શનિવારે ઈન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને તેને કારણે આસપાસના ગામડાઓ સુધી રાખ ઉડી હતી કે એવું કહી શકાય કે આ ગામડાઓમાં રાખનો વરસાદ થયો હતો. વિસ્ફોટ બાદ ધુમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટરની ઉંચાઈ સુધી ઉડ્યા હતા. આ દુર્ઘટનાને કારણે અત્યાર સુધી તો કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી. પરંતુ તકેદારીના પગલાં લઈને આસપાસના ગામના લોકો અને પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગ્યાકાર્તા પાસેના જાવા ટાપુના આ જ્વાળામુખીની ઊંચાઈ 9737 ફૂટ જેટલી છે. વિસ્ફોટ બાદ તેની રાખ શિખરથી 9600 ફૂટ ઊંચે ઊડી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા આસપાસના સાત કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે અત્યારે જ્વાળામુખીથી થયેલા નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. લોકોને આ વિસ્તારથી દૂર જવા માટે જણાવવામાં આવ્યું છે.
અબ્દુલ મુહરીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રાખના કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેની સાથે જ જ્વાળામુખીની ગરમ માટીના ફ્લડની પણ સંભાવના છે. વરસાદના કારણે આવી સ્થિતિ સર્જાય છે. જ્વાળામુખી ફાટ્યા પછી વારંવાર વરસાદ પડે છે. આ જ્વાળામુખીની ખૂબ નજીક લગભગ આઠ ગામ આવેલા છે અને આ રાખનો વરસાદ પડ્યો હતો. આ જ્વાળામુખી બે વર્ષ પહેલા જાન્યુઆરી મહિનાથી આ જ્વાળામુખીમાં સતત ગર્જના કરતો હતો અને પછી તેમાંથી 28 દિવસ સુધી લાવા બહાર ફેંકાતો હતો.
વર્ષ 2010માં આ જ્વાળામુખી ફાટવાને કારણે 347 લોકોના મોત થયા હતા. માઉન્ટ મેરાપી જ્વાળામુખી 1548થી દર થોડા સમયે ફાટી રહ્યો છે. 2006થી તો આ જ્વાળામુખી વધારે સક્રિય બન્યો છે. એપ્રિલ 2006માં આ જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે આસપાસના વિસ્તારોમાં 156 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મે 2018માં માઉન્ટ મેરાપી ફરીથી ફાટી નીકળ્યો હતો અને તેના કારણે 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. યોગ્યાકાર્તાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે કેટલાય દિવસોથી આકાશમાં રાખના કારણે અવરજવરમાં પણ અવરોધ ઊભો થયો હતો.
વિશ્વમાં 1500 સક્રિય જ્વાળામુખી છે અને વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ઇન્ડોનેશિયામાં છે. અહીં કુલ 121 જ્વાળામુખી છે. જેમાંથી 74 જ્વાળામુખી વર્ષ 1800થી સક્રિય છે અને તેમાંથી 58 જ્વાળામુખી વર્ષ 1950થી સક્રિય છે. એટલે કે તેઓ ગમે ત્યારે ફાટી શકે છે. 12 ઓગસ્ટ, 2022થી સાત જ્વાળામુખી સતત ફાટી રહ્યા છે. જેમાં ક્રાકાટોઆ, મેરાપી, લેવોટોલોક, કારંગેટાંગ, સેમેરુ, ઇબુ અને ડુકોનોનો સમાવેશ થાય છે.
હવે સવાલ એવો થાય છે કે અહીં આટલા બધા સક્રિય જ્વાળામુખી કેમ છે? આના ત્રણ મોટા કારણો છે. પ્રથમ કારણ એટલે ઇન્ડોનેશિયા ત્યાં યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ દક્ષિણ તરફ આગળ વધી રહી છે. ભારતીય-ઓસ્ટ્રેલિયન ટેકટોનિક પ્લેટ ઉત્તર તરફ આગળ વધી રહી છે. ફિલિપાઈન પ્લેટ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. હવે આ ત્રણ પ્લેટમાં અથડામણ કે લપસવાને કારણે જ્વાળામુખીનો સતત વિસ્ફોટ થતો રહે છે.
ફાટી નીકળતા જ્વાળામુખીનો દેશ ઈન્ડોનેશિયા
હકીકતમાં ઈન્ડોનેશિયાને જ્વાળામુખીના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલો છે. મોટાભાગની ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં થાય છે. જેના કારણે ભૂકંપ, સુનામી, લાવા ડોમનું નિર્માણ વગેરે જેવી ઘટનાઓ બનતી જ રહે છે. ઇન્ડોનેશિયાના સૌથી સક્રિય જ્વાળામુખી કેલુત અને માઉન્ટ મેરાપી છે. આ બંને જાવા પ્રાંતમાં છે.
હવે આપણે વાત કરીએ ચાર એવા અન્ય દેશો વિશે કે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. ઈન્ડોનેશિયા પછી જો કોઈ દેશમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે તો તે અમેરિકા છે. અમેરિકામાં 63 સક્રિય જ્વાળામુખી છે, ત્યાર બાદ આવે છે વારો જાપાનનો અહીં 62, રશિયામાં 49 અને ચિલીમાં 34 જેટલા જ્વાળામુખી સક્રિય છે. એટલે કે આ તમામ જ્વાળામુખી કાં તો વિસ્ફોટ કરી રહ્યા છે. અથવા કોઈપણ સમયે વિસ્ફોટ થઈ શકે છે…