એક ગુજરાતણના પ્રેમમાં પડ્યો ગોરો અને પછી…

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

તમે પ્રેમમાં કઈ હદ સુધી જઈ શકો… ના… ના… આપણે કોઈ હીચકારું કૃત્ય નથી કરવું. અહીં તો ક્રિયેટિવિટીની વાત થાય છે. આજે પ્રેમમાં ભેટ આપવાનું પ્રમાણ ૧૦૦ ગણું વધી ગયું છે. તેમાંય હવે તો રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે, વેલેન્ટાઈન્સ ડે, પ્રિયતમ કે પ્રિયતમાનો બર્થડે, પહેલી વાર મળ્યા તેનો ડે… આવા તો અનેક ડે આવે જેમાં છૂપી રીતે ‘કંઈક દે’ શબ્દ છુપાયેલો છે, એટલે પ્રેમી-પંખીડાંઓ આવા આધુનિક પ્રેમના યુગમાં ભેટનો સહારો લઈને પોતાનો પ્રેમ કેટલો મહાન છે તેની ઝાંખી કરાવવાનું ચૂકતા નથી.
દુનિયામાં અનેક પ્રેમીઓ થઈ ગયા જેમણે પોતાની પ્રેયસીને ભેટ આપવા અવનવાં સંશોધન કર્યાં અને એ આગળ જતાં દુનિયાને ઉપયોગી થયાં, જેમ કે ગ્રેહામ બેલની પત્નીનું નામ હેલો હતું એટલે ટેલિફોનમાં હેલો શબ્દ બોલવામાં આવ્યો. ગૂગલના ટર્કિશ એન્જિનિયર ઓર્કુટે પોતાની કોલેજકાળની ખોવાયેલી પ્રેમિકાને શોધવા સોશિયલ નેટવર્ક ઓર્કુટ બનાવ્યું હતું. આજે લોકોને ભારોભાર પ્રેમની જરૂર છે. હૃદયને પ્રેમ ન મળે કે લાગણી ન મળે તો શરીરનું આખું તંત્ર બગડી જાય છે. હૃદય એ પાવરહાઉસ છે અને મગજની ઇલેક્ટ્રો-મેગ્નેટિક એનર્જી કરતાં હૃદય ૫૦ ગણી વધુ ઇલેક્ટ્રિકલ એનર્જી પેદા કરે છે. ત્યારે ૨૧મી સદીમાં પોતાના પ્રેમને અમર બનાવવા માટે એક યુવકે પોતાની પ્રેમિકાના મનોરંજન માટે ‘વર્ડલ’ નામે ૩ મિનિટ સુધી રમી શકાય એવી અનોખી ગેમ બનાવી. આ ગેમ એવી ચાલી કે આજે તેના લાખો યુઝર છે. તેની સફળતાને પગલે ૧૭૦ વર્ષ જૂના ન્યુ યોર્ક ટાઇમ્સે સાત આંકડાની ગુપ્ત અને અફ કોર્સ તોતિંગ રકમ ચૂકવીને આ ગેમ ખરીદી લીધી છે. હાલ ન્યુ યોર્ક ટાઇમ્સ સંપૂર્ણપણે એપ્લિકેશન બેઝ બની ગયું છે. અખબાર હાર્ડ કોપીમાં તો ભાગ્યે જ જોવા મળે છે, જેથી ‘વર્ડલ’ ગેમ રમતા યુઝર સીધા અખબાર સાથે કનેક્ટ થઈ જાય અને સબસ્ક્રિપ્શનની રકમ પણ ચૂકવી દે.
સાદા શબ્દોમાં કહીએ તો વર્ડલ એ પાંચ અક્ષરના સ્પેલિંગનું અનુમાન લગાવવાની ગેસિંગ ગેમ છે. તમે અખબારમાં સુડોકુની ગેમ તો નિહાળી જ હશે. આ તેનું અપગ્રેડેડ વર્ઝન છે. આપણા દેશમાં તો અખબારની સાથે દાયકાઓ જૂનો નાતો ચિત્રપટ્ટી અને કોયડાઓનો રહ્યો છે. ક્રોસવર્ડ પઝલનો ક્રેઝ એવો હતો કે એક સમયે એનાં અલાયદાં ઈનામી મેગેઝિન્સ બ્રેનગેમ, ટાઈમપાસ, મગજમારી વગેરે નામથી બહાર પડતાં જેથી ક્રોસવર્ડ પઝલના જ એક્સ્ટેન્શનરૂપે ‘સ્ક્રેબલ’ જેવી વર્ડ ગેમ્સનો વિશ્ર્વવ્યાપી ક્રેઝ વ્યાપી ગયેલો જે આગળ જતાં ‘સ્પેલિંગ બી’ નામે ઓળખાયો. અમેરિકામાં દર વર્ષે થતી રાષ્ટ્રીય હરીફાઈમાં ૧૫ વર્ષ સુધીની વયના વિદ્યાર્થીઓ માથા પર ઘોડાની લાત લાગે તેવા અઘરા અઘરા અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ બોલી બતાવે છે અને તગડું ઇનામ જીતે છે, જેને ’સ્પેલિંગ બી’ તરીકે ઓળખવામાં આવે છે. સ્પેલિંગ બીને ઓનલાઈન ડિજિટલ સ્વરૂપમાં ન્યુ યોર્ક ટાઈમ્સની એપમાં મૂકવામાં આવી હતી, પણ ન્યુ યોર્ક ટાઈમ્સના સંચાલકોને આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેની સ્પેલિંગ બીના કોન્સેપ્ટ સમી ‘વર્ડલ’ ગેમ ફેમસ થઈ.
આ માટે ન્યુ યોર્ક ટાઈમ્સના સંચાલકોએ ‘વર્ડલ’ના માલિક યાને કે આ ગેમના શોધક જોશ વોર્ડલનો સંપર્ક કર્યો અને તેની ‘વર્ડલ’ ગેમ ખરીદવાની ઓફર કરી. જોશ તો ઓફર સાંભળીને જોશમાં આવી ગયો. જ્યારે ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા આ ગેમ કઈ રીતે બની તેની હિસ્ટ્રી તપાસવામાં આવી તો તેમાં પ્રેમનું ખીલેલું પુષ્પ મળી આવ્યું. મૂળે બ્રિટિશર એવા જોશ વોર્ડલે ૨૦૦૬માં લંડનની રોયલ હોલોવે યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ તેણે અમેરિકાની વાટ પકડી અને ૨૦૦૮માં ફાઇન આર્ટ્સમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી. ત્યાર પછી બે ઘટના બની. એક તો જોશ વોર્ડલે પોપ્યુલર સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ‘રેડ્ડિટ’માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ શરૂ કરી. ઉપરાંત સાહેબ પલક શાહ નામની ગુજરાતણ યુવતીના પ્રેમમાં પડ્યા. ત્યારે જોશે ‘બટન’ નામની માત્ર ૬૦ સેક્ધડ સુધી જ રમી શકાય એવી ગેમ બનાવી હતી, જેમાં દરેક યુઝરને એક વર્ચ્યુઅલ બટન દેખાય, જે પ્રેસ કરવાનું ૬૦ સેક્ધડમાં દુનિયાના કોઈ પણ ખૂણે બીજાએ. એ પ્રેસ કરી અખંડ ધૂનની જેમ એની ચેન ચાલુ રાખવાની! આજની ધીરજવિહીન જનરેશનને એવી થ્રિલ મળી કે લોકો એવરેજ ૨૭ સેક્ધડના ટાઇમમાં જ બટન પ્રેસ કરી દેતા, પણ આ ગેમમાં બીજું તો કંઈ હતું નહીં એટલે એક મહિનામાં આ ગેમનું ફિંડલું વળી ગયું.
આમેય ‘બટન’નો જન્મ ૨૦૦૮માં થયો જ્યારે કી-પેડવાળા ફોનમાં લોકો બટન દબાવી દબાવીને થાકી જતા હતા. વર્ષોનાં વહાણાં વીતી ગયાં જોશ અને પલક લગ્નના તાંતણે બંધાયાં. ૨૦૧૩માં જોશને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો. એટલે તેણે ફોટા પર કવિતાઓને ટેક્સ્ટ ફોર્મ આપતી પિનટરેસ્ટમાં નોકરી શરૂ કરી દીધી. એ સમયે પલક સ્પેલિંગ બી અને ધ ન્યુ યોર્ક ટાઇમ્સમાં આવતી ક્રોસવર્ડ પઝલ જેવી વર્ડ ગેમ્સ રમવાની શોખીન હતી. એ જાણીને જોશને પાછો જોશ ચડ્યો. ‘બટન’ પરથી ધૂળ ખંખેરી અને શબ્દરમતની રચના કરતા સોફ્ટવેરનું નિર્માણ કર્યું. છેક ૨૦૨૦માં તેની ગેમ ‘વર્ડલ’ તૈયાર થઈ ગઈ અને જોશે પલકને આ ગેમની ભેટ આપી હતી અને વિચાર્યું હતું કે જો પલકને રમવાની મજા આવશે તો ગેમને મોટા પાયે લોન્ચ કરવામાં આવશે, પણ ત્યાં તો કોરોનાનો કપરો કાળ શરૂ થઈ ગયો હતો. લોકો લોકડાઉનમાં કેદ હતા. એવા સમયે પલક આખો દિવસ ‘વર્ડલ’ જ રમ્યા કરતી. તેને તો ટાઈમ પાસ કરવાનું સાધન મળી ગયું. તેમાં જ પલકને વિચાર આવ્યો કે આ ગેમને મિત્રો સુધી પહોંચાડીએ એટલે તેણે પોતાના ફેમિલી મેમ્બર્સને વોટ્સએપમાં લિંક મારફત આ ગેમ શેર કરી અને લોકોને પણ જલસો પડ્યો.
લોકો જ્યારે લિંક ખોલે તો તેમાં ૫ડ્ઢ૬ બોક્સની ક્રોસવર્ડ જેવી, પરંતુ સાવ કોરી લંબચોરસ પેટર્ન હાજર થઈ જાય છે. નીચે કીબોર્ડ આપેલું દેખાશે. આ ગેમ રોજ પાંચ અક્ષરનો એક શબ્દ રિલીઝ કરે છે, જેને ત્રણ જ મિનિટમાં શોધી કાઢવાનો, રોજ સવારે આ લિંક પર જઈને મનમાં આવે એ પ્રમાણે પાંચ અક્ષરના કોઈ પણ સ્પેલિંગ વન બાય વન એન્ટર કરતા જવાનું છે. જેવો એક સ્પેલિંગ એન્ટર થાય એટલે એમાંના અમુક અક્ષરો ગ્રીન, અમુક યલો અને અમુક ગ્રે થઈ જશે. એમાં જે અક્ષર ગ્રીન થયો છે એનો અર્થ એ આજના નિર્ધારિત કરેલા શબ્દમાં એ અક્ષર છે અને એક્ઝેક્ટ એ જ જગ્યાએ છે. જે અક્ષર યલો થયો છે એનો અર્થ એ કે આજના નિર્ધારિત શબ્દમાં એ અક્ષર છે ખરો, પણ બીજી કોઈ જગ્યાએ છે, જ્યારે ગ્રે થયેલો અક્ષર આજના શબ્દમાં છે જ નહીં. આ રીતે આજનો પાંચ અક્ષરનો શબ્દ કયો છે એ શોધી કાઢવા માટે કુલ છ ટ્રાય મળે. ઉપરના નિષ્ફળ પ્રયત્નોમાંથી મળેલા ક્લુ પરથી અનુમાન લગાવીને આજનો શબ્દ શોધી કાઢવાનો. વાંચવામાં કદાચ અટપટું લાગે, પણ લોકોને આ ગેમ રમવાની ખૂબ મજા પડી.
લોકોની ગેમ પ્રત્યેની ઘેલછાને ધ્યાનમાં રાખીને જોશે ૧ ઓક્ટોબર, ૨૦૨૧માં ઓનલાઇન પોતાની વેબસાઈટ પર રિલીઝ કરી. ૧ નવેમ્બરના રોજ આ ગેમના માત્ર ૯૦ યુઝર હતા, પરંતુ જોતજોતામાં લોકોને આ ગેમનો એવો ચસકો લાગ્યો કે આજની તારીખે વર્ડલ રમનારાઓની સંખ્યા વધીને પાંચ લાખને ક્રોસ કરી ગઈ છે. ગેમ રિલીઝ થયાના થોડા જ સમયમાં આખા ઇન્ટરનેટ પર દાવાનળની જેમ આ ગેમનો ક્રેઝ ફેલાઈ ગયો અને કરોડો યુઝર્સ આ ગેમ રોજિંદા ધોરણે રમવા માંડ્યા અને સોશિયલ મીડિયામાં શેર પણ કરવા માંડ્યા. આજે વર્ડલ ન્યુ યોર્ક ટાઇમ્સની વેબસાઇટ અને મોબાઇલ એપમાં કરોડો યુઝર સાથે લોકોના મોબાઈલમાં છવાઈ ગઈ છે. હવે તો વર્ડલનું દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સને એવું ઘેલું લાગ્યું છે કે લોકો તેને રમી રમીને તેનું રિઝલ્ટ રોજેરોજ સોશિયલ મીડિયા પર શેર કરવા માંડ્યા છે.
રસપ્રદ વાત એ છે કે કોઈ પણ વ્યક્તિની મદદ વિના જોશે પોતાની પ્રિયતમાને ભેટ સ્વરૂપે આ ગેમ આપી અને આજે આખી દુનિયા તેનો આંનદ લઈ રહી છે. હવે તો વર્ડલની અનોખી ગેમ બનાવી જેની સરખામણી તાજમહેલ સાથે થાય છે, કારણ કે મુમતાઝ માટે શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો. તેમાં એવી કોઈ યોજના નહોતી કે લોકો તાજમહેલની મુલાકાત લે અને તેમાંથી શાહજહાંનું ઘર ચાલે, પણ આજનો પ્રેમ આધુનિક થઈ ગયો છે. પ્રેમિકાને ભેટ સ્વરૂપે આપેલી ગેમથી પણ પ્રેમી કરોડોમાં આળોટે છે અને દુનિયામાં પોતાના પ્રેમની મિસાલ કાયમ કરે છે. આ મુદ્દે તમારું શું માનવું છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.