નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
માનવને અનેક પ્રકારના ભય સતાવતા હોય છે, તેમાંના અમુક ભય વિશે જાણીએ ત્યારે આપણે ચકિત થઈ જઈએ કે આવા પ્રકારના પણ ભય હોય ? નમૂનારૂપે વિવિધ પ્રકારના ફોબિયા જુઓ. એક્રોફોબિયા – ઊંચાઇનો ભય – અગોરા ફોબિયા – ખુલ્લી જગ્યાનો ભય – એઇલયુરો ફોબિયા – બિલાડીનો ભય – હાઇડ્રો ફોબિયા – પાણીનો ભય – કલ્સટરો ફોબિયા – બંધ જગ્યાનો ભય – સાયનો ફોબિયા – કૂતરાઓનો ભય – માયસો ફોબિયા – ધૂળ-જીવાતનો ભય – પાયરો ફોબિયા – આગનો ભય – ઝીનો ફોબિયા – અજ્ઞાત વ્યક્તિનો ભય – ઝૂ ફોબિયા – પ્રાણીઓનો ભય. આવો જ એક ભય છે ’આર્કનોફોબિયા’. આર્કનોફોબીયા એટલે કે કરોળિયાઓનો ભય. આર્કનોફોબીયાથી પીડાતા લોકો કરોળિયાના સંપર્કમાં આવવાના વિચાર માત્રથી થર થર ધ્રુજવા માંડે છે.
આજે આપણે વાત કરવી છે કરોળિયાની જાણી અજાણી વાતો. કરોળિયાની વાત આવે ને આપણને સીધો સ્પાઈડરમેન જ યાદ આવી જાય. વધુમાં દિવાળી સમયે ઘુંહ-જાળા કરવાના આવે ત્યારે સાવરણીના પ્રહારથી આમતેમ ભાગતા સાવ નાના નાના કરોળિયા યાદ આવે, ક્યારેક વૃક્ષો પરથી લટકીને આપણા ખભા પર લેન્ડીંગ કરતો કરોળિયો યાદ આવે. પરંતુ આપણે એ નથી જાણતા કે વિશ્વમાં, ભારતમાં અને/અથવા ગુજરાતમાં કરોળિયાની કેટલી
જાતો છે.
ગુગલબાબાની જય કરીને એ બધા આંકડા હું આપી શકું પરંતુ આજે એવું કરવાનો ઈરાદો નથી. પ્રકૃતિની વાત યાદ આવે ને ૯૦ ટકા લોકોને વૃક્ષારોપણ યાદ આવે, અમુક લોકોને પક્ષીઓની અનેક જાતિઓ યાદ આવે, વનરાજી, કુદરતી દૃશ્યો અને સિંહ, વાઘ અને દીપાડા જેવા હિંસક પ્રાણીઓ યાદ આવે, હરણીયા યાદ આવે … અને મારા જેવા આંશિક પાગલોને સર્પો યાદ આવે. પરંતુ બહુ જૂજ સંખ્યામાં લોકો એવા છે જેઓ મારા કરતા પણ પાગલ છે જેમને પ્રાણીસૃષ્ટિની અજાયબી જેવા અષ્ટપાદ એટલે કે કરોળિયા યાદ આવે.
કરોળિયાની ઉત્પતિ અંગે વાત કરીએ તો દરીયામાંથી નીકળીને ધરતીને કર્મભૂમિ બનાવનારા અમુક જીવો અનુકુલન સાધીને વિંછી બન્યા. વિંછી બન્યા એ વખતથી જ તેઓ અષ્ટપાદ હતા. કહેવાય છે કે દરિયામાંથી જે જીવ નીકળ્યો એ એક જ વડવામાંથી વિંછી અને કરોળિયા બન્યા. તે વખતે તમામ કરોળિયાની જાતિઓ જમીન પર રહેતી હતી અને જમીન પરના જીવડાઓનો શીકાર કરતી.
હજારો વર્ષોના સમયગાળામાં હવામાં ઉડતા જીવડાઓની જાતો અસ્તિત્વમાં આવી. તેની સાથે સાથે કરોળિયાઓએ પણ ઉડતી જીવાત અને જીવડાઓનો શીકાર કરવા માટે વૃક્ષો પર રહેવાનું અને રેશમની જાળથી શીકાર કરવાનું ચાલુ કર્યું. વિંછીમાંથી કરોળિયા બન્યા એ સંક્રાંતિકાળના જેને કરોળિયો કહી શકાય એવા પ્રાણીના અશ્મીઓનું કદ ખુબ જ મોટું છે. એ સમયના કરોળિયાના અશ્મી આશરે પોણા બે ફૂટના છે.
ગુજરાતના લોકોએ જેમ અષ્ટપાદ એટલે કે આઠપગા જીવોમાં ખાસ કરીને કરોળિયાની અવગણના કરી છે, પરંતુ પ્રકૃતિના અજાયબ એવા આ જીવની અવગણના પ્રાણીશાસ્ત્રીઓએ પણ કરી છે.
