(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુટ્યૂબ વીડિયોને ‘લાઈક’ કરી દૈનિક પાંચ હજાર રૂપિયાની કમાણી કરવાની લાલચમાં બાન્દ્રાની મહિલાએ લાખો રૂપિયા ગુમાવ્યા હતા.
બાન્દ્રામાં રહેતી ૪૦ વર્ષની મહિલાએ શનિવારે નોંધાવેલી ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ૭ જાન્યુઆરીએ મહિલાને અજાણ્યા નંબર પરથી વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. પોતાની ઓળખ એક કંપનીના અધિકારી તરીકે આપી માણસોની ભરતીની જવાબદારી તેને સોંપાઈ હોવાનું મેસેજમાં જણાવાયું હતું. સાયબર ઠગે મેસેજમાં વધુમાં જણાવ્યું હતું કે ઘેરબેઠા સહેલાઈથી રૂપિયા કમાવાની તક છે. તમને મોકલવામાં આવનારા યુટ્યૂબ વીડિયોને લાઈક કરવાથી દરેક લાઈકના પચાસ રૂપિયા પેટે દૈનિક પાંચ હજાર રૂપિયા સુધીની કમાણી થશે. શું તમે પ્રયત્ન કરવા તૈયાર છો?
સાયબર ઠગે મહિલાને એમ પણ જણાવ્યું હતું કે જો તમે સાત હજાર રૂપિયા ચૂકવશો તો પ્રિ-પે ટાસ્ક આપવામાં આવશે, જેનાથી દૈનિક ૯,૧૦૦ રૂપિયાની કમાણી કરી શકશો. લાલચમાં સપડાયેલી મહિલાએ ચાર ઑનલાઈન ટ્રાન્ઝેક્શનમાં અઢી લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જોકે કોઈ વળતર ન મળતાં પોતે છેતરાઈ હોવાની જાણ મહિલાને થઈ હતી. મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે બૅન્ક ખાતામાં મહિલાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેની વિગતો પોલીસ મેળવી રહી છે.
યુટ્યૂબ વીડિયોને ‘લાઈક’ કરી રૂપિયા કમાવાની લાલચમાં મહિલાએ લાખો ગુમાવ્યા
RELATED ARTICLES