ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
કુદરતના રંગોની સામે બીજા બધા જ રંગો ફિક્કા દીસે! કુદરત વિવિધ ફૂલોમાં, વૃક્ષોમાં, પતંગિયાઓ અને નાનકડાં જીવોમાં તો વળી વિહંગનાં વિશ્ર્વમાં વિહરતાં પંખીઓમાં પણ અવનવા રંગો ભરે. આપણા કરતાં ક્યાંય વધારે કુદરતને રંગો સાથે વળગણ લાગે છે એવો વિચાર કુદરતનાં આ દૈદીપ્યમાન વિશ્ર્વને જોતા જ લાગે. ફાગણ બેસે કે પાનખરની શરૂઆત થાય પણ જંગલમાં બાકીનાં સમયમાં સાવ અળગો રહી જનાર ખાખરો રાજાની જેમ કેસરી રંગોથી ખીલીને કેસૂડો બની જાય. પક્ષીઓનું આકર્ષણનું કેન્દ્ર બને તો વળી આખાયે જંગલમાં એ જ ઊડીને આંખે વળગે. કુદરતની દરેક કલામાં જાણે છૂપો પણ ગૂઢ સંદેશો હોય છે. તમારો યોગ્ય સમય આવે કે તમારાથી અળગા રહેનારા લોકો તમારી પાસે દોડી આવે. કેસૂડાંના કેસરી મનમોહક રૂપને જોઈને સહુ કોઈ કેસૂડાંની નજીક જવાનું ઝંખે એમ જ કરંજ પણ એના આગવા રંગોમાં સજીધજીને તૈયાર થઇ જાય તો વળી કણજી પર લીલોતરી છવાઈ જાય. શેતૂર પણ લાલ ચટક રંગોનાં ફળો સાથે ફાગણને વધાવવા નીકળી પડે અને પક્ષીઓનો મેળાવડો જામે. આંબે મોરથી ડાળો લૂમઝૂમ થવા લાગે અને કોયલના મધુર ટહૂકાથી આખુંયે જંગલ સંગીતમય બની જાય. સાગ જેવાં વૃક્ષો નવા વાઘા સજવા માટે જૂના પર્ણોને ખેરવવા માટે અને ધરણી સોનેરી આવરણ ધારણ કરવા લાગે. કોઈ વૃક્ષની શીતળ છાયાંમાં થોડી પળો વિતાવીએ કે ફાગણનાં વૈભવને છેક હૃદયનાં ઊંડાણ સુધી સ્પર્શતું અનુભવી શકીએ.
ફાગણથી ચૈત્ર તરફ પગરવ માંડતું કુદરતનું કાવ્ય એટલે ગુજરાતમાં આવેલા સાગ અને મહુડાંનાં જંગલો. ચાંપાનેર નજીક આવેલ જાંબુઘોડા અભ્યારણ્ય ઉનાળાનું આકર્ષણનું કેન્દ્ર છે. સારા એવા પ્રમાણમાં રીંછની વસાહત ધરાવતું આ જંગલ નાનું સરખું પણ અદ્ભૂત છે. વન વિભાગ ગુજરાત રાજ્યનાં વડોદરા ડિવિઝન દ્વારા અહીં પ્રકૃતિ શિક્ષણને કેન્દ્રમાં રાખીને કેમ્પ સાઇટ્સ બનાવવામાં આવી છે. ધનપરી ઇકો કેમ્પસાઈટ, કડા ડેમ ઇકો ટૂરિઝમ, તરઘોળ ઇકો કેમ્પસાઈટ અને ભાટ ઇકો કેમ્પસાઈટ એમ કુલ ચાર કેમ્પસાઇટ છે જ્યાં રહીને નિસર્ગનો આનંદ માણી શકાય છે. અહીં ચોમેર કેસૂડાંનાં રંગોને માણી શકાય છે તો વળી સાંજના સમયે અથવા તો સવારના સમય ટ્રેકિંગ કરીને ગાગરમાતા અને નઝરમાતાની પહાડીઓ ચડીને આખાયે જંગલને એક સામટું આંખોમાં ભરી શકાય છે. કડા ડેમ પાસે નાનકડું તળાવ છે જે ફાગણમાં પ્રકૃતિની અનન્ય સુંદરતાની ચાડી ખાય છે. સંધ્યા ટાણે અહીં અસંખ્ય ચામાચીડિયાઓ ઉડાન ભરતા જોવા મળે તો વળી ક્યાંક ક્યાંક ઘુવડ પણ નજરે ચઢી જાય. શિકારી પક્ષીઓ સાથે ક્યારેક અચાનક જ ભેટો થઇ જાય. ઢળતી સાંજે જાંબુઘોડાનાં જંગલોની આસપાસ ચક્કર લગાવીએ એટલે રીંછ અને દીપડાઓ ચોક્કસ મળે. ક્યારેક ન મળે તોયે એમની હાજરીનો અણસાર તો આવી જ જાય. અહીંનાં જંગલ વિસ્તારમાં દીપડાઓ અને રીંછની વસ્તી ખૂબ છે. ગાગરમાતા પરથી સાંજે પાણીમાં આથમતો સૂર્ય અને પાવાગઢની પહાડીઓનો નજારો અવાચક કરી મૂકે તેટલો સુંદર હોય છે.
