બોલીવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આઘાતમાં, આ છે કારણ

ફિલ્મી ફંડા

બોલીવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આઘાતમાં છે. તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ પાંચ દિવસમાં માત્ર 45.46 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આવી સ્થિતિમાં નુક્સાન સહન કરી રહેલા વિતરકોએ નુક્સાનીના વળતરની માગ કરી છે.

આમિરખાન માત્ર ફિલ્મ બનાવવા પર જ પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરતો નથી, પરંતુ તે ફિલ્મના માર્કેટિંગ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. કદાચ એટલે જ તેણે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને KGF: Chapter 2 સાથે થિયેટરોમાં રિલીઝ ન કરી અને આ બેક ટુ બેક 4 રજાનો લાભ લેવાની યોજના બનાવી હતી. જોકે, તેની આ યોજના નિષ્ફળ નિવડી છે અને પરિણામ નિરાશાજનક આવ્યું છે. ફિલ્મે નફો રળવાને બદલે નુક્સાન કર્યું છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં આવી હતી. ફિલ્મે શરૂઆતના દિવસે એટલે કે રક્ષાબંધનની રજાના દિવસે માત્ર 11.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શુક્રવારે રિલીઝના બીજા દિવસે ફિલ્મે માત્ર 7.26 કરોડ રૂપિયાનો અને ત્રીજા દિવસે (મહિનાનો બીજો શનિવાર) ફિલ્મે 9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

રવિવારે ફિલ્મના કલેક્શનમાં થોડો વધારો થયો હતો. ફિલ્મે 10 કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો. જોકે, 15 ઓગસ્ટ, સોમવારે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની કમાણીમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફિલ્મે માત્ર 7.5 કરોડ રૂપિયાનો જ વકરો કર્યો હતો. આમ આ ફિલ્મે અત્યાર સુધીમાં માત્ર 45.46 કરોડ રૂપિયાનો જ ધંધો કર્યો છે.

અત્યાર સુધીના ગ્રાફને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માત્ર 70થી 80 કરોડનું જ કલેક્શન કરી શકશે. એટલે કે 180 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને લગભગ 100 કરોડનું નુકસાન થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવા પાછળ ઘણા કારણો છે. પહેલું કારણ આ ફિલ્મની વાર્તા છે. આમિર ખાનની આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે, જેને મોટાભાગના લોકોએ જોઈ છે. ભારતીય પરિપ્રેષ્યમાં આ ફિલ્મનો મેળ બેસતો નથી. ઉપરાંત સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બોયકોટ કરવાની તીવ્ર માગ ઉઠી રહી છે.

આમિર ખાન પોતે આ ફિલ્મનો કોપ્રોડ્યુસર છે. ફિલ્મ ફ્લોપ રહેવાની જવાબદારી તેણે સ્વીકારી હોવાના અહેવાલ છે. આમિરખાનના એક મિત્રએ જણાવ્યું હતું કે આમિરે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી અને તેને આ ફિલ્મથી ઘણી આશા હતી, પરંતુ હવે આ ફિલ્મ નિષ્ફળ જવાથી તે આઘાતમાં સરી પડ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.