(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણેઃ થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં છ ફૂટનો ઝેરી સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સર્પમિત્રને બોલાવીને સાપને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનની સાફ-સફાઈ કરવા માટે આવેલા સફાઈ કર્મચારીને પોલીસ સ્ટેશનના દરવાજાની સામે આ સાપ જોવા મળ્યો હતો. સફાઈ કર્મચારીએ ફરજ પર હાજર પોલીસ અધિકારીનું ધ્યાન આ તરફ દોર્યું હતું.
પોલીસ સ્ટેશનમાં સાપ હોવાની જાણ થતાં તાત્કાલિક સર્પમિત્રને બોલાવવામાં આવ્યા હતા. વાગળે એસ્ટેટના ત્રણ સર્પમિત્રોએ મળીને સાપને પકડ્યો હતો. આ સાપ ઘોણસ પ્રજાતિનો ઝેરી સાપ હોવાની માહિતી સર્પમિત્રો દ્વારા આપવામાં આવી હતી.