પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક
પ્રતિભાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી હોતો તેના અનેક ઉદાહરણો આપણને વિશ્વમાં જોવા મળે છે. ઘણીવાર નાની ઉંમરે પણ અસાધારણ પ્રતિભા આપણને ચકિત કરી દે છે. બીજું એ કે સફળતા સંપન્નતાની મોહતાજ નથી હોતી. જો તમે સાધન-સંપન્ન હો તો તમને સફળતા મળે, નહીં તો નહીં, તેવો કોઈ નિયમ નથી. આર્થિક રીતે સાવ નીચલા સ્તરે રહેલી વ્યક્તિ પણ અસાધારણ સફળતા પોતાની પ્રતિભા અને મહેનતના જોરે મેળવી શકે છે. ચાલો, જાણીએ ઝૂંપડપટ્ટીમાં રહેનારા, સાયબર કેફેમાં બેસીને ભણનારા એક એવા યુવાનની જે આજે ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કામ કરે છે.
વાત છે, દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા આર્યન મિશ્રાની. તેના પિતા છાપાં વેચીને તો ક્યારેક મજૂરી કરીને તેને ભણાવતા હતા. આર્યને પણ પિતાની મહેનતને એળે ન જવા દીધી અને ભણવામાં કોઈ કચાશ નહોતી રાખી. તેનું અદભુત પરિણામ એ આવ્યું કે ૧૪ વર્ષની ઉંમરે આર્યને એસ્ટરોઇડ (અતયિંજ્ઞિશમ) ની શોધ કરી. બન્યું એવું કે ૨૦૧૪માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલાબોરેશન (ઈંઅજઈ) દ્વારા અખિલ ભારતીય લઘુગ્રહ શોધ અભિયાનનું આયોજન થયું હતું. તેમાં આર્યને ભાગ લીધો. સાયબર કેફેમાં બેસીને વિશેષ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરો જોઈને સંશોધન કરી રહ્યો હતો. ત્યારે તેણે લઘુગ્રહની અદભુત શોધ કરી.
૧૧ વર્ષની ઉંમરે અંતરિક્ષની દુનિયામાં રસ પડ્યો
આર્યન જયારે ૧૧ વર્ષની ઉંમરનો હતો ત્યારે આકાશ દર્શનના કાર્યક્રમ અંતર્ગત ટેલિસ્કોપથી શનિ ગ્રહ જોયો હતો. શનિના વલયો થી શોભતી તેની સુંદરતા જોઈને આર્યન અંતરિક્ષની અજાયબ દુનિયાથી આકર્ષિત થઇ ગયો. તેણે ત્યારે નક્કી કરી લીધું કે ભવિષ્યમાં તે અવકાશયાત્રી બનશે. આર્યને પોતાના સ્વભાવ પ્રમાણે સખત મહેનત કરી અને અમેરિકામાં એસ્ટ્રોનોટ બનવાના કોર્સ માટે સિલેક્ટ પણ થઇ ગયો, પણ ઘરની આર્થિક સ્થિતિને કારણે આર્યનનું સપનું પૂરું ન થઇ શક્યું.
શિક્ષણ સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું
એસ્ટ્રોનોટ બનવાનું સ્વપ્ન તો મંઝિલ સુધી ન પહોંચી શક્યું પણ સપનું જીવંત તો હતું જ. તેણે અહીં રહીને પહેલા બી.એસ.સી. પૂરું કર્યું અને પછી ફિઝિક્સમાં સ્નાતક થયો. આર્યને શિક્ષણની સાથે એક સ્ટાર્ટઅપ શરુ કર્યું, જેનું નામ સ્પાર્ક એસ્ટ્રોનોમી છે. આ સ્ટાર્ટઅપ દ્વારા આર્યન સ્કૂલોમાં એસ્ટ્રોનોમી ઉપર લેક્ચર આપતો અને બાળકોને અંતરિક્ષની દુનિયાને જાણવા સમજવામાં ઉપયોગી થાય તે માટે શાળાઓને ઓછા ખર્ચે ખગોળશાસ્ત્રની અસરકારક લેબોરેટરી સ્થાપવામાં મદદ કરે છે અને મશીન ઉપલબ્ધ કરાવે છે.
યુવા વયે બન્યો એસ્ટ્રોનોમી લેક્ચરર
હજી તો માત્ર વિસ વર્ષની ઉંમરનો આર્યન કેટલીય સ્કુલો અને યુનિવર્સીટીઓમાં એસ્ટ્રોનોમી પર લેક્ચર આપી ચુક્યો છે. ઝારખંડ થી લઈને ઇઝરાયલ સુધી તે અનેક વિદ્યાર્થીઓને અંતરિક્ષની વિસ્મયકારી દુનિયાની ઓળખાણ આપી ચુક્યો છે. આર્યનના પ્રયાસોએ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનનું ધ્યાન ખેંચ્યું. તેઓ આર્યનની સલાહથી માનવ સંસાધન મંત્રાલયના નેજા હેઠળ ઓછા ખર્ચની લેબોરેટરી કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયની સ્કૂલોમાં પણ શરુ કરાવી રહ્યા છે. આ રીતે તે ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ કામ કરે છે. તેની પાસે એરોસ્પેસનું પણ ખુબ સારું જ્ઞાન છે અને ઍરક્રાફ્ટ ડિઝાઇનિંગ કરવામાં સરકારની મદદ કરી ચુક્યો છે.
અવકાશયાત્રીઓને મળીને મેળવી પ્રેરણા
પોતાના અવકાશયાત્રી બનવાના સ્વપ્ન આર્યનને સફળ અવકાશયાત્રીઓને મળવા પ્રેરણા આપતી હતી. તે સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશયાત્રીઓને પણ મળ્યો. સ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ અને નાસાના વૈજ્ઞાનિકોને પણ મળ્યો. તે સ્વર્ગીય કલ્પના ચાવલાના માતા-પિતાને પણ મળવા ગયો હતો.