આહારથી આરોગ્ય સુધી – સોનલ કારિયા
બજારમાં મળતા પ્રોટીન પાવડર ખાઈને સ્નાયુબદ્ધ દેખાવાનો અને શક્તિ મેળવવાનો ટ્રેન્ડ ખાસ કરીને યુવાનોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે આ બધા જ પ્રોટીન તબિયત સુધારે એવા નથી એવું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા પ્રોટીનના નામે વેચાતા પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા એમાંના ૧૫ ટકા પ્રોટીન પાવડર ખાવા માટે સલામત નથી, એવું આ સર્વેમાં જાણવા મળ્યું હતું.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈ દેશની સર્વોચ્ચ સંસ્થા છે જે ખાદ્યપદાર્થોની ચકાસણી કરે છે. આ સંસ્થા દ્વારા ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જિમમાં જતા કે ફીટનેસ અંગે બહુ જ ચોક્કસ રહેતા ખાસ કરીને યુવાનોમાં પ્રોટીન પાવડર ખૂબ લોકપ્રિય છે અને એનું આડેધડ સેવન કરવામાં આવે છે.
એફએસએસએઆઈ દ્વારા સર્વેમાં ૧,૪૪,૩૪૫ સેમ્પલ ટેસ્ટિંગ માટે ભેગા કરવામાં આવ્યા હતા જેમાંના ૪૮૯૦ એવા હતા જે ખાવા માટે સલામત નહોતા. બાકીના સેમ્પલમાંથી ૧૬૫૮૨ ઊતરતી કક્ષાના હતા, એવું આ સંસ્થાએ જણાવ્યું હતું.
બીજા ૧૧,૪૮૨ સેમ્પલમાં લેબલિંગની ભૂલો ઉપરાંત એ પેકેટ પર લોકોને ગેરમાર્ગે દોરે એવી માહિતી છાપવામાં આવી હતી.
યુવાનોમાં પ્રોટીન પાવડર ખાવાનો ક્રેઝ તો છે કારણ કે એનાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને તેને અન્ય ખાદ્યપદાર્થો સાથે ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ખાસ તો કોવિડ-૧૯ બાદ અમુક ડૉક્ટરો પણ દર્દીઓને પ્રોટીન પાવડર ખાવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ કમનસીબે આપણા દેશમાં ખાદ્યપદાર્થો અંગેના નિયમોને ઘોળીને પી જવામાં આવે છે.
જોકે જે પંદર ટકા પ્રોટીન ઉપયોગ કરવા યોગ્ય નથી એવું એફએસએસએઆઈએ જણાવ્યું છે એવા કમસે કમ ૪૯૦૦ પ્રોટીન પાવડરના ઉત્પાદકો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની સામે કેસ ચલાવવામાં આવશે એ સિવાય ૨૮,૯૦૬ પ્રોટીન પાવડરના ઉત્પાદકો સામે સિવિલ કેસ નોંધવામાં આવ્યા છે. આ સિવાય ખોટા લેબલ અથવા તો લેબલ પર ગેરમાર્ગે દોરવણી થતી હોય એ પ્રકારનું લખાણ છાપવા માટે પણ કંપનીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.