Homeરોજ બરોજરાજસ્થાન સરકાર પાસે અસ્મિતાનું એક વર્ષ: ભાજપનો કાંકરીચાળો કેટલો સફળ!

રાજસ્થાન સરકાર પાસે અસ્મિતાનું એક વર્ષ: ભાજપનો કાંકરીચાળો કેટલો સફળ!

રોજ બરોજ -અભિમન્યુ મોદી

રાહુલ ગાંધી કૉંગ્રેસ પ્રમુખ, પીએમ, સફળ નેતા કે ઉત્તમ વક્તા ક્યારે બનશે એ ખુદ કૉંગ્રેસને પણ નથી ખબર પરંતુ રાજસ્થાનમાં ચાલી રહેલી તેમની ભારત જોડો યાત્રાને મળી રહેલી વીવીઆઈપી ટ્રીટમેન્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના મતે એક યાત્રા પાછળ લાખોનું આંધણ થાય છે આ રકમ રાજસ્થાનની પ્રજાના ખિસ્સામાંથી કપાઈ છે. મહદંશે રાજસ્થાનની પ્રજા પણ તેમની સાથે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દાઢીધારી રાહુલની યાત્રામાં ફિલ્મી સિતારા જોડાય છે, પરંતુ પ્રજાને તેમાં રસ જ નથી. યાત્રાને મળી રહેલો મોળો પ્રતિસાદ એટલું સ્પષ્ટ કરે છે કે મતદારો આગામી ચૂંટણીમાં ભાજપને ચાન્સ આપવાની તરફેણમાં છે. રાજસ્થાનનું રાજકારણ દક્ષિણની નવલકથાઓ જેવું છે. કથા પઠન આરંભ સાથે જ અંત શું આવશે એ કળી શકાય છતાં વાચક ધ્યાનપૂર્વક એક-એક શબ્દોનું પઠન કરે છે. રાજસ્થાનમાં હિમાચલ પ્રદેશની જેમ દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ છે. હિમાચલમાં ભાજપ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર છે. બન્ને એક બીજાને હરાવીને આ ઇતિહાસ પર અંકુશ મુકવા માટે મથે છે પણ મતદારોનું ભેદી મૌન તેમના રાજકીય ગણિતને પરિવર્તિત કરવા સક્ષમ છે. કૉંગ્રેસ સરકારી યોજનાના બળે ચૂંટણી જીતવા માંગે છે અને ભાજપ સ્વ-વિકાસની યોજનાથી સરકાર રચે છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટનો ગજગ્રાહ થોડા સમય માટે થંભી ગયો છે. કારણ? રાહુલ ગાંધી રાજસ્થાનમાં છે. જો સીએમ-ડેપ્યુટી સીએમ તેની સામે જ દેરાણી-જેઠાણીની જેમ ઝઘડે તો પક્ષની આબરું શું રહે! એટલે હાઇકમાન્ડની સૂચનાથી રાહુલ ગાંધી રૂપી હાઇકમાન્ડને રાજી કરવા ગહલોત-પાયલોટે હાથ પર સૂતરનો આંટો વીંટીને દોસ્તીનું ઉજળું ચિત્ર દર્શાવી રહ્યા છે પરંતુ ભાજપે આ દોસ્તીમાં તિરાડ પાડવાની યોજનાનું પૂર્ણ પણે લોકાર્પણ કરી દીધું છે.
રાજસ્થાનમાં રાહુલ ગાંધીની સભા મળી ત્યારે ગહલોત-પાયલોટને સાથે રાખીને રાહુલે ભાતીગળ નૃત્યુ કર્યું હતું. આ નૃત્યથી રાહુલે વણસેલા કૉંગ્રેસમાં સંબંધોને જોડવાની હિમાયત કરી હતી. એ જ રાત્રિએ રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ તો સોશિયલ મીડિયામાં પાયલોટને કૉંગ્રેસના નિષ્ઠાવાન નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાવ્યા. ખુદ ભાજપના કાર્યકરો પાયલોટ પરિવારને પરોક્ષરીતે સમર્થન આપે છે. અચાનક પાયલોટની રીલ્સ વાઇરલ થાય છે અને હવે તો પાયલોટ પરિવારનો ઇતિહાસ પણ વાઇરલ થયો છે. જેમાં પાયલોટ પરિવારના મોભી અને રાજેશ પાયલોટ સાથે કૉંગ્રેસે ભારોભાર અન્યાય કર્યાની વાત ચર્ચાઈ છે. આમ તો સચિન પાયલોટને અશોક ગહલોત સાથેની રાજકીય દુશ્મનાવટ પિતા રાજેશ પાયલોટ પાસેથી વારસામાં મળી છે. ભાજપ પિતાના અન્યાયની દાસ્તાન રજૂ કરીને પક્ષપલટો કરાવે છે એ તો જગજાહેર છે.
