Homeઆમચી મુંબઈસુપ્રીમના સ્ટેને વેપારીઓનો આવકાર

સુપ્રીમના સ્ટેને વેપારીઓનો આવકાર

મરાઠી અસ્મિતાના વિરોધી નથી પરંતુ મોટા અક્ષર સામે વાંધો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં દુકાનો અને સંસ્થાનો પર મરાઠીમાં મોટા અક્ષરે અને સૌપ્રથમ લખવા એવા રાજ્ય સરકારના આદેશ બાદ પાલિકા દ્વારા અનેક ડેડલાઈન આપવામાં આવ્યા બાદ પહેલી ઓક્ટોબરથી પાલિકા દ્વારા આદેશનું પાલન ન કરનારા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હતી. આવા કડક નિયમો વિરુદ્ધ વેપારીઓ એસોસિયેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને એ અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે વેપારીઓને રાહત આપીને પાલિકાની કાર્યવાહી સામે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો મુંબઈના વેપારીઓએ આવકાર્યો હતો અને હવે પછીની શું રણનીતિ ઘડવી એ અંગે નિર્ણય લેવા માટે વેપારીઓની એક બેઠક નજીકના સમયમાં મળવાની છે.
દરમિયાન વેપારીઓના પ્રશ્ર્નોના નિરાકરણ લાવવા માટે અગ્રણી વેપારી એસોસિયેશન ફામ છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય અને સુષુપ્તાવસ્થામાં હોવાની ફરિયાદ અનેક વેપારીઓએ નામન આપવાને શરતે
કરી હતી. જે મુદ્દાને ફામ દ્વારા ઉકેલ લાવવો જોઇતો હતો એમાં ફામે કોઇ ભૂમિકા ભજવી ન હોવા અંગે પણ અનેક વેપારીઓમાં નારાજગીનો સૂર જોવા મળ્યો હતો.
અગાઉની સરકાર દ્વારા સાઈઝ અને સિક્વન્સમાં મરાઠીમાં બોર્ડ લગાવવા ફરજિયાત હોવાના નિયમ આવ્યા બાદ વેપારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પણ હવે સુપ્રીમ કોર્ટનો સ્ટે અને વેપારીઓની સમસ્યાને કાને ધરનારી સરકાર આવ્યા બાદ વેપારીઓને વધુ રાહત મળે એવો કોઇ નિર્ણય લેવામાં આવશે, એવો મુંબઈના વેપારીઓને આશાવાદ છે. ૧૮મી ડિસેમ્બર સુધીનો સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે વેપારીઓ માટે ખરેખર રાહત આપનારો હોઇ આ અંગે વેપારીઓએ ‘મુંબઈ સમાચાર’ને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાતીને પણ પ્રાધાન્ય આપવાની જરૂર
કર્ણાટક કે કેરળમાં જાવ તો તમને ન સમજાય એવાં પાટિયાં જોવાં મળે, એટલે જે રાજ્યમાં જાવ ત્યાંની ભાષા હોય એમાં કંઇ ખોટું નથી. મહારાષ્ટ્રમાં ભલે મરાઠીમાં ભાષાનાં પાટિયાં લાગવાં જોઇએ, પણ મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુજરાતીઓનો બહુમૂલ્ય ફાળો છે તો ગુજરાતી ભાષાને પણ
એટલું જ પ્રાધાન્ય આપવું જોઇએ. વેપારીઓએ એકસાથે મળીને લડવાની જરૂર છે.
ભરત ઠક્કર (વેપારી, મંગલદાસ માર્કેટ)

નવી સરકાર પાસે આશા છે
સુપ્રીમ કોર્ટે જે સમય આપ્યો છે એ સમયનો વેપારીઓ યુટિલાઈઝ કરવામાં આવશે. એક વાત છે કે પાલિકાની કાર્યવાહીથી વેપારીઓને સુપ્રીમ કોર્ટના આદેશથી ઘણી રાહત મળી છે. વેપારીઓ માટે એક બ્રીધિંગ ટાઈમ છે. મરાઠી અસ્મિતાની વાત છે તો અમે તેનો વિરોધ પણ નથી કરતા અને મોટા ભાગના વેપારીઓએ મરાઠીમાં પાટિયાં પણ લગાવી દીધાં હતાં, પણ હવે સિક્વન્સ અને સાઈઝની વાત છે તો એ સરકારનો નિયમ હતો એ થોડો વધારે પડતો હતો. અગાઉની સરકારે જે
નિયમ બનાવ્યો એ ભલે, પણ અમને આશા છે કે હાલની સરકાર વેપારીઓની વાતને કાને ધરશે અને ચોક્કસ રાહત આપશે.
મિતેશ મોદી (કમિટના સેક્રેટરી, ઈલેક્ટ્રોનિક્સ માર્કેટના પ્રેસિડેન્ટ)

