ થયેલી ‘કાર્તિકેય-૨’ ફિલ્મ ટેક્નિકલી અત્યંત નબળી છે. કન્ટિન્યુઇટી સહિતનાં મોટાં ગાબડાં છે, પણ વિષયવસ્તુ મજબૂત છે. દ્વાપર યુગ અને આજના જમાનાને કનેક્ટ કરીને ફિલ્મમાં દર્શાવાયું છે. પૌરાણિક કથાઓ અલગ રીતે રજૂ કરાઈ છે. ફિલ્મમાં એક સ-રસ વિધાન છે કે કૃષ્ણ પૌરાણિક પાત્ર નહોતા, ઈતિહાસ હતા. તેઓ હતા.
કૃષ્ણના જીવન વિશે આપણે અલગ અલગ માધ્યમો થકી જાણતા આવ્યા છીએ. લાલો અલગ છે. કાનુડો અલગ છે. કંસવાળા કૃષ્ણ અલગ છે. મહાભારતવાળા કૃષ્ણ અલગ છે. એ પ્રેમી છે, પતિ છે, સખા છે, યોદ્ધા છે. તેમના જીવનમાં માત્ર સુખ જ નથી, દુ:ખ પણ છે. માત્ર આનંદ અને મસ્તી જ નથી, ટેન્શન પણ છે. પ્રોબ્લેમ્સ આવે છે ઘણા બધા, જેનું સોલ્યુશન એક માનવીની જેમ વિચારીને કૃષ્ણ લાવે છે.
રક્ષાબંધન, સાતમ-આઠમ, નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ આ બધા તહેવારો આવે ત્યારે એક વિચાર અવશ્ય આવે કે આ તહેવારો સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. તહેવારને આપણે ‘ઉત્સવ’ પણ કહીએ છીએ. બાહુબલી (કે કોઈ પણ) ફિલ્મમાં કંઈક મોટું થાય, કોઈનો ભવ્ય વિજય થાય ત્યારે કોઈ એક વ્યક્તિ કહે કે ‘ઉત્સવ કી તૈયારી કરો!’ આપણે ઉત્સવની પણ ‘તૈયારી’ કરીએ છીએ! અને પછી તેને ‘ઊજવીએ’ છીએ.
યાદ કરો. ઘરમાં કોઈ સારો પ્રસંગ લેવાનો હોય એ પહેલાં ચાલતી તૈયારીમાં કેટલી મજા પડે છે! લગ્ન કે જનોઈ, સીમંત પ્રસંગ કે કોઈ કથા, એ દિવસે તો બધા ભેગા થઈને આનંદ લૂંટે જ છે, એ પહેલાંથી ઘરના સભ્યો જે ઉત્સાહથી તૈયારી કરે છે, તે તૈયારીની પ્રોસેસમાં સૌને મજા આવે છે. બેશક, એકથી વધારે મગજ ભેગાં થાય એટલે ઘર્ષણ તો થવાનું જ છે, પણ એ તો – ટર્મ્સ ઍન્ડ કન્ડિશનની ફુદરડી ક્યાં નથી?!
આપણે ખ્યાલ ન આવે એ રીતે આ લોકોનું ભેગા થવું, કોઈ પ્રસંગ સેલિબ્રેટ કરવો, તે સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. સંસ્થાના કાર્યક્રમો કે જન્મદિવસની ઉજવણી પણ અલ્ટિમેટલી તો આ જ કામ કરે છે. જન્મદિવસે સોશિયલ મીડિયા પર આવતા લોકોના શુભેચ્છા સંદેશ પણ જે તે વ્યક્તિને એ દિવસ માટે સ્પેશિયલ ફીલ કરાવે છે.
