આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આમળાનો તમે અલગ-અલગ રીતે ઉપયોગમાં લઇ શકો છો. તે તમારી આંખોનું તેજ વધારવાનું કામ કરે છે. તો તમે પણ શિયાળામાં આમળા ખાવાનુું શરૂ કરી દો.
મુંબઇ: આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દરેક લોકોએ શિયાળામાં આમળાનું સેવન કરવું જોઇએ. આમળામાંથી તમે અલગ-અલગ પ્રકારની અનેક રેસિપી બનાવી શકો છો. શિયાળામાં આમળાની આવક એકદમ ફ્રેશ આવે છે અને મીઠાશ પણ કુદરતી હોય છે. શિયાળામાં તેને ખાવાથી આંખોનું તેજ પણ વધે છે અને સાથે ત્વચા પણ સારી થાય છે. તો આજે અમે તમને આમળાનો મુરબ્બો બનાવવાની રીત બતાવીશું. આમળાનો મુરબ્બો તમે આ રીતે ઘરે બનાવો છો તો બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એક વર્ષ સુધી બગડતો નથી.
આમળાનો મુરબ્બો બનાવવા માટેની સામગ્રી
પંદરથી વીસ આમળા
અડધી ચમચી ઇલાયચી
સ્વાદ અનુસાર ખાંડ
અડધી ચમચી કેસર
આમળાનો મુરબ્બો બનાવવાની રીત
આમળાનો મુરબ્બો બનાવવા માટે સૌપ્રથમ આમળાને બે વાર પાણીથી ધોઇને કોરા કરી લો. પછી ચપ્પાની મદદથી આમળાની ચારેબાજુ કાપા પાડી દો. આ આમળાને હવે અલગ પ્લેટમાં લઇ લો. એક કડાઇ લો અને એમાં ચારથી પાંચ કપ પાણી નાંખો અને તેને ગેસ પર મધ્યમ (મિડીયમ) આંચ (ફ્લેમ) પર ગરમ થવા દો. પાણી ગરમ થઇ જાય એટલે એમાં આમળા નાંખો અને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી દો અને આમળાને પાણીમાંથી બહાર કાઢી લો. એક બીજુ વાસણ લો અને એમાં ત્રણ કપ પાણી અને ખાંડ નાંખીને તેને ગેસ પર મધ્યમ (મિડીયમ) આંચ (ફ્લેમ) પર ગરમ થવા દો. જ્યારે પાણી અને ખાંડ સારી રીતે મિક્સ થઇ જાય અને ચાસણી બનીને તૈયાર થઇ જાય ત્યારે એમાં આમળા નાંખી દો. આમળા નાખ્યા પછી ગેસની આંચ ધીમી કરી દો અને આમળાને ચાસણીમાં ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ગરમ થવા દો. ચાસણીમાં આમળા સંપૂર્ણ રીતે નરમ થઇ જાય ત્યાં આમળાને ચાસણીમાં રાખો અને ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો. હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો. બાદમાં આ મિશ્રણને આમળાની ચાસણી સહિત કાચની બરણી (જાર)માં ભરી લો અને તેને અડટાલીસ કલાક માટે રહેવા દો. આમ કરવાથી આમળાની ચાસણી સુકાઇ જશે. હવે ચાસણીમાંથી આમળા અલગ કરો અને તેમાં ઇલાયચી પાવડર અને કેસર મિક્સ કરી દો. તો તૈયાર છે તમારો આમળાનો મુરબ્બો.