ઉનાળાના આકરા તાપની શરૂઆત થયા પહેલાનું શીતળ જંગલ અને ક્યાંક લીલી તો વળી ક્યાંક સૂકી એવી વનરાજીનો શ્રેષ્ઠ અનુભવ એટલે ફાગણનું જંગલ. બને તેટલી અલગ અલગ ઋતુઓમાં જંગલનાં વૈભવને માણીએ તો કુદરતને ખરા અર્થમાં જાણી અને માણી શકીએ. અહીંનાં જંગલમાં વનવિભાગ દ્વારા સરળ રીતે રહી શકાય તેવી પ્રાથમિક જરૂરિયાતો અને દેશી ખાણીપાણી સાથેની મજાની કેમ્પસાઇટ્સ ઊભી કરેલી છે અને વન-વિભાગના સ્ટાફ દ્વારા અહીં પ્રકૃતિને લગતી જાણકારી મળી રહે તેવી મદદ પણ હરખભેર કરવામાં આવે છે. અરણ્યનો વૈભવ મને હંમેશાં પથિક બનાવે છે અને હું રોજ બરોજ જંગલમાં બનતી અવનવી ક્ષણોથી મારા ખિસ્સા ભરું છું. ગુજરાત સોનેરી સૌંદર્ય સાથે અવનવી જીવસૃષ્ટિ ધરાવતું ઘર છે તો અહીંનાં જંગલો જ ગુજરાતનો સાચો વૈભવ છે. ગુજરાતની વસુંધરાનો વૈભવ અરણ્યમાં રખડો તો જ માણી શકો પછી એ ગુજરાત હોય કે વિશ્ર્વનાં કોઈ પણ ખૂણાંનું અરણ્ય.
જંગલની સંધ્યા અને રાત્રી બન્નેનો વૈભવ ક્યારેય જતો ન કરી શકાય. કૃષ્ણ પક્ષ હોય કે શુક્લ પક્ષ બંનેની પોતપોતાની અલગ સુંદરતા છે. શુક્લ પક્ષમાં ચંદ્રની આછેરી રોશનીમાં લપેટાયેલા જંગલને એક દ્રષ્ટિથી નિહાળો અને નિશાચર જીવોના અવાજોને સાંભળો એટલે કુદરતને અવ્વલ દરજ્જાનાં સંગીતકાર તરીકે નવાજ્યા વિના ન રહી શકો. એમાંયે પૂનમ આસપાસનું અઠવાડિયું હોય તો લાલાશ પડતા ચંદ્રને ઉદય થતો જોવો અને સૂર્યને અસ્ત થતો જોવો એ જ રીતે વહેલી સવારનાં સમયે ચંદ્રને અસ્ત થતો જોવો એ એક લ્હાવો છે. કૃષ્ણ પક્ષમાં હજારો તારાઓ, નક્ષત્રો અને ગ્રહોને નિહાળવા એ પણ એક પ્રકારનું મેડિટેશન છે. કોઈપણ જાતનાં ઘોંઘાટથી દૂર પળવાર માટે ઝંપી
ગયેલી જિંદગીની ક્ષણોને ખરા અર્થમાં માણવી હોય તો આ સમય શ્રેષ્ઠ કહી શકાય. અહીંથી થોડે દૂર પ્રાચીન ઝંડ હનુમાનજીનું મંદિર છે. ચોમાસા દરમ્યાન આ સ્થળની રોનક અલગ હોય છે પણ ફાગણનો વૈભવ ચૂકવા જેવો નથી જ અને નથી જ. તરઘોળ કેમ્પસાઇટ એક તળાવ કિનારે આવેલી છે. અહીં સાંજના સમયે નિરાંતે બેસીએ કે હજારોની સંખ્યામાં ચામાચીડિયાની ઉડાન માથા પરથી જ જોઈ શકાય. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ચામાચીડિયાની વસાહત આવેલી છે. દિવસ દરમ્યાન આ ચામાચીડિયાઓને અહીંનાં વૃક્ષો પર ઊંધા માથે લટકેલા સરળતાથી જોઈ શકાય પણ પૂનમની સંધ્યાટાણે ચંદ્રોદય સમયે ચામાચીડિયાની વસાહતને ઊડતા જોઈ લો તો જાણે કોઈ ફિલ્મનું દૃશ્ય જ આકાશમાં સર્જાયું હોય તેવું લાગે.
વડોદરાથી અહીં સરળતાથી કોઈ પણ માધ્યમથી પહોંચી શકાય છે. પરિવાર સાથે અહીં રહેવા માટે વડોદરા વન વિભાગનો સંપર્ક કરીને નજીવા દરે બુકિંગ કરાવી શકાય છે, કુદરતના અવનવા રંગોને જોવા, માણવા અને અનુભવવા ખૂબ જ જરૂરી છે. દરેક ઋતુનો અલગ અલગ મિજાજ હોય છે પણ રંગબેરંગી રૂઆબ સાથે ખુશનુમા મિજાજ માટે વસંત ઋતુ મને સહુથી પ્રિય છે. વસંતનાં અનૂઠાં વૈભવને ગુજરાતનાં જંગલોમાં જ માણવું જોઈએ!