અમદાવાદ શહેર માટે આજે મહત્વનો દિવસ છે, કારણ કે આજે ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદનો જન્મ દિવસ છે અને અમદાવાદને આપણે જન્મદિવસ વિશ કરીએ એ પહેલાં એના ઇતિહાસમાં એક ડોકિયું કરી લઈએ….
જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહ બાદશાહને અહમદાબાદ બસાયા… અમદાવાદ સાથે જોડાયેલી આ ખૂબ જ પ્રખ્યાત અને જૂની કહેવત છે. ઈ.સ.1411માં સુલતાન અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અહમદશાહે જ્યારે અમદાવાદ વસાવ્યું હતું ત્યારે આ શહેરમાં એક ડઝન જેટલા દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો. આ કોટની વચ્ચે સુંદર મજાનું અમદાવાદ શહેર કેદ હતું.
સમય જતાં અમદાવાદ માત્ર કિલ્લા પૂરતું મર્યાદિત નહીં રહેતા ચારેબાજુ આ શહેરે પોતાની પાંખો ફેલાવી દીધી હતી. આજે અમદાવાદ જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર અને નવું અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વહેંચાય ગયું છે. અમદાવાદની શાન ગણાતાં દરવાજાઓ આજે અડીખમ ઉભા છે, જે અમદાવાદના ભવ્ય ભૂતકાળના યાદ તાજી કરાવે છે.
ઈ.સ 1411માં જયારે અહેમદશાહે અમદાવાદની સ્થાપના કરી એ પહેલાં અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું. કર્ણરાજાએ પતન પછીનું પાટનગર કર્ણાવતી બનાવ્યું અને ત્યાર બાદ આ જ કર્ણાવતીને અહેમદશાહે અમદાવાદમાં પરિવર્તિત કરી દીધું. પરાજય બાદ કર્ણરાજાએ સરળતાથી વેપાર થઈ શકે તે હેતુથી કર્ણાવતીને પાટનગર બનાવ્યું હતું.
પ્રાચીન મંદિરો, ઈમારતો અનેક સ્થાપત્યો અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળી રહ્યું હતું. જ્યારે હાલમાં આધુનિક બનેલા અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં તમને પહેલાનું અમદાવાદ જોવા મળી શકે છે. પહેલાંની કેટલીક પ્રતિકૃતિ આજે પણ મ્યુઝિયમમાં મુકેલી જોવા મળી રહી છે.
સમયની સાથે અમદાવાદમાં વેપાર, વાણિજ્ય અને રહેઠાણોનો વિકાસ થતો હતો અને એક તબક્કો એવો પણ આવ્યો કે અમદાવાદ દિલ્હી અને આગ્રા શહેરની હરોળમાં ગણાવા લાગ્યું હતું. આ જ કારણસર ઇતિહાસકારો અમદાવાદના વિકાસને દિલ્હી અને આગ્રા સાથે સરખાવે છે. દિલ્હી અને આગ્રા શહેર જેમ યમુના નદીના કાંઠે વસેલા છે એ જ રીતે અમદાવાદ પણ પણ સાબરમતી નદીના કાંઠે વસાવવામાં આવ્યું છે.
આજના અમદાવાદની વાત કરીએ તો આજે અહીં દેશના ખૂણે-ખૂણેથી લોકો રોજી રોટીની શોધમાં આવે છે અને ખાલી હાથે આવેલી વ્યક્તિ પોતાના પુરૂષાર્થ અને નસીબને જોરે આગળ વધે છે, પણ તેની આ સફળતા પાછળ નગરદેવીના માં ભદ્રકાળીના આશિર્વાદ પણ હોય છે… સો લેટ્સ વિશ હેપ્પી બર્થડે ટુ બ્યુટીફૂલ સિટી ઓફ ગુજરાત….