ગુજરાતની વિસાવદર બેઠકમાં કૉંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા જયારે સભા ગજાવતા ત્યારે પ્રથમ હરોળમાં ભાજપના આગેવાનો સ્થાન શોભાવતા, ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણી જાહેર કરી તેની સાથે જ હર્ષદ રીબડીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાય ગયા. વિઠ્ઠલ રાદડિયાએ વર્ષો સુધી કૉંગ્રેસને જીત અપાવી સાંસદ પદ સુધી પહોંચ્યા પરંતુ કેન્દ્રમાં મોદી સરકારનો ઉદય થતા પરિવાર અને હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય ગયા. તેના ફળ આજે ત્રણ પુત્ર જયેશ રાદડિયાને મળે છે અને તેઓ ધારાસભ્ય પદની ચૂંટણી લડી રહ્યા છે. આ જ પેટર્ન હવે રાજસ્થાનમાં લાગુ થઈ રહી હોય તેવું રાજસ્થાન ભાજપના વર્તન અને વર્ણન પરથી ફલિત થઈ રહ્યું છે. પૂર્વ સીએમ વસુંધરા રાજેના ખાસ કહેવાતા ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાળ, કૈલાશ ચૌધરી અનેકવાર પાયલોટનું સમર્થન આપતા નજરે ચડે છે. દરેક મુલાકતને પ્રસંગોચિત ચર્ચાનું પાટિયું લગાવીને ભાજપ છાને ખૂણે પાયલોટને સમર્થન કરે છે.
ભાજપનો મૂળ મંત્ર જ છે. પક્ષપલટો કરવાની સાથે પક્ષના મૂળિયાંને પણ ખતમ કરી નાખો. રાજસ્થાન કૉંગ્રેસ આજે ગહલોત અને પાયલોટ પર જ ટકેલી છે. પરંતુ ક્યાં સુધી? કૉંગ્રેસના ખમતીધર આગેવાન કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓ પક્ષને રામરામ કરી ગયા છે. ગોવામાં કૉંગ્રેસના અગિયાર ધારાસભ્યો એક સાથે કૉંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે.
કૉંગ્રેસ પાસે આખા રાજ્ય કહી શકાય એવા ગણીને બે જ રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢ બચ્યા છે. છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને આરોગ્ય મંત્રી ટી. એસ. સિંહદેવના જૂથ સામસામે ખાંડા ખખડાવી રહ્યા છે. આ લડાઈમાં ભાજપ પોતાની રણનીતિ અત્યારથી જ શરૂ કરી દીધી છે. જેથી ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ કંઈ વિચારે ત્યાં તો ભાજપ હડકંપ મચાવી દે, ભાજપ મોકાનો ફાયદો ઊઠાવીને ખેલ પાડી દે તો એમાં જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ બેઠક છે. સરકાર બનાવવા માટે ૧૦૧ બેઠકોની જરૂર રહે છે. કૉંગ્રેસ પાસે ૧૦૮ બેઠકો છે. ભાજપ પાસે ૭૧ બેઠક છે. અપક્ષોની સંખ્યા ૧૩ છે. કૉંગ્રેસના દાવા મુજબ ૧૩ અપક્ષ, એક સીપીઆઇએમ અને એક રાષ્ટ્રીય લોકદળના ધારાસભ્યનો તેમને સાથ છે. મતલબ કે કૉંગ્રેસ તરફે ટોટલ ૧૨૫ થાય છે. ભાજપને આરએલપીના ૩, બીટીપીના ૨ અને સીપીએમના એક ધારસભ્યોનો સાથ છે. એ હિસાબે ભાજપનો ટોટલ ૭૭નો થાય છે. આવા સંજોગોમાં ભાજપને સરકાર બનાવવા માટે માત્રને