કૃષ્ણ કેમ પૂર્ણ મનુષ્ય કહેવાયા? મને એક કારણ એ જડ્યું કે તેઓ દરેક ક્ષણ ઉત્સવની જેમ જીવ્યા. મનુષ્ય અત્યારે અતિ કામવાદી થઈ ગયો છે. એટલો કે જિંદગી જ તેના માટે જાણે કામ છે અને જિંદગી જો કામ છે તો આપણે તેને જલદી પૂરી કેમ કરવી તેની જ પળોજણમાં હોઈએ છીએ! આજે આપણે દરેક બાબતને, એ ચાહે ઉત્સવની તૈયારી પણ કેમ ન હોય, આપણે તેને કામમાં તબદીલ કરી નાખી છે. ‘કૃષ્ણ સ્મૃતિ’ પુસ્તકમાં ઓશો લખે છે, ‘મનુષ્ય સિવાય જગતઆખામાં ક્યાંય કામ નથી. બધી જગ્યાએ મહોત્સવ છે. પ્રતિક્ષણ મહોત્સવ ચાલી રહ્યો છે. કૃષ્ણ આ જગતના ઉત્સવને મનુષ્યના જીવનમાં પણ લઈ આવ્યા છે.’ તેઓ કહે છે કે ‘મનુષ્યનું જીવન પણ આ ઉત્સવ સાથે એક થઈ જાય.’
ઉત્સવમાં ચોક્કસ મનોરંજન છે. ઉત્સવમાં મજા પડે છે, પરંતુ ઉત્સવ અને મનોરંજન બંને અલગ બાબત છે. ઓશો એક સટિક નોંધ કરે છે. તેઓ કહે છે, ‘દુનિયામાં ઉત્સવ ઓછા થઈ રહ્યા છે. બહુ જ ઓછા. ઉત્સવની જગ્યાએ મનોરંજન આવી રહ્યું છે, જે તદ્દન ભિન્ન છે. ઉત્સવમાં સ્વયં ભાગીદાર થવાનું હોય છે, મનોરંજનમાં માત્ર બીજાને જોવાના હોય છે. મનોરંજન પેસિવ છે, ઉત્સવ એક્ટિવ છે! ઉત્સવનો અર્થ થાય: આપણે નાચી રહ્યા છીએ. મનોરંજનનો અર્થ એ થાય કે નાચી કોઈ રહ્યું છે. તે નાચ જોવા આપણે ચુકવણી કરી છે અને હવે તે નાચ જોઈ રહ્યા છીએ. પણ પોતે નાચવાનો આનંદ અને તે જોવાનો આનંદ: બંને ભિન્ન છે. આપણે એટલું બધું કામ કરીએ છીએ કે સાંજ સુધી થાકી જઈએ છીએ અને કોઈને નાચતાં જોઈને જ ખુશ થઈ જઈએ છીએ!’
ગ્રીક પુરાણકથામાં ઇઓલસના પુત્ર સિસિફસની વાત છે, જેને દુષ્કૃત્યો બદલ નરકની સજા કરવામાં આવી હતી. સજામાં શું હતું? તેને એક પથ્થર ટેકરીની ટોચ પર ગબડાવીને લઈ જવાનો હતો. જે પથ્થર ટોચ પરથી ગબડીને ફરી નીચે આવી જતો. ફરી સિસિફસ તે પથ્થર લઈને ઉપર જતો. ફ્રેન્ચ લેખક આલ્બેર કામૂએ ’મિથ ઑફ સિસિફસ’ નામનો એક તાત્ત્વિક નિબંધ લખ્યો, તેમણે આ અનંતપણે ચાલતી, નિરર્થક પ્રવૃત્તિને માનવ-પ્રવૃત્તિ સાથે સરખાવી!
આલ્બેર કામૂએ એક જગ્યાએ લખ્યું છે કે ‘એવો સમય આવશે કે માણસ પ્રેમ પણ નોકરો પાસે કરાવશે! કેમ કે તેની પાસે પોતાના માટે એટલો પણ સમય નહીં હોય. બસ, પ્રેમ કામ બની જાય એટલો વ્યસ્ત મનુષ્ય ન થવો જોઈએ. એ યાદ રાખવું કે આપણે કોઈ સિસિફસ નથી!’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.