Homeલાડકીપાતળા થવા માટે પણ સ્ત્રીને વધુ મહેનત કરવી પડે છે!

પાતળા થવા માટે પણ સ્ત્રીને વધુ મહેનત કરવી પડે છે!

ન્યૂટ્રિશનિસ્ટસ એટલે કે આહારશાસ્ત્રીઓ કહે છે કે વજન ઘટાડવાને વ્યક્તિની જાતિ એટલે કે તે સ્ત્રી છે કે પુરુષ એની સાથે સીધો સંબંધ છે. સ્ત્રીના શરીરમાં થતા હોર્મોન્સના સ્રાવ અને બંધારણને વજન વધવા કે ઘટવા સાથે સીધો સંબંધ છે

સ્પેશિયલ -ખુશાલી દવે

અદોદળા કે જાડીપાડી વ્યક્તિઓ માટે આમ પણ વજન ઘટાડવું એ પડકારજનક હોય છે, પણ વિજ્ઞાન કહે છે કે જો તે વ્યક્તિ સ્ત્રી હોય તો તેણે પાતળી પરમાર થવા તેની જેટલા જ અદોદળા પુરુષ કરતાં પણ વધુ મહેનત કરવી પડે છે.
આહારશાસ્ત્રીઓ કહે છે કે,વજન ઘટાડવા માટે મહિલાઓને પુરુષો કરતાં લગભગ બમણી મહેનત કરવી પડે છે. આ પછી જ મહિલાઓ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે છે. સામાન્ય રીતે પુરુષો માત્ર વર્કઆઉટ કરીને એટલે કે શારીરિક કસરત કે યોગાસન કરીને મેદસ્વિતામાંથી ઝડપથી છુટકારો મેળવી શકે છે જ્યારે મહિલાઓએ ખોરાક, ડાયટ પદ્ધતિ,વર્કઆઉટની રીત ઉપરાંત હોર્મોન્સમાંના ફેરફારને પણ ધ્યાનમાં લેવા પડે છે. આ બધું વ્યવસ્થિત મેનેજ કરે ત્યારે જ ચરબી ઓછી થાય છે અને મેદસ્વિતા ઘટાડી શકાય છે.
આમ તો પુરુષ હોય કે સ્ત્રી એક વાર વજન વધી જાય પછી તેને ઘટાડવામાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે જે લોકો વજન ઓછું કરવા માટે સંપૂર્ણ સમર્પિત હોય છે તે લોકોને આ કાર્યમાં ઝડપથી સફળતા મળે છે. લોકો ડાયટ એટલે કે ખોરાક અને વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપે તો જ વધતા વજનની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે, પણ વજન ઘટવું એ લિંગ આધારિત પણ છે.
વધેલા વજનને ઓછું કરવા માટે ઘણા સ્ત્રી – પુરુષો એકસરખું ધ્યાન આપતા હોય તો પણ સ્ત્રીઓ માટે વજનનો કાંટો નીચે તરફ જવામાં સમય લાગી જાય છે. ઘણી વખત સ્ત્રી અને પુરુષ વજન ઘટાડવા માટે એક સાથે જ પ્રયત્ન શરૂ કરે છે,પણ પુરુષોની સરખામણીએ સ્ત્રીનું વજન ઓછું ઘટે છે. આના માટે કેટલાંક પરિબળો જવાબદાર છે.
ચાલો અહીં જાણીએ કે પુરુષોની સરખામણીમાં આખરે મહિલાઓ માટે વજન ઘટાડવું શા માટે મુશ્કેલ સાબિત થાય છે?
હોર્મોન્સમાં તફાવત
ન્યૂટ્રિશનિસ્ટ કહે છે કે વ્યક્તિના હોર્મોન્સ તેમના વજનમાં ઘટાડા માટે મદદરૂપ થાય છે. પુરુષો અને સ્ત્રીઓના હોર્મોન્સમાં તફાવત હોય છે. પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન નામના હોર્મોન્સ વધુ અને એસ્ટ્રોજન ઓછા હોય છે જ્યારે સ્ત્રીઓમાં એસ્ટ્રોજન વધુ અને ટેસ્ટેસ્ટેરોન ઓછું હોય છે. જેના કારણે મહિલાઓને વજન ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એવું માનવામાં આવે છે કે ટેસ્ટેસ્ટેરોન વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. જ્યારે મહિલાઓમાં ઘ્રેલિન હોર્મોન પણ હોય છે. ઘ્રેલિન સ્ત્રીઓની ચરબી ઘટાડવામાં બાધારૂપ છે અને ઘ્રેનિલ ભૂખમાં પણ વધારો કરે છે. આ કારણે જ મહિલાઓ જ્યારે વ્યાયામ કરે છે ત્યારે તેમને થોડી જ વારમાં ફરી ભૂખ લાગી જાય છે.
