લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલા પર સહકર્મીએ ચાકુથી કર્યો હુમલો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

થાણે: લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવનારી મહિલા પર સહકર્મીએ ચાકુથી હુમલો કર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી. આરોપીની ઓળખ યોગેશ કુમાર તરીકે થઇ હોઇ તે ફરાર છે, જ્યારે હુમલામાં ઘવાયેલી ૨૭ વર્ષની મહિલાની સારવાર ચાલી રહી છે.
મહિલા પરિણીત છે, પણ તે પતિને છોડીને છેલ્લાં ત્રણ વર્ષથી અલગ રહે છે. તે કળંબોલીની કંપનીમાં કામ કરે છે, એમ શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ગાવડેએ જણાવ્યું હતું.
આ જ કંપનીમાં કામ કરતા આરોપી યોગેશ કુમારે મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેણે ઠુકરાવી દીધો હતો.
કુમાર મંગળવારે મહિલા સાથે મોટરસાઇકલ પર ઉત્તરશિવ વિસ્તારમાં જવા માટે નીકળ્યો હતો. રસ્તામાં તેણે મોટરસાઇકલ થોભાવી હતી અને ફરી મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પોતે પરિણીત હોવાનું મહિલાએ તેને જણાવ્યું હતું. આથી ઉશ્કેરાયેલા કુમારે ચાકુ કાઢીને મહિલા પર હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ઘાયલ અવસ્થામાં મહિલા રિક્ષામાં કલવા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે કુમાર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તેની શોધ આદરી હતી. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.