ફોકસ -કલ્પના શાહ

જર્મન ભાષાશાસ્ત્રી મેક્સ મુલરનું નામ આપણે માટે અજાણ્યું નથી. તેમણે કહ્યું છે, “(ભારતના) ભાષાના લાંબા ઈતિહાસમાં, ભાષાના વિદ્યાર્થી માટે રસપ્રદ મુદ્દાઓ ઘણા છે; અને સાચી રીતે કહેવામાં આવ્યું છે કે ભાષાના વિજ્ઞાનમાં સંસ્કૃતનું એ સ્થાન છે, જે સ્થાન ગણિતનું ખગોળશાસ્ત્રમાં છે. આ અવતરણ એટલાં માટે કહેવું પડ્યું કે ભારતીયોને પોતાની ભાષા, સંસ્કૃતિ કે વિજ્ઞાનમાં વિશ્ર્વાસ નથી બેસતો જ્યાં સુધી કોઈ વિદેશીનું પ્રમાણ ન મળે.
એ સિવાય ભારતના અનેક વિદ્વાનોએ સંસ્કૃત ભાષાને “સંપૂર્ણ અને “વૈજ્ઞાનિક ભાષા તરીકે વધાવી છે. સ્વામી વિવેકાનંદે તો એક પ્રવચનમાં ત્યાં સુધી કહ્યું કે હું આખી જિંદગી સંસ્કૃત ભણી રહ્યો છું. તેમ છતાં જયારે કોઈ નવું સંસ્કૃત પુસ્તક વાંચું ત્યારે નવું શીખવા
મળે છે.
ભારતની ઓળખ હંમેશાં તેની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ માનવામાં આવે છે. જો કે, ઘણી રીતે, આપણો દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે અને વિશ્ર્વભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. પરંતુ ચંદ્ર અને મંગળ પર પહોંચ્યા પછી પણ જો ભારતને ખાસ બનાવતી કોઈ વસ્તુ હોય તો તે અહીંના લોકો છે, જેઓ આજે પણ તેની કાળજી લઈને પોતાની સંસ્કૃતિને બચાવી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ છે કર્ણાટકના બીજાપુરના રામ સિંહ રાજપૂત. બાય ધ વે, તે વ્યવસાયે એક બિઝનેસમેન છે અને એક અનોખી કપડાંની દુકાન ચલાવે છે. આજે જ્યાં દેશના ગામડાઓમાં પણ સ્થાનિક બોલી બોલતા લોકો ઓછા થઈ રહ્યા છે, ત્યાં દેશમાં તેમની એવી દુકાન છે, જ્યાં આજે પણ વેદની ભાષા બોલાય છે. તેમણે ૫૦ લોકોને સંસ્કૃત પણ
શીખવ્યું છે.
તાજેતરમાં, તેમની દુકાનમાં અસ્ખલિત સંસ્કૃતમાં વાતચીત કરતા લોકોનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.રામ સિંહના પુત્ર રાહુલ કહે છે, મારા પિતાએ આ પ્રથા ૨૦ વર્ષ પહેલા શરૂ કરી હતી અને તે આજ સુધી ચાલુ છે. અમારી દુકાનમાં દરેક વ્યક્તિ પોતાની વચ્ચે વાત કરવા માટે સંસ્કૃતનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, મારા પિતાએ બીજા ઘણા લોકોને સંસ્કૃત
શીખવી છે.
સંસ્કૃત પ્રત્યેના આ લગાવ વિશે પૂછવામાં આવતા રાહુલ કહે છે કે વર્ષો પહેલા અમે જ્યાં રહેતા હતા ત્યાં એક આશ્રમ હતો. રામ સિંહ ત્યાંથી સંસ્કૃત શીખ્યા, ત્યારબાદ સંસ્કૃત ભાષા પહેલા તેમના ઘરે અને પછી તેમની દુકાન પર આવી. રામ સિંહને આ વૈદિક ભાષા સાથે એટલો લગાવ થઈ ગયો કે તેણે લોકોને મફતમાં સંસ્કૃત શીખવવાનું શરૂ કર્યું.
હવે તેમની દુકાન સંસ્કૃત પાઠશાળા બની ગઈ છે. રાહુલે કહ્યું, દુકાન ખૂલતા પહેલા અમારી પાસે દરરોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી સંસ્કૃતના વર્ગો ચાલે છે. તે પછી બધા કામ કરવા લાગે છે. અમારી પાસે આવનારા તમામ લોકો સમય જતાં સંસ્કૃત બોલતા શીખે છે.
રામ સિંહ પ્રયાસ કરે છે કે દુકાનનો તમામ સ્ટાફ પણ પોતાના તરફથી લોકોને સંસ્કૃત શીખવે. તે દુકાનમાં આવતા ગ્રાહકોને સરળ સંસ્કૃત શબ્દો પણ શીખવવાનું ચાલુ રાખે છે. આ રીતે, તેણે આજુબાજુના બીજા ઘણા લોકો, ઇલેક્ટ્રિશિયન, સુથાર વગેરે, જેઓ દુકાનમાં કામ માટે આવે છે, વગેરેને જોડ્યા છે.
આજના સમયમાં જ્યારે દરેક જગ્યાએ અંગ્રેજી જેવી વૈશ્ર્વિક ભાષાને કારણે આપણી સ્થાનિક ભાષા પણ લુપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં રામ સિંહ જેવા લોકોએ વૈદિક ભાષા સંસ્કૃતનો ઉપયોગ કરીને અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું. તેમની દુકાનની મુલાકાત લઈને તમને આજે પણ વૈદિક કાળમાં ચાલતા ઋષિઓના આશ્રમ જેવો અનુભવ મળે છે.

Google search engine