માત્ર ૨૪ ધારાસભ્યોની જરૂર પડે એમ છે. ૧૩ અપક્ષ ધારાસભ્યોમાંથી કેટલાંક ભાજપમાં આવી શકે એમ છે. એ સિવાય સૌથી મહત્ત્વની વાત એ છે કે સચીન પાઇલોટની સાથે કેટલા ધારાસભ્યો છે? સવાલ એ પણ છે કે, વન થર્ડ કરતા ઓછા ધારાસભ્યો હોય તો પક્ષાંતર ધારો લાગુ પડે એમ છે. ભાજપ અત્યારે સરવાળા બાદબાકીનો હિસાબ માંડી રહ્યો છે. મેળ પડે તો ઠીક છે, બાકી કૉંગ્રેસમાં જે ચાલી રહ્યું છે એના કારણે ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો જ થવાનો છે. રાજસ્થાનમાં લોકસભાની ૨૫ બેઠકો છે. ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણી વખતે ભાજપ રાજસ્થાનની તમામે તમામ ૨૫ બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ વસુંધરા રાજેના શાસનમાં રાજસ્થાનમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી.
રાહુલ ગાંધીની જેમ વસુંધરા રાજેએ ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ગૌરવયાત્રા’ કરી હતી. જોકે, જનતામાં તેમની છાપ ‘મહારાણી’ તરીકે ઉપસી હતી. આટલું ઓછું હોય તેમ ભાજપમાં વસુંધરા રાજેના સમર્થક અને મોદી-શાહના સમર્થક એમ બે જૂથ પડી ગયાં હતાં, ઉમેદવારોની યાદીમાં બહાર પાડવામાં પણ તણાવ ભરી સ્થિતિ હતી. ભાજપની કહેવાતી ‘શિસ્ત’નો ભંગ ન થાય એટલે ખુદ અમિત શાહ ઉમેદવારોના નામની જાહેરાત કરવા આવ્યા હતા. તેમની એક સભામાં તો જનતા ‘વસુંધરા કી ખેર નહીં, મોદી સે બેર નહીં.’ જેવા નારા લગાવતી હતી.
જનતા ઉપરાંત ભાજપના કાર્યકરોએ પણ વસુંધરાના શાસનને જાકારો આપ્યો હતો. કારણ માત્ર એટલું જ છે કે હિન્દુત્ત્વની હિમાયત કરતી ભાજપની છબીને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાએ ખરડી નાખી હતી. વસુંધરા રાજેએ ૨૦૧૪થી ૨૦૧૯ના કાર્યકાળ દરમિયાન રાજસ્થાનના મુખ્ય શહેરોના રસ્તાઓને પહોળા કરવા નાનાં-મોટાં હંગામી મંદિરોને દૂર કર્યાં હતાં. જેના કારણે કપરા સંજોગોમાં ભાજપની પડખે ઊભો રહેતો કટ્ટર હિંદુ સમર્થક સમુદાય નિષ્ક્રિય રહ્યો, જેણે વસુંધરા સરકારને હાનિ પહોંચાડવાનું કામ કર્યું. આ કારણસર જ ભાજપને જીતાડવા માટે સક્રિય બનતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અપેક્ષા મુજબ ‘એક્ટિવ’ ન રહ્યા. ખેડૂતો અને લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં વસુંધરા સરકાર નિષ્ફળ રહી હતી. તેનો પૂરો જશ કૉંગ્રેસને મળ્યો અને ગહલોત મુખ્યમંત્રી બન્યા. હવે સમય ફરી એ જ ધરી પર ઊભો છે. શૂન્યાવકાશી કૉંગ્રેસની સરકાર તૂટવા પર છે પરંતુ જો ભાજપની સરકાર બનશે તો શું મોદી-શાહ વસુંધરા રાજેને રિપીટ કરશે? એ તો ૨૦૨૩ની ચૂંટણી જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular