એક લટાર ઈંગ્લેન્ડના ‘પોઈઝન ગાર્ડન’માં…

73

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

ગાર્ડન, બગીચો, બાગ… નામ સાંભળીને જ મન પ્રસન્ન થઈ ઊઠે. હરિયાળી, સરસમજાનાં રંગબેરંગી ફૂલો અને આ ફૂલો પર મંડરાઈ રહેલાં બ્યુટિફુલ બટરફ્લાય આંખોની સામે તરવરી ઊઠે બરાબરને? પણ ક્યારેય એવું સાંભળ્યું છે ખરું કે કોઈ ગાર્ડન જીવલેણ, જોખમી અને ઝેરી પણ હોઈ શકે? ત્યાં જોવા મળતાં ફૂલ-છોડને સ્પર્શતાં કે તેની ગંધ લેતાં જ માણસના રામ રમી જાય? સવાલ જ કદાચ પહેલી વખત સાંભળ્યો હશે, પણ સવાલનો જવાબ છે હા, અને આજે આપણે એવા જ જોખમી અને ઝેરી ગાર્ડનમાં લટાર મારીશું. આ માટે આપણે પહોંચી જવું પડશે ઈંગ્લેન્ડના નોર્થમ્બરલેન્ડમાં આવેલા એલ્નવિક કેસર ખાતે…
આ ગાર્ડનમાં પણ અત્યાર સુધી તમે જોયેલા તમામ ગાર્ડનની જેમ ફૂલ, છોડ અને બીજા અનોખા પ્લાન્ટ્સ ઉગાડવામાં આવ્યાં છે, પણ એક વખત એ પ્લાન્ટ્સ કે ફૂલ કેટલાંક જોખમી કે જીવલેણ નીવડી શકે છે એ જાણી લો તો તમે એની સુંદરતાને માણવાને બદલે ગભરાટના માર્યા તેનાથી સો ફૂટનું અંતર જાળવવાનું વધારે મુનાસિબ માનશો. આ ગાર્ડનમાં લટાર મારવા માટે નિષ્ણાતોનું માર્ગદર્શન અને નિગરાણી ખૂબ જ મહત્ત્વનાં છે. ટૂર ગાઈડની સાથે બગીચામાં પ્રવેશીને તમે ગાર્ડનની સુંદરતાનો આનંદ ઉઠાવી શકો છો, પણ કાળજીપૂર્વક.
દુનિયાનો એકમાત્ર પોઈઝન ગાર્ડન હોવાનો દાવો આ ગાર્ડનનું નિર્માણ કરનાર ડચ અને જેન પર્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેઓ આ ગાર્ડનના માધ્યમથી લોકોને પ્રશિક્ષિત કરીને વનસ્પતિ કઈ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે કે મૃત્યુ કેટલું ભયાવહ અને દર્દનાક હોઈ શકે તેની કલ્પના કરાવવા માગે છે. ૧૧મી સદીના બનાવવામાં આવેલા નોર્થમ્બરલેન્ડના કિલ્લાના દુર્લક્ષિત પરિસરનો પુનર્વિકાસ કરતી વખતે વનસ્પતિના માધ્યમથી કંઈ અલગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાંથી જ આ ઝેરી છોડ-ફૂલવાળો ગાર્ડન બનાવવાની કલ્પના આવી. મધ્યયુગમાં બનાવવામાં આવેલા ઔષધી બાગ પરથી જ પ્રેરણા લઈને આ પોઈઝન ગાર્ડન પણ ડેવલપ કરવામાં આવ્યો છે.
૨૦૦૫માં સામાન્ય લોકો માટે ખુલ્લા મૂકવામાં આવેલા આ ગાર્ડનમાં લટાર મારવી એ એક અનોખો અનુભવ છે. અત્યાર સુધી દુનિયાભરની અલગ અલગ જગ્યાએથી સેંકડો લોકો આ ગાર્ડનની મુલાકાત લઈ ચૂક્યા છે. કુદરત, ઈતિહાસ અને મૃત્યુ બાબતની ઉત્સુકતા લોકોને અહીં ખેંચી લાવે છે. જે વનસ્પતિમાં રોગથી મુક્તિ અપાવનારા ઔષધી ગુણધર્મ હોય છે એ જ વનસ્પતિમાં જીવલેણ ઝેરી ગુણધર્મ પણ હોય છે, એવું ડચ પર્સી વાત કરતાં જણાવે છે.
વાતનો દોર પોતાના હાથમાં લેતાં જેન પર્સી જણાવે છે કે આ પોઈઝન ગાર્ડનમાંથી શીખી શકાય એવી મહત્ત્વની વાત એટલે ઝેરી વનસ્પતિમાંથી અનેક વનસ્પતિ તો ખૂબ જ સરળતાથી આપણી આસપાસમાં જોવા મળી જાય છે, પણ આપણને તેના વિશે માહિતી નથી હોતી.
દુનિયાભરની સૌથી વધુ ઘાતક ગણાતી વનસ્પતિને બાગમાં ઉગાડવી એ એક પડકારજનક કામ છે અને એમાંથી ઘણાં ઝાડ તો એવાં છે કે તેમને સ્પર્શ કરવાથી કે તેની ગંધ લેવાથી પણ તે જોખમી બની જાય છે. હવે આવાં જોખમી છોડ-ફૂલની દેખરેખ કરવી એ માળી માટે એક પડકાર સમાન છે અને તેમણે હેન્ડ ગ્લવ્ઝ, ફેસ શીલ્ડ અને હેલમેટ સૂટ પહેરીને જ ગાર્ડનમાં કામ કરવું પડે છે. અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિ ઉગાડવા માટે તો મંજૂરીની આવશ્યતા હોય છે અને આ અલ્નવિક ગાર્ડન પાસે ઈંગ્લેન્ડમાં માદક પદાર્થની વનસ્પતિની ખેતી કરવાનો પરવાનો પણ છે.
અન્ય બોટનિકલ ગાર્ડન કરતાં આ ગાર્ડન જરા હટકે છે. ઝેરી વનસ્પતિનો ઈતિહાસ અને વિશિષ્ટ ગુણધર્મો મનોરંજક તો ચોક્કસપણે જ નથી, પણ એથી વિપરીત તે અસ્વસ્થ કરી નાખે છે. અહીં વિઝિટર્સને ટૂર ગાઈડ દ્વારા જે સ્ટોરી જણાવવામાં આવે છે તે સ્ટોરીઓ તેમને અહીં ફરી આવવા માટે પ્રોત્સાહિત કરે છે… તો જ્યારે પણ હવે ઈંગ્લેન્ડ જાઓ ત્યારે આ પોઈઝન ગાર્ડનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!