લાઈફ પાર્ટનર તરીકે વર્કિંગ વુમન નથી પુરુુષોની પહેલી પસંદ

લાડકી

પ્રાસંગિક -દીપ્તિ ધરોડ

આજકાલ તો ડિજિટલાઈઝેશનનો જમાનો છે અને જે રીતે આપણે પૈસાની લેવડદેવડ ઓનલાઈન કરીએ છીએ એ જ રીતે આજની યંગ જનરેશન લગ્ન માટે પાર્ટનરની પસંદગી પણ ઓનલાઈન વેબસાઈટ અને એપ્લિકેશનની મદદથી જ કરે છે. આ વેબસાઈટ અને ઓનલાઈન એપ્લિકેશનની મદદથી કરવામાં આવેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે યુવાનોને પાર્ટનર તરીકે વર્કિંગ વુમન પસંદ નથી.
એક અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે નોકરી કરતી યુવતીઓને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર બહુ ઓછા પસંદગીના યુવકો મળે છે. જ્યારે કોઈ યુવતી ઘરે જ હોય અને કંઈ જ ન કરતી હોય તેમની પ્રોફાઈલ સૌથી વધુ જોવામાં આવે છે અને સંબંધ પણ જલદી જ બંધાઈ જાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની બ્લાવાટનિક સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં પીએચ.ડી. કરી રહેલી દીવા ધરને આ બાબતે એક અભ્યાસ કર્યો હતો અને તેમાં એવું જાણવા મળ્યું હતું કે લગ્ન માટે યોગ્ય યુવકની શોધ કરતી વખતે યુવતીને વર્કિંગ વુમન હોવાથી મુશ્કેલીનો
સામનો કરવો પડે છે. નોકરી કરતી મહિલાઓની સરખામણીએ ૧૫થી ૨૨ ટકા વધુ યુવકોએ નોન-વર્કિંગ વુમનમાં રસ
દાખવ્યો હતો.
વધુ ઊંડાણમાં જ્યારે આ વિષય પર અધ્યયન કરવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે મેટ્રિમોનિયલ વેબસાઈટ પર નોન-વર્કિંગ વુમનની પ્રોફાઈલ ૧૦૦ યુવકે જોઈ હતી, જયારે વર્કિંગ વુમનની પ્રોફાઈલ ૭૮ યુવકોએ જોઈ હતી.
આ સંશોધન પરથી દીવાએ એવું તારણ તારવ્યું હતું કે જયારે લગ્નની વાત આવે છે ત્યારે વર્કિંગ અને નોન-વર્કિંગની અસર પડે છે. આ વિશે વાત કરતાં દીવા જણાવે છે કે મારી ઘણી બહેનપણીઓએ લગ્ન બાદ નોકરી છોડી દીધી હતી. તો
મારી આસપાસમાં હું ઘણી એવી યુવતીઓને પણ મળી ચૂકી
છું કે જેઓ તેમની કરિયરમાં આગળ વધી રહી હતી, પણ તેમનાં લગ્ન થયાં અને લગ્ન બાદ તેમણે અધવચ્ચે જ કામ છોડી દીધું હતું.
આ અભ્યાસ કરવા માટે વેબસાઈટ પર ૨૦ જેટલી ફેક પ્રોફાઈલ બનાવવામાં આવી હતી અને આ બધી જ પ્રોફાઈલ્સમાં ઉંમર, લાઇફ સ્ટાઇલ, ડાયેટ, શોખ જેવી બાબત લગભગ એકસરખી જ હતી, પરંતુ તેને ત્રણ-ચાર અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી હતી, જેમ કે વર્કિંગ વુમન, તેમનો પગાર, લગ્ન બાદ કામ કરવા ઇચ્છુક મહિલાઓ વગેરે.
આ પ્રોફાઇલ્સ વિવિધ જ્ઞાતિઓ માટે બનાવવામાં આવી હતી. આ સેમ્પલ સર્વેમાં સામે આવ્યું કે જે મહિલાઓ કામ નથી કરતી તેમની પ્રોફાઈલને સૌથી વધુ રિસ્પોન્સ મળ્યો છે. બીજા નંબર પર તે મહિલાઓ હતી જે અત્યારે કામ કરી રહી છે, પરંતુ લગ્ન બાદ ઘરે જ રહેશે.
ભારતમાં ૯૯ ટકા મહિલાઓ એવી છે કે જેઓ ચાલીસી વટાવે એ પહેલાં લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય છે. અભ્યાસમાં દીવાએ એવું પણ નોંધ્યું હતું કે મહિલાઓ વિચારે છે કે જ્યારે નોકરી દરમિયાન લગ્નજીવનમાં મુશ્કેલી આવશે ત્યારે તેઓ તેમની કરિયરને બાજુએ મૂકીને નોકરીને ટાટા-બાય બાય કહી દે છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે ૧૫ વર્ષથી વધુ વયની કામ કરતી મહિલાઓની ભાગીદારી ૨૮.૭ ટકા છે, જ્યારે પુરુષોની ભાગીદારી ૭૩ ટકા છે.
સરકાર દ્વારા મહિલાઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે તેમ છતાં આ સ્થિતિ છે. જેમ કે પેઇડ મેટરનિટી લીવ, સિક્યોરિટી સાથે નાઇટ શિફ્ટમાં કામ કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે.
જે પુરુષોને વર્કિંગ વુમન પસંદ છે તે જુએ છે કે તે છોકરી શું કરી રહી છે. જેમ કે સામાન્ય રીતે શિક્ષણ કાર્ય. જો તેઓ કારખાનામાં કામ કરતી હોય કે બીજા કોઇ ક્ષેત્રમાં હોય તો યુવકો પસંદ કરતા નથી. વિશ્ર્વંભર નાથ પ્રજાપતિ જણાવે છે કે ‘જે પછાત વર્ગમાંથી આવે છે, જેઓ આર્થિક રીતે નબળા છે, તેમનું પણ આ વલણ છે કે વાચન અને લેખન તો ઠીક છે, પરંતુ વર્કિંગ વુમન ન હોવી જોઇએ…’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.