અમેરિકન જર્નલ ઑફ ફિઝિયોલોજી-રેગ્યુલેટરી,ઇન્ટિગ્રલ એન્ડ કમ્પેરેબલ ફિઝિયોલોજીના એક અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે પુરુષની સરખામણીએ સ્ત્રીઓને કસરત કર્યા પછી ઝડપથી ભૂખ લાગી જાય છે. વર્કઆઉટ પછી ઘ્રેલિનના લીધે ભૂખ લાગવાથી પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ શિસ્ત જાળવી શકતી નથી અને તેઓ વધુ ખાય છે. જ્યારે પુરુષો આ હોર્મોનની વધઘટ અનુભવતા નથી.
પુરુષની સરખામણીએ વધુ ફેટ
સ્ત્રી અને પુરુષની શારીરિક રચનામાં તફાવત છે. સ્ત્રીઓના શરીરમાં પુરુષો કરતાં લગભગ ૧૧ ટકા જેટલી વધુ ચરબી હોય છે. પ્રકૃતિએ સ્ત્રીના શરીરમાં આ રચના આપી છે કારણ કે તેના શરીરે ગર્ભ ધારણ કરવા ઉપરાંત નવ મહિના તેને પોતાના શરીરમાં જ ઉછેરવાનો હોય છે. ચરબી જૈવિક પરિબળ છે સ્ત્રીઓમાં રહેલી ચરબી જ તેમને ગર્ભાવસ્થા દરમિયાન મદદ કરે છે જ્યારે પુરુષોમાં ચરબી પ્રમાણમાં ઓછી હોય છે. ચરબી એ વજન વધારવાનું મુખ્ય ઘટક છે. શરીરમાં ચરબીની વધ-ઘટનો આધાર એડિપોઝ પેશી ઉપર હોય છે. પુરુષોને પેટની આસપાસ એડિપોઝ પેશીના લીધે ચરબી ભેગી થવાની શક્યતા વધુ હોય છે જ્યારે સ્ત્રીઓમાં એડિપોઝ પેશીને લીધે સામાન્ય રીતે નિતંબ અને જાંઘની આસપાસ ચરબી જમા થતી જોવા મળે છે.
માંસપેશીમાં તફાવત
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં સ્નાયુઓની માંસપેશીઓ દુર્બળ હોય છે, જે કેલરી બર્ન કરવા એટલે કે વજન ઘટાડવા માટે મદદરૂપ છે. આ કારણે પણ સ્ત્રીઓ અને પુરુષો એકસરખો જ નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર લે છતાં પુરુષો સ્ત્રીઓ કરતાં ઝડપથી વજન ઘટાડી શકે છે. ઘણી વખત એવું બને છે કે સ્ત્રી અને પુરુષ બંનેએ એક સાથે જ વર્કઆઉટની શરૂઆત કરી હોય તો પણ પુરુષનું વજન શરૂઆતમાં જ ઘટતું જોવા મળે છે. મહિલાઓને કમરના ભાગેથી પણ ચરબી ઘટવામાં વધુ સમય લાગે છે. આ જનીન પર આધારિત છે. જોકે મહિલાઓએ આ કારણે નાસીપાસ થવાની જરૂર નથી. પોતાના ડાયટ પર અને નિયમિત કરસત પર ધ્યાન આપવાથી સ્ત્રીઓને પણ હકારાત્મક પરિણામ મળી
શકે છે.
સ્ત્રીઓ પણ પોતાનું વજન ઘટાડી ચુસ્ત તંદુરસ્ત બની રહે તે માટે અહીં કેટલીક ટિપ્સ…
– તમારા વર્કઆઉટમાં વિવિધ વ્યાયામનો ઉમેરો કરો. એક જ પ્રકારના વર્કઆઉટ પ્લાનને વળગી ન રહો. વિવિધ પ્રકારની કસરતો કરતાં ખચકાઓ નહીં. જોકે કોઈ પણ વર્કઆઉટ પ્લાનને દિનચર્યામાં ઉમેરતા પહેલાં ફિટનેસ એક્સપર્ટ કે જિમ ઈન્સ્ટ્રક્ટરની સલાહ જરૂર લેવી.
– હેલ્ધી ડાયટ લો અને તેની માત્રા પણ નક્કી કરો. આ માટે ન્યૂટ્રિશનિસ્ટની મદદ લો.