આ ફીલ્ડમાં સંશોધન કાર્ય કરનારાઓની સંખ્યા આમ જૂઓ તો આંગળીને વેઢે ગણી શકાય એટલી છે. આજથી લગભગ પચાસ જેટલા વર્ષો પૂર્વે ભાવનગર યુનિવર્સિટિના ઝૂલોજીના પ્રોફેસર સ્વ. ડો. બી.એચ. પટેલ ગુજરાતમાં કરોળિયા પર અભુતપૂર્વ કામ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં.
પટેલ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન લગભગ કરોળિયાની નવી ૪૫ જેટલી જાતિઓ શોધીને તેને વર્ગિકૃત કરી હતી. ડો. બી.એચ પટેલ બાદ વડોદરા ઝૂના ક્યુરેટર ડો. શ્રી રાજુ વ્યાસે પણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોના કરોળિયાઓ પર સારું એવું રીસર્ચ વર્ક કર્યું છે.
એ સિવાય આણંદ એગ્રીકલ્ચરલ યુનિ.ના શ્રી ભવભુતી પરાશર્યએ પણ કરોળિયાના ફીલ્ડમાં સારુ એવું કામ ગુજરાતમાં કર્યું છે.
વર્તમાનમાં આપણો એક ગુજરાતી વિરલો પાક્યો છે જેણે આ વણખેડાયેલી જમીન પર ખેડાણ કરવાનું સાહસ કર્યું છે. તેનું નામ છે ધ્રુવ પ્રજાપતિ અને પ્રકૃતિપ્રેમીઓ તેને ‘સ્પાઈડરમેન’ના નામે જાણે છે ! કારણ કે વર્ષોના અંતરાલ બાદ કોઈએ કરોળિયા પર અને ખાસ કરીને ગુજરાતના કરોળિયાઓ પર બૃહદ અભ્યાસ કર્યો છે.
ધ્રુવ હાલ કરોળિયા પર ડોક્ટરેટ્ના અંતિમ ચરણમાં છે. તાજેતરના વર્ષોમાં ધૃવભાઈએ એક મજાની શોધ કરી છે.
આફ્રિકા ખંડના થોડા દેશોમાં અને ખાસ કરીને તો ટાંઝાનીયામાં જોવા મળતી કરોળિયાના એક કુળમાં કુલ મળીને માત્ર છ જાતિઓ જોવા મળે છે. હવે આપણા ધૃવભાઈએ સમગ્ર એશીયાખંડમાં ભારતના, ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લામાં આજ કુળનીની સાતમી જાતિ નામે Tanzania yellapragadai શોધી કાઢી છે ! ગુજરાતમાં કરોળિયા ક્ષેત્રે ભીષ્મપિતામહ એવા શ્રી પટેલ સાહેબના પગલે ધ્રુવે આજ સુધીમાં વણઓળખાયેલી કુલ ૧૯ નવી જાતિઓ શોધી કાઢી છે.
ગુજરાતમાં કુલ મળીને લગભગ ૧૪૫૦ જેટલી કરોળિયાની જાતિઓ જોવા મળે છે, જેમાંની અમુક જાતિઓને તમારે માઈક્રોસ્કોપની મદદથી જોવી પડે, અને કેટલીક એવી છે જેને જોઈને તમારો હાયકારો નીકળી જાય. ગુજરાતના સૌથી મોટા કદના કરોળિયાનું કદ માણસની હથેળી જેવડું હોય છે.
ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફી જોઈ જોઈને સંચિત કરેલા જ્ઞાનના ભારમાં આપણા મનમાં અમુક ગ્રંથીઓ બંધાઈ ગઈ છે. આપણે સૌ કરોળિયાની બે ઝેરી જાતો વિશે જાણીએ છીએ.
એક તો બ્લેક વીડો અને બીજી જાતિ છે તરંતુલા. તરંતુલાને યાદ કરતા જ આપણને અમેરિકાના એમેઝોનના જંગલોમાં નાના કદના પંખીના પણ શીકાર કરતો થાળીની સાઈઝનો તરંતુલા યાદ આવી જાય છે. પરંતુ આપણે એ નથી જાણતા કે દક્ષિણ ગુજરાતમાં પણ તરંતુલાની આશરે ૭ જેટલી જાતો જોવા મળે છે. ડાંગની મૂળનિવાસીઓ તેને સ્થાનિક ભાષામાં ’પતાલગીરી’ કહીને બોલાવે છે કારણ કે આપણા તરંતુલા ગ્રાઉન્ડ સ્પાઈડર છે અને જમીનની અંદર દર બનાવીને રહે છે. ગુજરાતી તરંતુલા પણ ઝેરી જાતિ છે પરંતુ આપણા તરંતુલા માનવનું મૃત્યુ થઈ શકે એવું ઘાતક ઝેર ધરાવતા નથી.