સરકારને મનાવીશું
સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેને અમે તમામ વેપારીઓ આવકારીએ છીએ. અગાઉની સરકાર જે પણ નિયમ કરી ગઇ હતી, એ ખોેટું હતું. મુંબઈ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર છે. અહીં અલગ અલગ પ્રાંતના લોકો આવતા હોય છે, ત્યારે તેઓને મુશ્કેલી પડે એવા નિયમો શા માટે રાખવા જોઇએ. દુકાનો પર મરાઠી ભાષાનાં પાટિયાં લગાવવા માટે અમારો વિરોધ નહોતો, પણ સિક્વન્સ અને સાઈઝ ફરજિયાત શા માટે? અમે આશા રાખીએ છીએ કે નવી સરકાર ચોક્કસ વેપારીઓની પડખે ઊભી રહેશે.
શંકર ઠક્કર (અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ)

અમુક જ વિસ્તારમાં કાર્યવાહી કેમ
સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે વેપારીઓને બોર્ડ બનાવવા માટે ઘણો સમય આપી ગયો છે. રાહતના સમાચાર છે. આજે મુંબઈમાં પાંચ લાખ રજિસ્ટર્ડ વેપારીઓ છે. પાલિકા નિયમ પ્રમાણ જો બોર્ડ ન બનાવીએ તો કાર્યવાહીનો સામનો અને બોર્ડ બનાવીએ તો બોર્ડ બનાવવા માટેનો મનફાવે એવો ભાવ. વેપારીઓની ભીંસ વધી ગઇ હતી, પણ સુપ્રીમ કોર્ટના સ્ટેથી ઘણી રાહત થઇ છે. બીજું પાલિકાની કાર્યવાહી ખોટી રીતે કરવામાં આવતી હોય છે. મરાઠીમાં મોટા અક્ષર કે સિક્વન્સમાં બોર્ડ ન લગાવ્યાં હોય એની સામે કાર્યવાહી કરવાની પાલિકાની ઝુંબેશ ખરેખર તો એકતરફી છે. અમુક વિસ્તારમાં જ કાર્યવાહી કરવાની અને અમુક વિસ્તારમાં જવાની પણ હિંમત ન કરવાની.
દીપક દેવુરકર (ગોલ્ડ વેલ્યુઅર એસો. ઓફ મહારાષ્ટ્રના ટ્રેઝરર)

કાયદો નથી બદલાવાનો
આ સુપ્રીમ કોર્ટનો માત્ર દોઢ મહિના માટેનો સ્ટે છે. સરકારે ઘડેલો કાયદો બદલાવાનો નથી. હા, એક છે કે પાલિકા દ્વારા થતી કાર્યવાહીથી થોડી રાહત મળી છે. દરેક સ્ટેટમાં પોતાની ભાષાનું પ્રભુત્વ જમાવવા માટે કાર્ય કરવામાં આવતું હોય છે અને એમાં ખોટું પણ નથી. વેપારીઓ મરાઠી ભાષામાં બોર્ડ લગાવવા માટે રાજી છે, પણ નાના-મોટા અક્ષરને કારણે થોડી મુશ્કેલી પડી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેને કારણે વેપારીઓ હવે પોતાના બજેટમાં બોર્ડ બનાવી શકશે. કારણ કે બોર્ડ બનાવવા માટે મનફાવે એટલા પૈસા આપવા પડતા હતા અને હવે એમાં થોડી રાહત મળી ગઇ છે.
હરીશ શાહ
(દાદર વેપારી સંઘના સેક્રેટરી)
—-
મોટા ફોન્ટ સામે હરકત
લોઅર પરેલ વિસ્તારમાં પાંચ દુકાન ધરાવું છું. અમે ક્યારે પણ મરાઠી ભાષા સામે વાંધા નથી ઉઠાવ્યો. મરાઠી ભાષામાં પાટિયાં લગાવવાં જોઇએ એવા સરકારના નિયમ સામે કોઇ વેપારીને વાંધો નથી, પણ આટલા મોટા અક્ષર કે તેને પ્રાથમિકતા આપવી જ જોઇએ એની સામે વાંધો છે. થોડા સમય પહેલાં જ મારી ભત્રીજીએ ક્લિનિક ખોલી. મરાઠી ભાષામાં પાટિયું તો લગાવ્યું, પણ ૧૦ ટકા નાના અક્ષરવાળું હતું, એટલે વાંધો આવી શકે એમ હતો. આવો નિયમ શા માટે હોવો જોઇએ કે જેમાં ઓગણીસ-વીસ ન ચાલી શકે. સરકારે ધ્યાન આપવું જરૂરી છે અને અમે વેપારી એસોસિયેશનો ટૂંક સમયમાં આ મુદ્દે મળીશું.
નીલેશ સાવલા (જી-સાઉથ વેપારી એસોસિયેશનના પ્રેસિડેન્ટ)

RELATED ARTICLES

Most Popular