ન્યૂટ્રિશનિસ્ટની મદદથી પરીક્ષણ કરાવો કે વજન ઘટાડવા માટે કયો આહાર અને આહાર લેવાની કઈ પેટર્ન તમારા માટે શ્રેષ્ઠ છે?આ અંગે જાણો અને એને નિયમિત રીતે અનુસરો, કારણ કે દરેક વ્યક્તિનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચનની પદ્ધતિ અલગ હોય છે.
– માત્ર વ્યાયામ અને પરેજી પાળવાથી તમને વધારે ફાયદો થશે નહીં. ચરબી ઘટાડવા અસ્તવ્યસ્ત જીવનશૈલીમાં ફેરફાર કરીને રોજિંદી દિનચર્યા નક્કી કરવી અને એને શિસ્તપૂર્વક વળગી રહેવું પણ જરૂરી હોય છે. તમારી ઊંઘનો એટલે કે સૂવા-ઊઠવાનો એક સમય નક્કી કરવો. પૂરતી ઊંઘ લેવી અને સાથે-સાથે નિયમિત શારીરિક વ્યાયામ કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
કેટલીક સરળ કસરત
– ચાલવું એ સૌથી સારો વ્યાયામ છે તેથી દિવસમાં ઓછામાં ઓછું ૨૦ મિનિટ ચાલો.
– દિવસની ૩૦થી લઈને ૧૦૦ ઊઠક – બેઠક કરવી. શરૂઆત ૫ ઊઠક-બેઠકથી શરૂઆત કરી શકાય અને પછી ધીમે-ધીમે આ આંકડો વધારતા જવું.
– પલાંઠી વાળીને રોજ ૧૦ મિનિટ બ્રિધ ઈન અને બ્રિધ આઉટ એટલે કે ઊંડા શ્ર્વાસોચ્છવાસ લો. આ કરવાથી તાત્કાલિક વજનનો ઘટાડો નહીં થાય,પણ લાંબે ગાળે ફરક દેખાશે.
– સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ વ્યાયામ છે રોજ સૂર્ય નમસ્કારથી શરીર ચુસ્ત થાય છે.
– રોજ દસ મિનિટ અંગૂઠા પકડવાથી પણ વજનમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત કસરતો કરતાં પહેલાં ફિટનેસ એક્સપર્ટની સલાહ લેવી કારણ કે કઈ કસરત કરવી અને કઈ ન કરવી એ જાણવું જરૂરી છે. તમારા શરીરનું બંધારણ, વજન, ચરબી ઉપરાંત જો ડાયાબિટીઝ, હાઇ બ્લડપ્રેશર કે એવી અન્ય કોઈ બીમારી હોય તો તે મુજબ યોગ્ય માર્ગદર્શન લીધા પછી જ કસરત કરવી જરૂરી છે.
ડાયટ ટિપ્સ
– સવારે ઊઠીને સૌથી પહેલાં ઓછામાં ઓછું બે ગ્લાસ નવશેકું પાણી પીવું.
– સવારે બ્રેકફાસ્ટમાં વેજિટેબલ કે ફ્રૂટ સલાડ અને એક ગ્લાસ જ્યુસ પીવાનું રાખો. વેજિટેબલ સલાડમાં બ્રોકલી, બિટ, ગાજર, પાલકનો વધુ ઉપયોગ કરો. ફ્રૂટ સલાડમાં નારંગી, મોસંબી, સફરજન, અનાનસ, ડ્રેગનફ્રૂટ જેવાં રસ ધરાવતાં ફળ લેવાથી ફાયદો થઈ શકે છે એવું ન્યૂટ્રિશનિસ્ટોનું કહેવું છે.
– જ્યૂસમાં આમળા, નારંગી, મોસંબી, નારિયેળ પાણી, ફૂદીનાનો ઉપયોગ કરી શકાય.
-રાત્રિભોજન હળવું રાખવું. શક્ય હોય તો રાતે થુલી કે ઓટ્સ જેવો હળવો આહાર જ લેવો.
– સૂર્યાસ્ત પહેલાં રાત્રિભોજન કરી લેવું
શારીરિક રીતે કદાચ પુુરુષો કરતાં મહિલાઓને વજન ઘટાડવામાં વધુ મહેનત પડતી હશે પણ માનસિક રીતે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ મજબૂત હોય છે. એટલે જ તેઓ એક વખત સંકલ્પ કરે તો એને વળગી રહે એવી સંભાવના વધુ હોય છે. તમારી પોતાની આ સંકલ્પશક્તિનો ઉપયોગ કરીને જો નિયમિત વ્યાયામ, ડાયેટ ક્ધટ્રોલ કરશો તો વજનની પણ મજાલ નથી કે તે ન ઘટે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular